વિરાટ કોહલીની વિજય હજારે ટ્રોફીમાં વાપસી નહીં જોઈ શકે ફેન્સ, મેચ અંગે સરકારે લીધો મોટો નિર્ણય

વિરાટ કોહલી લાંબા સમય પછી વિજય હજારે ટ્રોફીમાં વાપસી કરવા માટે તૈયાર છે. તે ટુર્નામેન્ટની પહેલી મેચમાં દિલ્હી તરફથી આંધ્રા સામે રમશે. જોકે, ફેન્સ માટે ખરાબ સમાચાર એ છે કે તેઓ તેમના મનપસંદ ખેલાડીને રમતો નહીં જોઈ શકે. દિલ્હી અને આંધ્રા વચ્ચે વિજય હજારે ટ્રોફી મેચ 24 ડિસેમ્બરે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. કર્ણાટક સરકારે કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન (KSCA) ને વિજય હજારે ટ્રોફીની આ મેચ દર્શકો વિના બંધ દરવાજા પાછળ યોજવાનો નિર્દેશ આપ્યો છે.
સ્ટેડિયમમાં સુધારો કરવાનો બાકી છે
4 જૂનના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની વિકટ્રી પરેડ દરમિયાન 11 લોકોના મોત અને ઘણા ઘાયલ થયા બાદ કોહલીની ચિન્નાસ્વામી સ્ટેડિયમની આ પહેલી મુલાકાત છે. આ ઘટના બાદથી સ્ટેડિયમ ઉચ્ચ સ્તરના ક્રિકેટ માટે લગભગ બંધ છે. BCCIએ ઓક્ટોબર-નવેમ્બરમાં રમાયેલા વિમેન્સ વર્લ્ડ કપનાની ફાઈનલ સહિત પાંચ મેચોને પણ બીજા વેન્યુ પર શિફ્ટ કરવી પડી હતી.
અગાઉ KSCA એ સંકેત આપ્યો હતો કે સ્ટેડિયમમાં બે સ્ટેન્ડ જાહેર જનતા માટે ખુલ્લા રાખી શકાય છે, જેમાં 2,000 થી 3,000 દર્શકો બેસી શકે છે. જોકે, રાજ્ય સરકારે સંભવિત સલામતી અને નિયમોના પાલનની ચિંતાઓને ટાંકીને આ દરખાસ્તનો વિરોધ કર્યો હતો. સરકાર માને છે કે સ્ટેડિયમના ઘણા વિસ્તારોમાં હજુ પણ જરૂરી સમારકામ ચાલી રહ્યું છે.
સરકારે અવ્યવસ્થા ટાળવા માટે પગલા લીધા
એક અહેવાલ અનુસાર, રાજ્ય સરકાર રજાઓની મોસમ દરમિયાન મુખ્ય ખેલાડીઓની હાજરીને કારણે સ્ટેડિયમની આસપાસ અવ્યવસ્થા અને ભીડ ટાળવા માંગે છે. પ્રથમ બે મેચ માટે વિરાટ કોહલી અને રિષભ પંતની ઉપલબ્ધતાને કારણે લોજિસ્ટિકલ સમસ્યાઓ ટાળવા માટે KSCAને પહેલાથી જ સ્થળને અલુરથી ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખસેડવું પડ્યું હતું. 22 ડિસેમ્બરના રોજ KSCAની વિનંતી પર પોલીસ, જાહેર બાંધકામ વિભાગ (PWD) અને ફાયર વિભાગના અધિકારીઓની બનેલી સમિતિએ સ્ટેડિયમનું નિરીક્ષણ કર્યું હતું. 23 ડિસેમ્બરે સમિતિનો ઔપચારિક અહેવાલ સુપરત થયા પછી, એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે મેચ દરમિયાન દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે.
પોલીસ કમિશનર સીમંત કુમાર સિંહે જણાવ્યું હતું કે ગૃહ વિભાગની સમિતિના અહેવાલના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગ્રેટર બેંગલુરુ ઓથોરિટી, બેંગલુરુ પોલીસ, ફાયર વિભાગ અને અન્ય સંબંધિત વિભાગોની એક ટીમે સ્ટેડિયમની મુલાકાત લીધી હતી. પોલીસ કમિશનરે આજે જણાવ્યું હતું કે ગૃહ વિભાગના અહેવાલમાં સૂચવવામાં આવ્યું છે કે સ્ટેડિયમે હજુ સુધી આવશ્યકતાઓનું યોગ્ય રીતે પાલન નથી કર્યું અને તેથી આવતીકાલની મેચને મંજૂરી નથી આપવામાં આવી રહી.

