T20 વર્લ્ડ કપમાં ભારત સામે ન રમવાના પાકિસ્તાનના નિર્ણય પણ આવી સૂર્યાની પ્રતિક્રિયા, કહ્યું -'તેમનો નિર્ણય અમારા...'

પાકિસ્તાન સરકારે સ્પષ્ટતા કરી છે કે તેની ટીમ T20 વર્લ્ડ કપ 2026માં રમશે, પરંતુ 15 ફેબ્રુઆરીએ ભારત સામેની મેચમાં ભાગ નહીં લે. લોકો આ મુદ્દા પર વિવિધ રીતે પ્રતિક્રિયા આપી રહ્યા છે. હવે ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે આ મામલે પોતાની પહેલી પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, તેમની ફ્લાઈટ બુક છે અને તેઓ મેચ માટે શ્રીલંકા જઈ રહ્યા છે.
ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સમાં સૂર્યકુમાર યાદવે કહ્યું કે, "ભલે પાકિસ્તાને મેચનો વિરોધ કર્યો હોય, અમે મેચ માટે જઈશું." વધુમાં તેણે એશિયા કપ 2025 વિશે વાત કરતા કહ્યું કે, "અમે એશિયા કપમાં પણ રમ્યા હતા, જેમાં ભારત અને પાકિસ્તાન ત્રણ વખત ટકરાયા હતા."
'અમે ના નથી પાડી, અમારી ફ્લાઈટ બુક છે'
સુર્યાએ કહ્યું કે, "અમે પાકિસ્તાન સામે રમવાનો ઇનકાર નથી કર્યો, પરંતુ તેમની તરફથી ઇનકાર કરવામાં આવ્યો છે. ICC એ અમને શેડ્યૂલ આપ્યું છે. અમારી ફ્લાઈટ બુક થઈ ગઈ છે અને અમે ત્યાં (કોલંબો) જઈ રહ્યા છીએ."
તેણે આગળ કહ્યું, "ટીમમાં એ જ વાત થઈ રહી છે કે અમે અમારી પહેલી મેચ 7 ફેબ્રુઆરીએ રમીશું અને પછી અમે ત્યાં જઈશું. અમે તેમની સામે સારું ક્રિકેટ રમ્યું છે. અમને કહેવામાં આવ્યું હતું કે 15 ફેબ્રુઆરીએ એક મેચ છે અને તે મેચ ન્યુટ્રલ વેન્યુ પર છે. જો અમને તક મળશે, તો અમે રમીશું." સૂર્યાએ વધુમાં કહ્યું કે પાકિસ્તાની ખેલાડીઓ માટે પણ આ એક મુશ્કેલ નિર્ણય છે.
'તેમનો નિર્ણય અમારા કંટ્રોલમાં નથી'
સૂર્યાને ભારત સામે ન રમવાના પાકિસ્તાનના નિર્ણય અંગે પ્રશ્ન કરવામાં આવ્યો હતો. જવાબ આપતાં તેણે કહ્યું, "તેમનો નિર્ણય અમારા કંટ્રોલમાં નથી. અમે એશિયા કપમાં ન્યુટ્રલ વેન્યુ પર તેમની સામે રમ્યા હતા. અમે તૈયાર છીએ."
તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયા 7 ફેબ્રુઆરીએ ટુર્નામેન્ટમાં તેના અભિયાનની શરૂઆત કરશે. ભારતની પહેલી મેચ USA સામે છે. ત્યારબાદ મેન ઈન બ્લુ નામિબિયા, પાકિસ્તાન અને નેધરલેન્ડ્સનો સામનો શેડ્યૂલ મુજબ કરશે.

