Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : South Africa enters semi-finals after defeating West Indies, relief for India

T20 World Cup: વેસ્ટ ઈન્ડિઝને હરાવી દક્ષિણ આફ્રિકાની સેમિ ફાઈનલમાં એન્ટ્રી, ભારતને રાહત

Timeછેલ્લું અપડેટ : 26 Feb 2026
લાઇવ ટીવીGoogle News
T20 World Cup: વેસ્ટ ઈન્ડિઝને હરાવી દક્ષિણ આફ્રિકાની સેમિ ફાઈનલમાં એન્ટ્રી, ભારતને રાહત
સોર્સ : GSTV

ટી20 વર્લ્ડ કપના સુપર-8 તબક્કામાં આજે દક્ષિણ આફ્રિકાએ વેસ્ટ ઇન્ડિઝ સામે શાનદાર વિજય મેળવ્યો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી સુપર-8 સ્ટેજની આ એકતરફી મેચમાં દક્ષિણ આફ્રિકાએ વેસ્ટ ઇન્ડિઝને 9 વિકેટે હરાવીને સેમિફાઇનલમાં પહોંચી ગયું છે. આ જીત સાથે ભારતીય ટીમ માટે પણ સેમિફાઇનલનો રસ્તો હવે ઘણો આસાન થઈ ગયો છે.

App Store

માર્કરામ-ડીકોક વચ્ચે 95 રનની ભાગીદારી

વેસ્ટ ઇન્ડિઝે આપેલા 177 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની શરૂઆત ખૂબ જ આક્રમક રહી હતી. કેપ્ટન એડન માર્કરામ અને ક્વિન્ટન ડીકોકે પ્રથમ વિકેટ માટે માત્ર 95 રનની ભાગીદારી કરી હતી. ડીકોકે 24 બોલમાં 47 રન (4 ચોગ્ગા, 4 છગ્ગા) ફટકારી આઉટ થયો હતો. ત્યારબાદ માર્કરામ અને રયાન રિકલ્ટને બાજી સંભાળી હતી. એડન માર્કરામે 46 બોલમાં અણનમ 82 રન બનાવ્યા હતા, જ્યારે રિકલ્ટને 28 બોલમાં અણનમ 45 રનનું યોગદાન આપ્યું હતું. આફ્રિકાએ માત્ર 16.1 ઓવરમાં 1 વિકેટ ગુમાવી જીત હાંસલ કરી લીધી હતી.

રબાડા અને લુંગીની ઘાતક બોલિંગ

આ પહેલા ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી વેસ્ટ ઇન્ડિઝની શરૂઆત ખરાબ રહી હતી. કગિસો રબાડા અને લુંગી એનગિડીની ઘાતક બોલિંગ સામે વેસ્ટ ઇન્ડિઝે માત્ર 43 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. જોકે, જેસન હોલ્ડર (49 રન) અને રોમારિયો શેફર્ડ (અણનમ 52 રન) વચ્ચે થયેલી 89 રનની ભાગીદારીને કારણે ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 176 રન સુધી પહોંચી શકી હતી.

ભારત માટે હજુ પણ સેમિફાઈનલના દરવાજા ખુલ્લા

સુપર એઈટ્સના ગ્રુપ-1ના પોઈન્ટ ટેબલ મુજબ ભારત અત્યારે ત્રીજા સ્થાને છે. આજની સ્થિતિ જોતા દક્ષિણ આફ્રિકા 2 મેચમાં 2 જીત અને 4 પોઈન્ટ સાથે ટોચ પર છે, જ્યારે વેસ્ટ ઈન્ડિઝ 2 મેચમાં 1 જીત અને 1 હાર સાથે 2 પોઈન્ટ ધરાવે છે. ભારતે અત્યાર સુધી માત્ર 1 મેચ રમી છે અને તેમાં તેની હાર થઈ છે, જેના કારણે ટીમ પાસે અત્યારે 0 પોઈન્ટ છે અને નેટ રન રેટ (NRR) -3.800 જેટલો ઓછો છે. જોકે, દક્ષિણ આફ્રિકાની જીત અને વેસ્ટ ઈન્ડિઝની હાર બાદ ભારત માટે હજુ પણ સેમિફાઈનલના દરવાજા ખુલ્લા છે. ભારત પાસે હજુ મેચો બાકી છે, તેથી જો ભારત તેની આગામી બંને મેચો સારા અંતરથી જીતી લે, તો તે 4 પોઈન્ટ સુધી પહોંચી શકે છે. વેસ્ટ ઈન્ડિઝ અત્યારે 2 પોઈન્ટ પર અટકેલું છે, એટલે જો ભારત આગામી મેચોમાં જીત મેળવે તો તે પોઈન્ટની બાબતમાં વેસ્ટ ઈન્ડિઝને પાછળ છોડી શકે છે.

ભારત માટે સૌથી મોટો પડકાર તેનો નકારાત્મક રન રેટ છે. અત્યારે દક્ષિણ આફ્રિકા (+2.890) અને વેસ્ટ ઈન્ડિઝ (+1.791) બંને રન રેટમાં ભારત કરતા ઘણી સારી સ્થિતિમાં છે. જો ભારત અને વેસ્ટ ઈન્ડિઝ બંને 4-4 પોઈન્ટ પર આવી જાય, તો જેનો રન રેટ વધારે હશે તે ટીમ સેમિફાઈનલમાં જશે. આથી, ભારત માટે હવે માત્ર જીતવું પૂરતું નથી, તેણે ખૂબ મોટા અંતરથી જીતવું પડશે જેથી રન રેટમાં મોટો સુધારો કરી શકાય. દક્ષિણ આફ્રિકા મજબૂત સ્થિતિમાં હોવાથી બીજા સ્થાન માટે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે સીધી સ્પર્ધા થઈ શકે છે. ભારત માટે હવે પછીની દરેક મેચ 'કરો અથવા મરો' સમાન છે.

બંને ટીમોની પ્લેઇંગ-11

વેસ્ટ ઇન્ડિઝ: બ્રાન્ડન કિંગ, શાઈ હોપ (કેપ્ટન), શિમરોન હેટમાયર, રોવમેન પોવેલ, શેરફેન રધરફોર્ડ, રોમારિયો શેફર્ડ, જેસન હોલ્ડર, રોસ્ટન ચેઝ, મેથ્યુ ફોર્ડ, ગુડાકેશ મોતી અને શમર જોસેફ.

દક્ષિણ આફ્રિકા: એડન માર્કરામ (કેપ્ટન), ક્વિન્ટન ડીકોક, રયાન રિકલ્ટન, ડેવાલ્ડ બ્રેવિસ, ડેવિડ મિલર, ટ્રિસ્ટન સ્ટબ્સ, માર્કો જેન્સેન, કોર્બિન બોશ, કગિસો રબાડા, કેશવ મહારાજ અને લુંગી એનગિડી.