IND vs NZ ટેસ્ટ સિરીઝ વરસાદને કારણે ડ્રો થશે, તો WTC ફાઈનલના ક્વોલિફિકેશન પર પડશે અસર?
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આજથી એટલે કે 16મી ઓક્ટોબરથી ત્રણ મેચની ટેસ્ટ સિરીઝનો પ્રારંભ થઈ રહ્યો છ

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આજથી એટલે કે 16મી ઓક્ટોબરથી ત્રણ મેચની ટેસ્ટ સિરીઝનો પ્રારંભ થઈ રહ્યો છે. બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં વરસાદના કારણે પ્રથમ ટેસ્ટનું પ્રથમ સેશન રદ કરવામાં આવ્યું છે. હવે જોવાનું એ રહે છે કે આ મેચ ક્યારે શરૂ થાય છે.
તમને જણાવી દઈએ કે રોહિત શર્માની કેપ્ટન્સીમાં આ ટેસ્ટ સિરીઝ જીતવી ભારતીય ટીમ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. જો ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ 3-0થી જીતે છે તો તે લગભગ WTC ફાઈનલમાં પહોંચશે.
તે જ સમયે, જો ટીમ ઈન્ડિયા ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ હારે છે અથવા સિરીઝ ડ્રોમાં સમાપ્ત થાય છે, તો તેની અસર WTC ફાઈનલના સમીકરણ પર પડશે.
વરસાદને કારણે WTC ફાઈનલને અસર થશે?
જો ટીમ ઈન્ડિયા ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝમાં 3-0થી જીતી જાય છે તો તે લગભગ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં જગ્યા બનાવી લેશે. આ સાથે ઓસ્ટ્રેલિયા સામેની મેચ પણ જીતવી પડશે. જો આમ થશે તો ભારત અન્ય કોઈપણ મેચના રિઝલ્ટ પર નિર્ભર રહ્યા વગર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં જગ્યા બનાવી લેશે.
પરંતુ જો વરસાદના કારણે ન્યુઝીલેન્ડ સામેની સિરીઝ ડ્રોમાં સમાપ્ત થશે તો ભારત માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચવું થોડું મુશ્કેલ થઈ શકે છે. જો આવું થાય છે તો ભારતે ઓસ્ટ્રેલિયા સામેની લગભગ તમામ મેચ જીતવી પડશે. WTC ફાઈનલમાં પહોંચવા માટે ભારતીય ટીમને તેની 8માંથી 4 ટેસ્ટ જીતવી પડશે.
WTC 2023-25 સાઈકલમાં ભારતનું પ્રદર્શન
હાલમાં, ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. ટીમ ઈન્ડિયાએ 11 ટેસ્ટ રમી છે અને 8માં જીત મેળવી છે, જ્યારે 2 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. જયારે 1 ટેસ્ટ મેચ ડ્રો રહી હતી. ભારતના 98 પોઈન્ટ છે અને જીતની ટકાવારી 74.24 છે. આ સાથે જ ઓસ્ટ્રેલિયાની ટીમ 8 મેચમાં જીત અને 3માં હાર સાથે બીજા સ્થાને છે.
WTC ફાઈનલ ક્યારે થશે?
ICCએ ગયા મહિને જાહેરાત કરી હતી કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ની ત્રીજી એડિશનની ફાઈનલ આવતા વર્ષે એટલે કે 2025માં 11થી 15 જૂન દરમિયાન લોર્ડ્સમાં રમાશે. ICCએ આ મેચ માટે 16 જૂનને રિઝર્વ ડે તરીકે રાખ્યો છે. પ્રથમ વખત લોર્ડ્સ WTC ફાઈનલનું આયોજન કરી રહ્યું છે.








