6-7 કેચ છોડ્યા અને ડેથ ઓવર્સમાં ફેલ, વેસ્ટ ઈન્ડિઝ સામેની હાર બાદ શુભમન ગિલે ટીમ ઈન્ડિયાને આપી કડક ચેતવણી

ભારતીય ક્રિકેટ ટીમે ભલે વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રણ મેચોની ODI સિરીઝ 2-1થી પોતાના નામે કરી લીધી હોય, પરંતુ મુલ્લાંપુરમાં રમાયેલા ત્રીજા અને આખરી ODI મુકાબલામાં મળેલી હારે આગામી વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયા સામે ગંભીર સવાલો ઊભા કરી દીધા છે. સ્કોરબોર્ડ પર 352 રનનો જંગી સ્કોર ખડક્યા બાદ પણ ભારતીય ટીમ પોતાના ટાર્ગેટનો બચાવ કરવામાં સદંતર નિષ્ફળ રહી હતી
પરાજય બાદ શુભમન ગિલે ખેલાડીઓને આપી ચેતવણી
શનિવારે મુલ્લાંપુરના મહારાજા યાદવીન્દ્ર સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી આ હાઈ -વોલ્ટેજ મેચમાં કેરેબિયન ટીમે શાનદાર રમતનું પ્રદર્શન કરીને 5 વિકેટે યાદગાર વિજય નોંધાવ્યો હતો. હાર બાદ ભારતીય કેપ્ટન શુભમન ગિલે મેદાન પરની નબળી ફિલ્ડિંગ અને ડેથ ઓવર્સની દિશાહીન બોલિંગ અંગે ભારે નારાજગી વ્યક્ત કરતા સાથી ખેલાડીઓને સ્પષ્ટ ચેતવણી આપી છે.
ગ્રોઈન ઈન્જરી છતાં શાઈ હોપની અણનમ 162 રનની તોફાની ઈનિંગ
વેસ્ટ ઈન્ડિઝની આ ઐતિહાસિક જીતનો અસલી હીરો તેમનો કેપ્ટન શાઈ હોપ રહ્યો હતો. ગ્રોઈન ઈન્જરી (સાથળની ઈજા) ની તીવ્ર પીડા છતાં હોપે મેદાન છોડ્યું નહોતું અને એક છેડો સાચવી રાખીને પોતાના ODI કરિયરની 21મી સદી ફટકારી હતી. તેણે અણનમ 162 રનની કેપ્ટન ઈનિંગ રમીને પોતાની ટીમને 10 બોલ બાકી રહેતા 352 રનનો વિશાળ ટાર્ગેટ સર કરાવી દીધો હતો. ODI ક્રિકેટના ઈતિહાસમાં વેસ્ટ ઈન્ડિઝ દ્વારા સફળતાપૂર્વક ચેઝ કરવામાં આવેલો આ સૌથી મોટો રન ટાર્ગેટ છે.
રસપ્રદ બાબત એ છે કે હોપની આ સતત બીજી સદી હતી, અગાઉ ગુવાહાટી ODIમાં પણ તેણે સદી ફટકારી હતી અને મુલ્લાંપુરમાં વધુ એક મોટી ઈનિંગ રમી ભારતના ક્લીન સ્વીપના સપના પર પાણી ફેરવી દીધું હતું.
અમે 6-7 કેચ છોડ્યા, વર્લ્ડ કપ પહેલાં આ સારું નથી: શુભમન ગિલ
મેચ સમાપ્ત થયા બાદ પોસ્ટ-મેચ પ્રેઝન્ટેશનમાં કેપ્ટન શુભમન ગિલે ભારતીય ટીમની કંગાળ ફિલ્ડિંગ અને બોલિંગની આકરી ઝાટકણી કાઢી હતી. ગિલે કબૂલ્યું કે, "વર્લ્ડ ક્લાસ સ્તરે આ પ્રકારની ફિલ્ડિંગ કોઈ કાળે સ્વીકારી શકાય નહીં. ગિલે કહ્યું કે, ઘણી બાબતો સારી રહી, પરંતુ અમુક ક્ષેત્રોમાં ચોક્કસપણે મોટા સુધારાની જરૂર છે. અમારી ફિલ્ડિંગ ઘણી સારી થઈ શકી હોત. અમે આ મેચમાં આશરે 6થી 7 કેચ ટપકાવ્યા. આગામી વર્લ્ડ કપને જોતાં આ બિલકુલ સારા સંકેત નથી. "
ડેથ ઓવર્સમાં બોલિંગનું કન્ફ્યુઝન: એટેક કરવો કે ડિફેન્ડ?
શુભમન ગિલની સૌથી મોટી ચિંતા ઈનિંગની ડેથ ઓવર્સની બોલિંગને લઈને હતી. ગિલે સ્વીકાર્યું કે બોલર્સ અને ટીમ મેનેજમેન્ટ વચ્ચે રણનીતિમાં સ્પષ્ટતાનો અભાવ જોવા મળી રહ્યો છે. ગિલે કહ્યું કે, "અમારે અમારી ડેથ બોલિંગ પર ખૂબ કામ કરવું પડશે. જ્યારે અમે ડેથ ઓવર્સમાં બોલિંગ કરીએ છીએ ત્યારે અમને એ સ્પષ્ટ હોતું નથી કે અમારે અટેક કરવો છે કે રન રોકવા માટે ડિફેન્સિવ ફિલ્ડિંગ ગોઠવવી છે. જો સામેની ટીમના 5 કે 6 વિકેટ પડી ચૂક્યા હોય, તો પણ ફિલ્ડ સેટિંગ અને બોલિંગ પ્લાનમાં અમે અસમંજસમાં મુકાઈ જઈએ છીએ. ઘણીવાર ડેથ ઓવર્સની રણનીતિ ઘણી વહેલી શરૂ કરી દેવાય છે, જ્યારે તે સમયે સામાન્ય મિડલ ઓવર્સ જેવી બોલિંગની જરૂર હોય છે.
શાઈ હોપની સદી પાછળ મહેન્દ્ર સિંહ ધોનીનો ગુરુમંત્ર
મેચ વિનિંગ ઈનિંગ રમ્યા બાદ વેસ્ટ ઈન્ડિઝના સુકાની શાઈ હોપે પોતાની બેટિંગ શૈલી પાછળનો એક રોચક કિસ્સો શેર કર્યો હતો. તેણે જણાવ્યું કે, "મારી ભારતના મહાન ખેલાડી એમએસ ધોની સાથે ખૂબ સારી વાતચીત થઈ હતી. ધોનીએ મને એક વાત કહી હતી કે તમે જે વિચારો છો, તેના કરતાં તમારી પાસે ક્રિઝ પર હંમેશા વધુ સમય હોય છે. આથી હવે હું પરિણામ પર બહુ ધ્યાન નથી આપતો પરંતુ મારી પ્રોસેસ પર ફોકસ કરું છું. હવે હું પરિસ્થિતિનું મૂલ્યાંકન કરું છું, પોતાની સમગ્ર ઇનિંગને નાના-નાના ટાર્ગેટ્સમાં વહેંચી નાખું છું અને ડેથ ઓવર્સમાં બાઉન્ડ્રી ફટકારવાની તકની રાહ જોઉં છું."

