Women's World Cup 2025 / ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં થશે મોટું કારનામું? સ્મૃતિ મંધાના પાસે છે ઈતિહાસ રચવાની તક

ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમની સ્ટાર ઓપનર સ્મૃતિ મંધાના, ICC વિમેન્સ વર્લ્ડ કપ 2025માં એક મોટો સીમાચિહ્ન હાંસલ કરવાની ખૂબ નજીક છે. ટીમ ઈન્ડિયાનો આગામી મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે છે, અને આ મેચમાં મંધાના પાસે ઈતિહાસ રચવાની સુવર્ણ તક છે.
હકીકતમાં, સ્મૃતિ મંધાનાએ અત્યાર સુધી તેની ODI કારકિર્દીમાં 4,942 રન બનાવ્યા છે અને 5,000 રન પૂર્ણ કરવાથી માત્ર 58 રન દૂર છે. જોતે ઓસ્ટ્રેલિયા સામે 58 રન બનાવશે, તો તે આ સિદ્ધિ હાંસલ કરનારી ભારતની બીજી મહિલા બેટ્સમેન બનશે. આ પહેલા, આ સિદ્ધિ ભારતીય કેપ્ટન મિતાલી રાજના નામે છે. વધુમાં, તે ODI ક્રિકેટમાં 5,000 રનનો આંકડો પાર કરનારી વિશ્વની પાંચમી મહિલા ક્રિકેટર બનશે.
ODIના ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર મહિલા ક્રિકેટર્સ
- મિતાલી રાજ (ભારત) - 7805
- ચાર્લોટ એડવર્ડ્સ (ઇંગ્લેન્ડ) - 5992
- સુઝી બેટ્સ (ન્યુઝીલેન્ડ) - 5925
- સ્ટેફની ટેલર (વેસ્ટ ઇન્ડીઝ) - 5873
- સ્મૃતિ મંધાના (ભારત) - 4942
વર્લ્ડ કપમાં મોટી ઈનિંગની રાહ જોવાઈ રહી છે
સ્મૃતિ મંધાનાની અત્યાર સુધીની ODI કારકિર્દી શાનદાર રહી છે. તેણે ભારત માટે ઘણી યાદગાર ઈનિંગ્સ રમી છે. જોકે, વર્લ્ડ કપ 2025માં અત્યાર સુધી તેનું પ્રદર્શન સારું નથી રહ્યું. અત્યાર સુધી રમાયેલી ત્રણ મેચોમાં તેનો હાઈએસ્ટ સ્કોર 23 રન રહ્યો છે. તેથી, ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં તેની પાસેથી મોટી ઈનિંગની અપેક્ષા રાખવામાં આવી રહી છે. જો મંધાના આ રેકોર્ડ હાંસલ કરે છે, તો તે 5,000 ODI રન બનાવનારી એકમાત્ર એક્ટિવ ભારતીય મહિલા ખેલાડી બનશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આ મેચ વિશાખાપટ્ટનમના ACA-VDCA સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચમાં ફેન્સની નજર માત્ર ટીમ ઈન્ડિયાની જીત પર જ નહીં, મંધાનાની ઐતિહાસિક ઉપલબ્ધિ પર પણ હશે.
ફેન્સ 2025ના વર્લ્ડ કપમાં મંધાના પાસેથી મોટી ઈનિંગની અપેક્ષા રાખશે, કારણ કે ODIમાં ટીમ ઈન્ડિયાનું ઓસ્ટ્રેલિયા સામે પ્રદર્શન અત્યંત ખરાબ રહ્યું છે. અત્યાર સુધીમાં બંને ટીમો વચ્ચે 59 ODI મેચ રમાઈ છે, જેમાંથી ભારતે માત્ર 11 મેચમાં જ જીત મેળવી છે, જ્યારે ઓસ્ટ્રેલિયાએ 48 મેચ જીતી છે.

