IND vs IRE / ટીમ ઈન્ડિયા સામે ડેબ્યુ કરશે આ ભારતીય ખેલાડી, જાણો આયર્લેન્ડની ટીમમાં કેવી રીતે પહોંચ્યો રાજસ્થાનનો ક્રિકેટર

ભારત અને આયર્લેન્ડ વચ્ચે કાલ (26 જૂન) થી T20 સિરિઝની શરૂઆત થવાની છે. બંને દેશો વચ્ચે કુલ બે T20 મેચ રમાવાની છે, ત્યારે સૌથી રસપ્રદ વાત એ છે કે, આ સિરિઝમાં ટીમ ઈન્ડિયાનો વિસ્ફોટ બેટર વૈભવ સૂર્યવંશી ડેબ્યુ કરીને મોટો ઈતિહાસ રચી શકે છે. આ ઉપરાંત આયર્લેન્ડ તરફથી રાજસ્થાનનો ફાસ્ટ બોલર જય મૂંદડા પણ કાલની મેચથી ડેબ્યુ કરી શકે છે.
ટીમમાં ભાઈની પસંદગીથી પરિવાર ખુશ
જય મૂંદડાની આયર્લેન્ડની ટીમમાં પસંદગી થયા બાદ તેની બહેને મીડિયા સાથે વાત કરતી વખતે કહ્યું કે, "મને બહુ ખુશી થાય છે કે, ભાઈની ટીમમાં પસંદગી થઈ છે. મારો ભાઈ નાનપણથી ક્રિકેટ મેચ રમી રહ્યો છે. તે શાળામાં મેચ રમતો હતો, ત્યારબાદ તે એકેડેમીમાં જોડાયો હતો. મેં ભાઈ સાથે વાત કરી, ત્યારે ટીમમાં સ્થાન મળતાં તે ખૂબ ખુશ છે અને અમારો પરિવાર પણ ખૂબ ખુશ છે. મને આશા છે કે, મારો ભાઈ સારુ પ્રદર્શન કરશે."
જય મૂંદડા રાજસ્થાનનો રહેવાસી
રાઈટ આર્મ ફાસ્ટ બોલર જય મૂંદડા રાજસ્થાન ટોંકનો રહેવાસી છે. તે ભણતર માટે આયર્લેન્ડ ગયો હતો. ત્યાં જવા છતાં તેણે ક્રિકેટર બનવાનું સ્વપ્ન નહતું છોડ્યું અને ક્રિકેટ રમવાનું ચાલુ રાખ્યું હતું. તેણે પહેલા આયર્લેન્ડની નાગરિકતા મેળવી અને પછી ઓલરાઉન્ડર તરીકે ટીમમાં સ્થાન મેળવ્યું.
વૈભવ તોડશે સચિન તેંડુલકરનો 37 વર્ષ જૂનો રેકોર્ડ
વૈભવ સૂર્યવંશીની વાત કરીએ તો તેણે શ્રીલંકામાં A-ટીમ ટ્રાઈ-સિરીઝ ODI ફાઈનલમાં શાનદાર પ્રદર્શન કર્યું. જેમાં તેણે માત્ર 29 બોલમાં 10 ચોગ્ગા અને 8 છગ્ગા સાથે 94 રન બનાવ્યા હતા. સૌથી નોંધપાત્ર વાત એ છે કે વૈભવે માત્ર 11 બોલમાં અડધી સદી પૂરી કરી દીધી હતી. તેવામાં વૈભવ કાલની આયર્લેન્ડ મેચમાં ડેબ્યુ કરીને સચિન તેંડુલકરનો 37 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નવો ઈતિહાસ રચી શકે છે.
સચિન તેંડુલકરનો 37 વર્ષ જૂનો રેકોર્ડ તૂટશે?
બેલફાસ્ટમાં ભારત વિરુદ્ધ આયર્લેન્ડ સામેની પહેલી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં જો વૈભવ મેદાનમાં ઉતરશે તો તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત માટે ડેબ્યુ કરનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી બનશે. સચિને 1989માં 16 વર્ષની ઉંમરે પાકિસ્તાન સામે ભારત માટે ડેબ્યુ કર્યું હતું. હવે વૈભવ પાસે તે રેકોર્ડ ફરીથી લખવાની તક છે, ત્યારે તે મહાન સચિન તેંડુલકરના 37 વર્ષ જૂના રેકોર્ડને તોડશે?
રોમાનિયાના ખેલાડીના નામે સૌથી નાની ઉંમરે ડેબ્યુનો રેકોર્ડ
જોકે, વિશ્વના સૌથી નાની ઉંમરના આંતરરાષ્ટ્રીય ડેબ્યુનો રેકોર્ડ રોમાનિયાના મારિયન ઘેરાસિમના નામે છે. જેણે 2020માં બુલ્ગારિયા સામે માત્ર 14 વર્ષની ઉંમરે T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ડેબ્યુ કર્યું હતું. ક્રિકેટમાં રેકોર્ડ બનાવવા સહેલા છે પણ તેને યાદગાર બનાવવા મુશ્કેલ છે. જેમ સચિન તેંડુલકરે પોતાની કારકિર્દીને મહાનતા સુધી પહોંચાડી હતી તેમ વૈભવનો ખરો પડકાર હવે શરૂ થશે. પરંતુ શ્રીલંકાની ઈનિંગે એક વાત સાબિત કરી દીધી છે કે, યુવા બેટર પ્રેસરની સ્થિતિમાં પાછળ હટવાનો નથી. તે મોટી તકની રાહ જોતો નથી પરંતુ તક મળતાં જ તેને બદલી નાખે છે. જ્યારે વૈભવ ટીમ ઇન્ડિયાની જર્સી પહેરશે ત્યારે તે ભારતનો 120મો T20 આંતરરાષ્ટ્રીય ખેલાડી બનશે.

