શુભમન ગિલને લઈને ભારતીય દિગ્ગજ ખેલાડીનું દર્દ છલકાયું, કહ્યું- 'વાઈસ-કેપ્ટન ભલે બીજાને બનાવો, પરંતુ...'

આવતા વર્ષે ભારત અને શ્રીલંકાની સયુંકત યજમાનીમાં T20 વર્લ્ડ કપ રમાશે. આ વર્લ્ડ કપ માટે ભારતીય સ્કવોડની જાહેરાત થઈ ગઈ છે. આ સ્કવોડમાંથી શુભમન ગિલને બહાર કરવામાં આવતા દરેકને આશ્ચર્ય થયું છે. ફેન્સ અને ભૂતપૂર્વ ખેલાડીઓ આ અંગે પોતાના વિચારો જણાવી રહ્યા છે. આ જ વિષય પર ભૂતપૂર્વ ભારતીય વિકેટકીપર-બેટ્સમેન રોબિન ઉથપ્પાએ કહ્યું કે તેને લાગ્યું હતું કે ઓછામાં ઓછું શુભમન ગિલ ભારતની T20 વર્લ્ડ કપ 2026 સ્કવોડનો ભાગ બનશે. તેની યુટ્યુબ ચેનલ પર બોલતા ઉથપ્પાએ કહ્યું કે, સૌથી ખરાબ પરિસ્થિતિમાં તેને લાગ્યું કે ગિલ વાઈસ-કેપ્ટનનું પદ ગુમાવી શકે છે પરંતુ તેમ છતાં ટીમમાં સ્થાન મેળવી લેશે.
'ટીમમાં જગ્યા મળી શકી હોત'
ઉથપ્પાએ કહ્યું, "ભારતીય ક્રિકેટ એક વિચિત્ર જગ્યા છે. તમને લાગે છે કે કેટલાક વસ્તુઓની આગાહી કરી શકાય છે. આ એક સારી ટીમ છે, તેમાં કોઈ શંકા નથી. પરંતુ દિલ જરૂર તૂટ્યા છે. મને તેમની સાથે સહાનુભૂતિ છે. તમને શુભમન ગિલ માટે ખરાબ લાગવું જોઈએ. તે ટેસ્ટ અને ODI ટીમોનો કેપ્ટન છે. સૌથી ખરાબ પરિસ્થિતિમાં મને લાગ્યું કે કોઈ બીજાને વાઈસ-કેપ્ટન બનાવવામાં આવી શકે છે, પરંતુ તેને ટીમમાં જગ્યા મળી જશે. કદાચ પ્લેઈંગ ઈલેવનમાં નહીં હોય, પરંતુ તે ત્રીજા ઓપનર તરીકે ટીમમાં સ્થાન મેળવશે."
સિલેક્ટર્સનો આશ્ચર્યજનક નિર્ણય
T20 વર્લ્ડ કપ 2026 માટે ભારતીય સ્કવોડની જાહેરાત 20 ડિસેમ્બર, 2025ના રોજ કરવામાં આવી હતી. સિલેક્ટર્સ દ્વારા લેવામાં આવેલા બે સૌથી આશ્ચર્યજનક નિર્ણયો હતો ગિલ અને વિકેટકીપર-બેટ્સમેન જિતેશ શર્માને ટીમમાંથી બહાર કરવામાં આવ્યા. ગિલને એક વર્ષ પછી ભારતની T20 આંતરરાષ્ટ્રીય ટીમમાં પાછો લાવવામાં આવ્યો હતો અને તેને વાઈસ-કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો. જોકે, તે આ તકનો લાભ લેવામાં નિષ્ફળ ગયો. તેની વાપસી પછી તેણે 15 મેચ રમી છે અને 24.25ની સરેરાશથી 291 રન બનાવ્યા છે. તેણે આખા વર્ષમાં એક પણ અડધી સદી નહતી ફટકારી.
હવે સેમસનને તક મળશે
ગિલની ટીમમાં વાપસીનો અર્થ એ થયો કે સંજુ સેમસનને તેનું ઓપનિંગ સ્થાન ગુમાવવું પડ્યું. ગયા વર્ષે વિકેટકીપર-બેટ્સમેને ત્રણ સદી ફટકારી અને અભિષેક શર્મા સાથે મળીને ભારતને ઘણી મજબૂત શરૂઆત આપી હતી. હવે સેમસન ફરીથી ઈનિંગની શરૂઆત કરે તેવી અપેક્ષા છે. ગિલનું ધ્યાન આગામી IPLમાં ગુજરાત ટાઈટન્સ માટે સારું પ્રદર્શન કરવા પર રહેશે, જેથી તે ટૂંકા ફોર્મેટમાં આંતરરાષ્ટ્રીય મેચ રમી શકે.

