વૈભવ સૂર્યવંશીની આ ખાસિયતના ફેન થયા ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન કૂક, બોલ્યા - 'આશા છે કે જલદી જ ટેસ્ટ ક્રિકેટમાં તેને...'

વૈભવ સૂર્યવંશીની આ ખાસિયતના ફેન થયા ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન કૂક, બોલ્યા - 'આશા છે કે જલદી જ ટેસ્ટ ક્રિકેટમાં તેને...'
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

યુવા ભારતીય બેટ્સમેન વૈભવ સૂર્યવંશીની આક્રમક બેટિંગે વિશ્વભરના દિગ્ગજ ક્રિકેટરોને પ્રભાવિત કર્યા છે. હવે ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન સર એલિસ્ટર કૂક પણ વૈભવની સિક્સર ફટકારવાની અદભૂત ક્ષમતાના પ્રશંસક બન્યા છે.

શનિવારે ગુરુગ્રામ સ્થિત ક્વીન એલિઝાબેથ સ્કૂલના એક કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા કૂકે વિદ્યાર્થીઓ સાથે ક્રિકેટ રમીને તેમને બેટિંગની બારીકીઓ શીખવી હતી. આ દરમિયાન મીડિયા અને વાલીઓ સાથેના સંવાદમાં તેમણે વૈભવની રમતની ભરપૂર પ્રશંસા કરી હતી.

જાહેરાત

વૈભવની બેટિંગ શૈલી અંગે વાત કરતા એલિસ્ટર કૂકે જણાવ્યું હતું કે, વૈભવ જે રીતે પહેલેથી કોઈ શોટ નક્કી કર્યા વિના બોલની ઝડપ અને દિશા પારખીને સિક્સર ફટકારે છે, તેવી ક્ષમતા તેમણે અગાઉ ક્યારેય જોઈ નથી. કૂકે પોતાના સમયની ક્રિકેટ સાથે સરખામણી કરતા કહ્યું કે, તેમના દૌરમાં બેટ્સમેનો સિક્સર મારવા માટે પહેલેથી જ શોટ નક્કી કરતા હતા અને તેના માટે બોલ ચોક્કસ દિશામાં આવે તે જરૂરી હતું. પરંતુ છેલ્લા પાંચ વર્ષમાં બેટિંગનો અંદાજ સંપૂર્ણપણે બદલાઈ ગયો છે.

આજના સમયમાં બેટ્સમેનો ૧૪૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આવતા બોલ પર પણ તે જ ક્ષણે નિર્ણય લઈને સિક્સર ફટકારે છે. કૂકના મતે, બોલને જોઈને તરત જ શોટની પસંદગી કરવી એ વૈભવ સૂર્યવંશીની સૌથી મોટી ખાસિયત છે. તેની બેટિંગમાં જોવા મળતી સહજતા અને આક્રમકતા તેને અન્ય બેટ્સમેનોથી અલગ પાડે છે. અંતમાં, એલિસ્ટર કૂકે આશા વ્યક્ત કરી હતી કે વૈભવ ભવિષ્યમાં ટેસ્ટ ક્રિકેટમાં પણ પોતાની આ શાનદાર પ્રતિભાનું પ્રદર્શન કરશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત