શુભમન ગિલ પાસેથી છીનવાઈ શકે છે વનડે કેપ્ટનશીપ, તેના સ્થાને આ ખેલાડીની ચમકી શકે છે કિસ્મત

શુભમન ગિલની મુશ્કેલી વધતી જતી હોય તેવું દેખાઈ રહ્યું છે. તેને આ વર્ષે જ પહેલા ટેસ્ટ ટીમ અને પછી વનડે ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત તે T20 ટીમનો વાઈસ-કેપ્ટન પણ હતો. પરંતુ જ્યારે 20 ડિસેમ્બરે T20 વર્લ્ડ કપ 2026 માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી ત્યારે આ ટીમમાં શુભમન ગિલનું નામ નહોતું. આ વચ્ચે હવે એવી અટકળોએ જોર પકડ્યું છે કે શુભમન ગિલ પાસેથી વનડે કેપ્ટનશીપ છીનવાઈ શકે છે અને શ્રેયસ અય્યર નવો કેપ્ટન બની શકે છે.
ગિલને બદલે શ્રેયસ અય્યર બનશે કેપ્ટન?
એક અહેવાલમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, શ્રેયસ અય્યરને ભારતીય ODI ટીમનો નવો કેપ્ટન બનાવવામાં આવી શકે છે. શ્રેયસ હાલમાં વનડે ટીમનો વાઈસ-કેપ્ટન છે. અય્યર પાસે કેપ્ટનશીપનો ખૂબ સારો અનુભવ છે, તેણે ડોમેસ્ટિક ક્રિકેટથી લઈને IPLમાં પણ પોતાની ટીમની કેપ્ટનશીપ કરી ચૂક્યો છે. હવે સોશિયલ મીડિયા પર શ્રેયસને વનડે ટીમનો કેપ્ટન તરીકે નિયુક્ત કરવાની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે.
જો આ અહેવાલો સાચા હોય તો..
આ જ વર્ષે ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયા સામેની વનડે સીરિઝ પહેલા શુભમન ગિલને વનડે ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. આ સાથે જ શ્રેયસ અય્યરને વાઈસ-કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. જો આ અહેવાલો સાચા હોય તો શ્રેયસ અય્યર એવો 29મો ક્રિકેટર હશે જેને ભારતીય વનડે ટીમની કેપ્ટનશીપ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થશે.
ત્રણેય ફોર્મેટમાં ગિલનું ભવિષ્ય સુરક્ષિત નથી!
શુભમન ગિલની કેપ્ટનશીપમાં ભારતે અત્યાર સુધીમાં ત્રણ વનડે મેચ રમી છે, જેમાંથી માત્ર એકમાં જીત મળી છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ટીમ ઈન્ડિયા 1-2 થી વનડે સીરિઝ હારી ગઈ હતી. T20 વર્લ્ડ કપ 2026 પહેલા ગિલને વનડે કેપ્ટનશીપ પરથી હટાવવાની અટકળો ક્યાંકને ક્યાંક એ સંકેત આપી રહી છે કે, ત્રણેય ફોર્મેટમાં તેનું ભવિષ્ય સુરક્ષિત નથી લાગી રહ્યું.
T20માંથી શુભમન ગિલ બહાર
છેલ્લા કેટલાક મહિનાઓથી T20 ટીમના વાઈસ-કપ્તાન રહેલા શુભમન ગિલનું તાજેતરમાં T20I ફોર્મ ખરાબ રહ્યું છે. દક્ષિણ આફ્રિકા સામેની T20I સીરિઝમાં તેણે ત્રણ મેચમાં માત્ર 32 રન બનાવ્યા હતા. એવું કહેવામાં આવ્યું હતું કે, તે ઈજાને કારણે ચોથી અને પાંચમી T20I નહોતો રમી શક્યો, પરંતુ કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે, મેનેજમેન્ટે પહેલાથી જ ગિલને પડતો મૂકવાનો નિર્ણય લઈ લીધો હતો, જેના કારણે તે પાંચમી T20I નહોતો રમ્યો. હવે તે નિશ્ચિત છે કે ગિલ 2026ના T20 વર્લ્ડ કપમાં નહીં રમશે.

