ભારતીય મહિલા હોકી ટીમે ચીનને 3-1થી હરાવી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી જીતી: સતત ત્રીજી અને કુલ ચોથી વખત ભારત બન્યું ચેમ્પિયન

ભારતીય મહિલા હોકી ટીમે શાનદાર વાપસી કરીને મહિલા હોકી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2026નો ખિતાબ પોતાના નામે કર્યો છે. સલીમા ટેટેની કેપ્ટનશિપમાં રમેલી ફાઇનલ મેચમાં ભારતે ચીનને 3-1થી હરાવ્યું હતું. શરૂઆતમાં 0-1થી પાછળ પડ્યા બાદ ભારતીય ટીમે બીજા હાફમાં જોરદાર પ્રદર્શન કરીને મેચનું પાસું પલટી નાખ્યું હતું. આ મેચમાં બે ગોલ કરનાર દીપિકાને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી હતી.
દીપિકાના બે ગોલ, ઇશિકાનો એક ગોલ
ફાઇનલમાં ભારતીય ટીમની શરૂઆત ખાસ રહી નહોતી. પ્રથમ હાફમાં ખેલાડીઓ વચ્ચે યોગ્ય પાસિંગ અને બોલ કંટ્રોલનો અભાવ જોવા મળ્યો હતો. ચીને આ તકનો લાભ લઈને 1-0ની સરસાઈ મેળવી હતી. જોકે, બીજા હાફમાં ભારતીય ખેલાડીઓએ આક્રમક રમત બતાવી હતી. દીપિકાએ પેનલ્ટી કોર્નર દ્વારા ભારત માટે પહેલો ગોલ કરીને સ્કોર બરાબર કર્યો હતો. ત્યારબાદ ઇશિકાએ ફિલ્ડ ગોલ કરીને ભારતને સરસાઈ અપાવી હતી. અંતિમ તબક્કામાં દીપિકાએ ફરી પેનલ્ટી કોર્નરનો ફાયદો ઉઠાવી ગોલ કર્યો હતો. આ સાથે ભારતે 3-1થી જીત મેળવીને ખિતાબ પર કબજો કર્યો હતો.
ભારતે સતત ત્રીજી વખત ખિતાબ જીત્યો
આ જીત સાથે ભારતીય મહિલા ટીમે સતત ત્રીજી વખત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો છે. આ ટુર્નામેન્ટના ઇતિહાસમાં ભારતનો આ કુલ ચોથો ખિતાબ છે. અત્યાર સુધીમાં ભારતે અન્ય તમામ ટીમોની સરખામણીએ સૌથી વધુ ચાર વખત આ ટ્રોફી જીતી છે. ભારતે વર્ષ 2016માં પ્રથમ વખત આ ટુર્નામેન્ટ જીતી હતી. ત્યારબાદ 2023 અને 2024માં પણ ભારતીય ટીમ ચેમ્પિયન બની હતી. હવે 2026માં ચીનને હરાવીને ભારતે ફરી એકવાર ખિતાબ પોતાના નામે કર્યો છે.
મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીના વિજેતાઓ
-
2010 અને 2011: દક્ષિણ કોરિયા
-
2013: જાપાન
-
2016: ભારત
-
2018: દક્ષિણ કોરિયા
-
2021: જાપાન
-
2023, 2024 અને 2026: ભારત
આ જીત સાથે ભારતીય મહિલા હોકી ટીમે એશિયાઈ સ્તરે પોતાનું વર્ચસ્વ વધુ મજબૂત કર્યું છે.








