VIDEO: માત્ર અડધા ફૂટનું અંતર... અને નેપાળનું દિલ તૂટ્યું, ટી20 વર્લ્ડ કપમાં 1 રનથી જીત ચૂકી ગયું

T20 વર્લ્ડ કપમાં ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન સુપર 8માંથી બહાર ફેંકાવા સાથે વધુ એક મોટી ટીમ બહાર થતાં બચી ગઈ અને મોટો અપસેટ સર્જાતા રહી ગયો. નેપાળને દક્ષિણ આફ્રિકા સામે માત્ર 1 રનથી હારનો સામનો કરવો પડ્યો. અમેરિકાએ પાકિસ્તાનને હરાવીને ટુર્નામેન્ટનો સૌથી મોટો અપસેટ સર્જ્યો. જ્યારે અફઘાનિસ્તાને ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું. જો નેપાળ દક્ષિણ આફ્રિકાને હરાવવામાં સફળ થયું હોત તો તેનું નામ આ લીસ્ટમાં આવી જાત. નેપાળને છેલ્લી ઓવરમાં જીતવા માટે 8 રનની જરૂર હતી, ત્યારે પહેલા ચાર બોલમાં 6 રન બનાવ્યા હતા, પરંતુ છેલ્લા બે બોલ પર બે રન બનાવી ન શકતા હાર થઈ હતી.
ઓટનિલ બાર્ટમેનના છેલ્લા બોલ પર એક રન ફટકારીને નેપાળને મેચ ટાઈ કરવાની અને સુપર ઓવરમાં દબાણ કરવાની તક મળી હતી, પરંતુ ગુલશન ઝાના રન આઉટથી નેપાળનું દિલ તૂટી ગયું. ગુલશન ઝા ઓટનિલ બાર્ટમેનના છેલ્લા બોલ પર અપર-કટ રમીને ચોગ્ગો ફટકારવા માંગતો હતો પરંતુ તે બોલ ચૂકી ગયો. અને બોલ સીધો વિકેટ કીપર ક્વિન્ટન ડી કોકના હાતમાં આવ્યો. નેપાળના બેટ્સમેન રન લેવા માટે દોડ્યા પરંતુ ડી કોકે ચાલાકીપૂર્વક નોન-સ્ટ્રાઈકરના છેડે સીધો થ્રો ફેંક્યો હતો.
સાઉથ આફ્રિકાએ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને રીઝા હેન્ડ્રીક્સની 43 રનની ઇનિંગની મદદથી 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 115 રન બનાવ્યા હતા. હેન્ડ્રીક્સ સિવાય ટ્રિસ્ટન સ્ટબ્સે 18 બોલમાં સૌથી વધુ 27 રનની ઇનિંગ રમી હતી. નેપાળ તરફથી બોલિંગમાં કુશલ ભુર્તેલે 4 વિકેટ ઝડપી હતી જ્યારે દીપેન્દ્ર સિંહને ત્રણ વિકેટ મળી હતી.
116 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી નેપાળની ટીમને કુશલ ભુર્તેલ (13) અને આસિફ શેખ (42)એ સારી શરૂઆત કરાવતા પ્રથમ વિકેટ માટે 35 રન જોડ્યા હતા. આ પછી અનિલ શાહે 27 રનની ઇનિંગ રમીને નેપાળને જીતની નજીક પહોંચાડ્યું. નેપાળને જીતવા માટે છેલ્લી ઓવરમાં 8 રનની જરૂર હતી. ગુલશન ઝાએ ઓટિનિલ બાર્ટમેનના ત્રીજા બોલ પર ચોગ્ગો અને ચોથા બોલે બે રન લીધા. પરંતુ છેલ્લા બે બોલે બે રન બનાવી ના શક્યા. ઝા છેલ્લા બોલ પર રનઆઉટ થતા નેપાળ માત્ર 1 રનથી મેચ હારી હતી.

