IND vs SA / નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કેવો છે ભારતનો T20I રેકોર્ડ? ટીમે જીતી છે આટલી મેચ

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે T20I સિરીઝની પાંચમી અને છેલ્લી મેચ 19 ડિસેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. લખનૌમાં બંને ટીમો વચ્ચેની ચોથી મેચ ધુમ્મસને કારણે રદ્દ કરવામાં આવી હતી. તેથી, ક્રિકેટ ફેન્સ ઈચ્છશે કે પાંચમી મેચ કોઈ પણ વિક્ષેપ વગર સમાપ્ત થાય. ટીમ ઈન્ડિયા પહેલાથી જ સિરીઝમાં 2-1થી આગળ છે. તેથી, તે છેલ્લી મેચ જીતીને સિરીઝ પર કબજો કરવા માંગશે. ચાલો જાણીએ કે અમદાવાદના મેદાન પર ટીમ ઈન્ડિયાનો T20I રેકોર્ડ કેવો છે.
ભારતે અમદાવાદના મેદાન પર ફક્ત બે T20I મેચ હારી
ટીમ ઈન્ડિયાએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે અત્યાર સુધી કુલ સાત T20I મેચ રમી છે, જેમાં પાંચ જીતી છે અને બે હારી છે. ટીમ ઈન્ડિયા આ બંને મેચ ઈંગ્લેન્ડ સામે હારી છે અને બંને વખત ઈંગ્લેન્ડે T20I મેચ 8 વિકેટથી જીતી છે.
ભારતીય ટીમ સિરીઝમાં 2-1થી આગળ છે
ભારતે અમદાવાદના મેદાન પર સાઉથ આફ્રિકા સામે હજુ સુધી એક પણ T20I મેચ નથી રમી અને અહીં આ બંને ટીમો વચ્ચેની પહેલો T20I મેચ હશે. જો ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકા સામે પાંચમી T20I મેચ હારી જશે તો પણ સિરીઝ 2-2થી બરાબર રહેશે અને ટીમ ઈન્ડિયા સિરીઝ હારશે નહીં. બીજી તરફ, આફ્રિકન ટીમ સિરીઝ બરાબર કરવા માટે કોઈપણ કિંમતે જીત મેળવવા માંગશે. ટીમ ઈન્ડિયા હાલમાં સિરીઝમાં 2-1થી આગળ છે.
બધાની નજર સૂર્યા પર રહેશે
શુભમન ગિલ ઈજાને કારણે ચોથી T20I માટે ઉપલબ્ધ નહતો. જ્યારે જસપ્રીત બુમરાહ ત્રીજી મેચમાં કૌટુંબિક કારણોસર ઘરે પરત ફર્યો હતો. આ બંને ખેલાડીઓ પાંચમી T20Iમાં રમશે કે નહીં તે જોવાનું રહેશે. બીજી તરફ, બધાની નજર ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ પર રહેશે કારણ કે તે છેલ્લા કેટલાક સમયથી સારું પ્રદર્શન નથી કરી શક્યો અને 2025માં એક પણ અડધી સદી નથી ફટકારી.

