મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

રોહિત શર્માને જાડિયો કહેનાર શમા મોહમ્મદ પર ભડક્યા સુનિલ ગાવસ્કર, કહ્યું- 'પાતળા ખેલાડીઓ જોઈએ તો...'

ભારતીય કેપ્ટન રોહિત શર્માને જાડિયો કહીને કોંગ્રેસ નેતા શમા મોહમ્મદ વિવાદોમાં ફસાઈ ગઈ છે. શમા મોહમ્મદે ભારતીય કેપ

રોહિત શર્માને જાડિયો કહેનાર શમા મોહમ્મદ પર ભડક્યા સુનિલ ગાવસ્કર, કહ્યું- 'પાતળા ખેલાડીઓ જોઈએ તો...'

ભારતીય કેપ્ટન રોહિત શર્માને જાડિયો કહીને કોંગ્રેસ નેતા શમા મોહમ્મદ વિવાદોમાં ફસાઈ ગઈ છે. શમા મોહમ્મદે ભારતીય કેપ્ટનની ફિટનેસ પર સવાલ ઉઠાવતા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી અને ભારતીય કેપ્ટનને વજન ઘટાડવાની સલાહ આપી દીધી હતી. એટલું જ નહીં, શમા મોહમ્મદે તો એટલે સુધી કહી દીધું હતું કે 'રોહિત ભારતીય ક્રિકેટના ઈતિહાસનો સૌથી અપ્રભાવી કેપ્ટન પણ છે.' ખૂબ ટ્રોલ થયા બાદ તેણે પોતાની પોસ્ટને ભલે ડિલીટ કરી દીધી પરંતુ તેને લઈને હોબાળો મચી ગયો છે. ત્યારે હવે ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર સુનિલ ગાવસ્કરે શમા મોહમ્મદને જડબાતોડ જવાબ આપ્યો છે. 

સુનિલ ગાવસ્કરે શમા મોહમ્મદને આપ્યો જડબાતોડ જવાબ

પૂર્વ ભારતીય ક્રિકેટર સુનિલ ગાવસ્કરનું માનવું છે કે, ક્રિકેટ માનસિક શક્તિ કરતા અનેક ગણું વધારે છે અને ખેલાડીના શરીરને તેની સાથે કોઈ લેવાદેવા નથી. તેમણે એવું પણ સૂચન કર્યું કે જો તે પસંદગી માટે ફિટનેસ પ્રથમ ક્રાઈટેરિયા હોય, તો ટીમમાં મોડલ્સની પસંદગી થવી જોઈએ.

પાતળા ખેલાડી જોઈએ તો મોડલિંગ કોમ્પિટિશનમાં જાઓ

ગાવસ્કરે કહ્યું કે, 'મેં હંમેશા કહ્યું છે કે, જો તમને માત્ર પાતળા ખેલાડીઓ જ જોઈતા હોય, તો તમારે મોડલિંગ કોમ્પિટિશનમાં જવું જોઈએ અને બધા મોડલોની પસદંગી કરવી જોઈએ. અહીં એવું નથી. અહીં માત્ર એટલું જ છે કે તમે સારી રીતે ક્રિકેટ રમી શકો છો. અમે સરફરાઝ ખાન વિશે વાત કરી હતી. લાંબા સમયથી તેનું વજન વધારે હોવાને કારણે તેને બદનામ કરવામાં આવતો હતો, પરંતુ જો તે ટેસ્ટ મેચમાં ભારત માટે 150 રન બનાવે છે અને ત્યારબાદ બે કે ત્રણ અડધી સદી ફટકારે છે, તો સમસ્યા શું છે? મને નથી લાગતું કે બોડી શેમિંગનો તેની સાથે કોઈ લેવા-દેવા છે. તે તમારી માનસિક શક્તિ છે, શું તમે લાંબા સમય સુધી ક્રીઝ પર ટકી શકો છો, તે સૌથી મહત્ત્વપૂર્ણ બાબત છે. લાંબા સમય સુધી સારી બેટિંગ કરો અને રન બનાવો.'

શમા મોહમ્મદે રોહિત શર્માને જાડિયો કહ્યો

કોંગ્રેસ નેતા શમા મોહમ્મદે રોહિત શર્માને જાડિયો ખેલાડી કહ્યો છે. શમા મોહમ્મદે કહ્યું કે, એક ખેલાડી તરીકે રોહિત શર્મા જાડો છે. તેને વજન ઘટાડવાની જરૂર છે. એટલું જ નહીં તેણે તો એટલે સુધી કહી દીધું હતું કે 'રોહિત ભારતીય ક્રિકેટના ઈતિહાસનો સૌથી અપ્રભાવી કેપ્ટન પણ છે.; આવું કહ્યા બાદ તેણે સોશિયલ મીડિયા પરથી પોતાની પોસ્ટ ડિલીટ પણ કરી દીધી, પરંતુ ત્યાં સુધીમાં તેની પોસ્ટ વાયરલ થઈ ગઈ હતી.

આ સમાચાર શેર કરો