મેદાન પર પરત ફરવા માટે તૈયાર છે ટીમ ઈન્ડિયાનો સ્ટાર ખેલાડી, T20I સિરીઝ પહેલા પાસ કરી ફિટનેસ ટેસ્ટ

ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં સાઉથ આફ્રિકા સામે ODI સિરીઝ રમી રહી છે. સિરીઝની પહેલી મેચ રમાઈ ગઈ છે, જે ટીમ ઈન્ડિયાએ જીતી લીધી છે, આ સિરીઝમાં હજુ બે મેચ બાકી છે. આ ODI સિરીઝ પછી ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકા સામે T20I સિરીઝ પણ રમાશે. આ સિરીઝ માટે ભારતીય સ્કવોડ હજુ સુધી જાહેર નથી કરવામાં આવી. આ દરમિયાન, ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા તેની વાપસીની તૈયારી કરી રહ્યો છે. અહેવાલ છે કે તે સંપૂર્ણપણે ફિટ છે અને ટૂંક સમયમાં ટીમ ઈન્ડિયા માટે રમતો જોવા મળી શકે છે.
હાર્દિક પંડ્યા એશિયા કપ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો
ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા એશિયા કપ 2025 દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. પરિણામે, તે ટુર્નામેન્ટની ફાઈનલ મેચ નહતો રમી શક્યો. જોકે, હવે PTIએ અહેવાલ આપ્યો છે કે હાર્દિક પંડ્યાને T20 ફોર્મેટમાં રમવાની પરવાનગી આપવામાં આવી છે. સાઉથ આફ્રિકા સામે T20I સિરીઝ હજુ દૂર છે, પરંતુ તે પહેલા હાર્દિક સૈયદ મુશ્તાક અલી ટુર્નામેન્ટમાં રમતો જોવા મળશે. મંગળવારે હૈદરાબાદમાં બરોડા અને પંજાબ વચ્ચેની મેચમાં હાર્દિક રમતો જોવા મળશે તેવી અપેક્ષા છે. જો આવું થાય તો ફેન્સ લગભગ અઢી મહિના પછી હાર્દિકને મેદાનમાં જોઈ શકે છે.
પ્રજ્ઞાન ઓઝા હાર્દિક પંડ્યા પર નજર રાખી રહ્યો છે
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની T20 સિરીઝ હજુ દૂર છે. આ સિરીઝ માટે ભારતીય સ્કવોડની જાહેરાત થોડા દિવસોમાં કરવામાં આવશે. દરમિયાન, એવા સમાચાર છે કે હાર્દિક પંડ્યા 4 ડિસેમ્બરે બરોડા અને ગુજરાત વચ્ચેની મેચમાં રમતો જોવા મળશે. અહેવાલ છે કે ટીમ ઈન્ડિયાનો સિલેક્ટર પ્રજ્ઞાન ઓઝા પણ હાર્દિકની ફિટનેસ પર નજર રાખવા માટે આ સમય દરમિયાન હાજર રહેશે. જો બધું બરાબર રહ્યું, તો હાર્દિક પંડ્યા સાઉથ આફ્રિકા સામેની T20I સિરીઝમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ પાછો ફરી શકે છે.
શુભમન ગિલ અંગે અંતિમ અપડેટની રાહ જોવાઈ રહી છે
જ્યારે શુભમન ગિલ અંગે ચિંતાઓ યથાવત છે. તે ક્યારે સંપૂર્ણપણે ફિટ થશે તે અંગે હજુ સુધી કોઈ સંકેત નથી. PTIએ અહેવાલ આપ્યો છે કે શુભમન ગિલ બેંગલુરુના સેન્ટર ઓફ એક્સેલન્સ પહોંચ્યો છે, જ્યાં તેની ફિટનેસનું મૂલ્યાંકન કરવામાં આવશે. આ પછી જ નક્કી થશે કે તે ભારત અને સાઉથ આફ્રિકા સામેની T20I સિરીઝનો ભાગ રહેશે કે નહીં. દરમિયાન BCCIના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે ગિલને ઈન્જેક્શન આપવામાં આવ્યું છે અને તેને 21 દિવસનો આરામ અને રિહેબની સલાહ આપવામાં આવી છે. બેંગલુરુમાં ટ્રેનિંગ દરમિયાન ગિલની મૂવમેન્ટનું મૂલ્યાંકન ન થાય ત્યાં સુધી કંઈ ન કહી શકાય. ગિલ બેટિંગ કરતી વખતે બિલકુલ અસ્વસ્થ છે કે નહીં તે પણ નથી જાણી શકાયું.

