Sports: વિજય હજારે ટ્રોફીના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે નોંધાયો પહેલો દિવસ, એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક 22 સદી

વિજય હજારે ટ્રોફી 2025-26નો પ્રથમ દિવસ સંપૂર્ણપણે બેટ્સમેનોના નામે રહ્યો. દેશના અલગ-અલગ મેદાનો પર રમાયેલી મેચોમાં બોલરો લાચાર દેખાયા અને રેકોર્ડ્સની વણઝાર લાગી ગઈ. એક જ દિવસમાં કુલ 22 બેટ્સમેનોએ સદી ફટકારી, જેનાથી આ સ્થાનિક વન-ડે ટૂર્નામેન્ટનો જૂનો રેકોર્ડ તૂટી ગયો. અગાઉ એક દિવસમાં સૌથી વધુ 19 સદી નોંધાઈ હતી, પરંતુ આ વખતે આંકડો તેનાથી પણ આગળ નીકળી ગયો છે.
આ ઐતિહાસિક દિવસે વિરાટ કોહલી, રોહિત શર્મા, ઈશાન કિશન, વૈભવ સૂર્યવંશી અને દેવદત્ત પડિક્કલ જેવા મોટા નામોએ શાનદાર ઇનિંગ્સ રમી, પરંતુ અસલી લાઈમલાઈટ ઓડિશાના એક ઓછા જાણીતા બેટ્સમેને મેળવી.
વિરાટ કોહલીનું યાદગાર પુનરાગમન
15 વર્ષ પછી વિજય હજારે ટ્રોફીમાં પરત ફરેલા વિરાટ કોહલીએ દિલ્હી તરફથી આંધ્રપ્રદેશ સામે જબરદસ્ત સદી ફટકારી હતી. વિરાટે 101 બોલમાં 131 રનની ઇનિંગ રમી હતી. તેની ઇનિંગમાં ક્લાસિક કવર ડ્રાઇવ અને પુલ શોર્ટ્સ જોવા મળ્યા હતા. નીતિશ રાણાએ 77 અને પ્રિયાંશ આર્યાએ 74 રન બનાવીને તેને સાથ આપ્યો હતો. જેના કારણે દિલ્હીએ 299 રનનો ટાર્ગેટ માત્ર 37.4 ઓવરમાં પૂરો કરી લીધો હતો. આ સદી સાથે વિરાટે લિસ્ટ-એ ક્રિકેટમાં 16,000 રન પૂરા કર્યા અને આ સિદ્ધિ સૌથી ઓછી ઇનિંગ્સમાં હાંસલ કરનાર બેટ્સમેન બન્યો.
રોહિત શર્માનો ‘હિટમેન’ અંદાજ
મુંબઈ તરફથી રમતા રોહિત શર્માએ સિક્કિમના બોલરોની બરાબરની ધોલાઈ કરી હતી. તેણે 94 બોલમાં 155 રનની તોફાની ઇનિંગ રમી હતી, જેમાં 18 ચોગ્ગા અને 9 છગ્ગાનો સમાવેશ થાય છે. મુંબઈએ 237 રનનો ટાર્ગેટ માત્ર 30.3 ઓવરમાં હાંસલ કરી લીધો હતો. લાંબા સમય પછી સ્થાનિક વન-ડે રમી રહેલો રોહિત સંપૂર્ણ લયમાં જોવા મળ્યો હતો.
ઈશાન કિશનનો ધડાકો
ઝારખંડ માટે રમતા ઈશાન કિશને કર્ણાટક સામે માત્ર 39 બોલમાં 125 રન ફટકારી દીધા હતા. તેણે 7 ચોગ્ગા અને 14 છગ્ગા ફટકારીને ટીમનો સ્કોર 412 રન સુધી પહોંચાડ્યો હતો. જોકે, દેવદત્ત પડિક્કલના 147 રનની મદદથી કર્ણાટકે આ વિશાળ લક્ષ્યાંક સરળતાથી હાંસલ કરી લીધો હતો.
બિહારે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
પ્લેટ ગ્રુપમાં બિહારે અરુણાચલ પ્રદેશ સામે ઇતિહાસ રચી દીધો. બિહારે 6 વિકેટે 574 રન બનાવ્યા, જે લિસ્ટ-એ ક્રિકેટમાં નવો વિશ્વ રેકોર્ડ છે. કેપ્ટન સાકિબુલ ગનીએ માત્ર 32 બોલમાં સદી ફટકારી, જ્યારે 14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ 84 બોલમાં 190 રન બનાવ્યા. આયુષ લોહારુકાએ પણ 116 રનની ઇનિંગ રમી હતી. બિહારે પોતાની ઇનિંગમાં 49 ચોગ્ગા અને 38 છગ્ગા ફટકાર્યા હતા.
આ મોટા નામોની સાથે અર્પિત ભટેવરા, રિકી ભુઈ, યશ દુબે, સમર ગજ્જર, સ્નેહલ કૌથંકર, શુભમ ખજુરિયા, કિશન લિંગદોહ, અમન મોખડે, હિમાંશુ રાણા, રવિ સિંહ, ધ્રુવ શૌરી, ફિરોઝમન જોતિન, વિષ્ણુ વિનોદ અને બિપ્લબ સામંતરે જેવા યુવા ખેલાડીઓએ પણ શાનદાર સદી ફટકારીને વિજય હજારેમાં ઇતિહાસ રચ્યો હતો.
સ્વાસ્તિક સામલ બન્યો દિવસનો સૌથી મોટો હીરો
આ તમામ ઇનિંગ્સ વચ્ચે ઓડિશાના 25 વર્ષીય બેટ્સમેન સ્વાસ્તિક સામલે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. તેણે સૌરાષ્ટ્ર સામે 169 બોલમાં 212 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં 21 ચોગ્ગા અને 8 છગ્ગાનો સમાવેશ થાય છે. તે ઓડિશા તરફથી લિસ્ટ-એ ક્રિકેટમાં બેવડી સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બન્યો. જોકે તેની ટીમ મેચ જીતી શકી નહોતી, પરંતુ સામલની આ ઇનિંગે તેને ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધો છે.

