Asia Cup 2025 પહેલા ભારતીય ટીમ માટે સારા સમાચાર, સૂર્યકુમાર યાદવે પાસ કરી ફિટનેસ ટેસ્ટ

ભારતીય T20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે એશિયા કપ માટે ટીમની પસંદગી પહેલા બેંગલુરુમાં BCCI સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે ફિટનેસ ટેસ્ટ પાસ કરી છે. સૂર્યકુમારે જૂનમાં જર્મનીના મ્યુનિકમાં પેટના નીચેના ભાગમાં સ્પોર્ટ્સ હર્નિયા માટે સર્જરી કરાવી હતી.
BCCIના એક સૂત્રએ પુષ્ટિ આપી છે કે તેણે ફિટનેસ ટેસ્ટ પાસ કરી છે અને એશિયા કપ દરમિયાન ભારતીય ટીમનું નેતૃત્વ કરવા માટે ઉપલબ્ધ રહેશે. તે થોડા દિવસો પહેલા સુધી સેન્ટર ઓફ એક્સેલન્સમાં હતો, જ્યાં તેણે રિહેબ પૂર્ણ કર્યું હતું અને હવે તેને સંપૂર્ણપણે ફિટ જાહેર કરવામાં આવ્યો છે. તે ભારતીય ટીમની સિલેકશન મિટિંગમાં હાજરી આપશે.
સૂર્યકુમાર યાદવે જૂનમાં ઇન્સ્ટાગ્રામ પર તેની સફળ સર્જરી વિશે માહિતી શેર કરી. તેણે લખ્યું હતું, "લાઈફ અપડેટ: પેટના નીચેના ભાગમાં સ્પોર્ટ્સ હર્નિયા માટે સર્જરી કરાવી છે. સદભાગ્યે સર્જરી સફળ રહી અને હવે હું સ્વસ્થ થવાના માર્ગ પર છું. મેદાનમાં પાછા ફરવા માટે રાહ જોઈ નથી શકતો." IPL અને મુંબઈ T20 લીગમાં ભાગ લીધા પછી, સૂર્યકુમાર યુકે ગયો, જ્યાં તેણે સ્પોર્ટ્સ હર્નિયા નિષ્ણાતની સલાહ લીધી હતી.

