નાથન લાયનનું ટેસ્ટ કરિયર પૂરું થયું કે ભારત સામે કરશે વાપસી? ઓસ્ટ્રેલિયન પસંદગીકારે આપ્યું મોટું અપડેટ

નાથન લાયનનું ટેસ્ટ કરિયર પૂરું થયું કે ભારત સામે કરશે વાપસી? ઓસ્ટ્રેલિયન પસંદગીકારે આપ્યું મોટું અપડેટ
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

ઓસ્ટ્રેલિયાના અનુભવી સ્પિનર નાથન લાયનના ટેસ્ટ કરિયર અંગે ચાલી રહેલી અટકળો વચ્ચે ઓસ્ટ્રેલિયાના મુખ્ય પસંદગીકાર જ્યોર્જ બેઇલીએ મોટું નિવેદન આપ્યું છે. બેઇલીએ સ્પષ્ટ કર્યું છે કે લાયનની ટેસ્ટ કારકિર્દી હજુ પૂરી થઈ નથી. જો તે ક્રિકેટ રમવાનું ચાલુ રાખવાનો નિર્ણય કરશે તો આગામી વર્ષે ભારત સામે રમાનારી પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં તેની પસંદગી થવાની પૂરી શક્યતા છે. ઓસ્ટ્રેલિયાએ આગામી મહિને ન્યૂઝીલેન્ડ સામે રમાનારી ઘરઆંગણે ટેસ્ટ શ્રેણી માટે ટીમ જાહેર કરી છે. આ ટીમમાં 38 વર્ષીય નાથન લાયનને સ્થાન આપવામાં આવ્યું નથી. વર્ષ 2011માં ટેસ્ટ ડેબ્યૂ કર્યા બાદ પ્રથમ વખત એવું બન્યું છે કે લાયનને ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો હોય. આ નિર્ણય બાદ તેના ટેસ્ટ કરિયર અને નિવૃત્તિ અંગે ચર્ચાઓ શરૂ થઈ હતી.

'લાયનની ટેસ્ટ કારકિર્દીનો અંત નથી'

ઓસ્ટ્રેલિયાના મુખ્ય પસંદગીકાર જ્યોર્જ બેઇલીએ જણાવ્યું હતું કે, પસંદગી સમિતિની ચર્ચાનો મુખ્ય સંદેશ એ જ હતો કે લાયનની કારકિર્દીનો અંત આવ્યો નથી. તેના માટે ટીમમાં વાપસીના દરવાજા ખુલ્લા છે. ભારત જેવા પડકારજનક પ્રવાસમાં તેનો અનુભવ અને બોલિંગ કૌશલ્ય ટીમ માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. બેઇલીએ સ્વીકાર્યું હતું કે ટીમમાંથી બહાર થવાનો નિર્ણય લાયન માટે મુશ્કેલ રહ્યો હશે. હાલમાં તે પોતાના ભવિષ્ય અંગે વિચારવા માટે સમય લઈ રહ્યો છે. પસંદગી સમિતિને આશા છે કે તે ઉતાવળમાં નિવૃત્તિનો નિર્ણય નહીં લે અને ટેસ્ટ ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે.

જાહેરાત

ભારત પ્રવાસમાં લાયનનો અનુભવ આવશે કામ

લાયન ભારત પ્રવાસ માટે પણ ટીમમાં સ્થાન મેળવશે કે નહીં તેવા સવાલના જવાબમાં બેઇલીએ કહ્યું હતું કે, જો તે ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે તો તેને ભારત પ્રવાસ માટે પસંદ નહીં કરવામાં આવે તેવી શક્યતા તેમને દેખાતી નથી. ભારતમાં લાયનનો રેકોર્ડ સારો રહ્યો છે અને અહીંની પરિસ્થિતિઓનો તેને સારો અનુભવ છે. ભારતનો પ્રવાસ કોઈપણ ટીમ માટે પડકારજનક હોય છે. ઓસ્ટ્રેલિયાએ આગામી વર્ષે ભારત સામે પાંચ ટેસ્ટ મેચ રમવાની હોવાથી લાયનનો અનુભવ ટીમ માટે મહત્ત્વપૂર્ણ બની શકે છે. બેઇલીએ વધુમાં જણાવ્યું હતું કે, ઓસ્ટ્રેલિયા હવે સ્પિનરોની પસંદગીમાં વધુ લવચીક અભિગમ અપનાવવા માગે છે. ટીમ પાસે સ્પિન બોલિંગના અનેક સારા વિકલ્પો છે. તેથી પિચ, મેદાન અને વિરોધી ટીમની સ્થિતિને ધ્યાનમાં રાખીને સ્પિનરોની પસંદગી કરવામાં આવશે.

145 ટેસ્ટમાં 577 વિકેટનો રેકોર્ડ

નાથન લાયને અત્યાર સુધીમાં 145 ટેસ્ટ મેચ રમીને 577 વિકેટ ઝડપી છે. જોકે, ગયા વર્ષે એશિઝ શ્રેણી દરમિયાન એડિલેડમાં હેમસ્ટ્રિંગની ઈજા થયા બાદ તે જૂના ફોર્મમાં જોવા મળ્યો નથી. લાયનના સ્થાને વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના સ્પિનર કોરી રોકિસિઓલીને ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. હવે લાયન ક્રિકેટ રમવાનું ચાલુ રાખે છે કે નિવૃત્તિનો નિર્ણય લે છે અને આગામી વર્ષે ભારત પ્રવાસમાં ઓસ્ટ્રેલિયન ટીમમાં વાપસી કરી શકે છે કે નહીં તેના પર સૌની નજર રહેશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત