IND vs WI / બીજી ટેસ્ટમાં 35 રન બનાવતા જ નંબર-1 બન્યો શુભમન ગિલ, રિષભ પંતને છોડ્યો પાછળ

ભારતીય ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલનું તાજેતરનું પ્રદર્શન ઘણું શાનદાર રહ્યું છે. ઈંગ્લેન્ડ પ્રવાસ પછી તે ફરીથી ટેસ્ટ ટીમની કમાન સંભાળી રહ્યો છે, જ્યાં તેણે રેકોર્ડબ્રેક રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ સામે તેનું શાનદાર ફોર્મ ચાલુ છે. બંને ટીમો વચ્ચેની ટેસ્ટ સિરીઝની બીજી અને છેલ્લી મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. આ મેચની પહેલી ઈનિંગમાં, શુભમન ગિલે એક મોટો રેકોર્ડ બનાવ્યો અને ખાસ યાદીમાં નંબર 1 બન્યો છે.
શુભમન ગિલ આ યાદીમાં નંબર 1 બન્યો
શુભમન ગિલ વેસ્ટ ઈન્ડિઝ સામેની આ મેચમાં 35 રન બનાવતાની સાથે જ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ના ઈતિહાસમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. આ સિદ્ધિ સાથે, તેણે વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંતને પાછળ છોડી દીધો અને આ ટુર્નામેન્ટમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડીની યાદીમાં ટોપનું સ્થાન મેળવ્યું છે.
શુભમન ગિલના WTC રનની સંખ્યા હવે 2,732 રનને પાર થઈ ગઈ છે. તેણે 71 ઈનિંગ્સમાં આ સિદ્ધિ મેળવીને રિષભ પંતનો 67 ઈનિંગ્સમાં 2,731 રનનો રેકોર્ડ તોડ્યો છે. આ યાદીમાં ત્રીજા સ્થાને ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન રોહિત શર્મા છે, જેણે 69 ઈનિંગ્સમાં 2,716 રન બનાવ્યા છે. અનુભવી બેટ્સમેન વિરાટ કોહલી અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ચોથા અને પાંચમા નંબર પર છે.
કેપ્ટન તરીકે 1000 રન પૂર્ણ કર્યા
શુભમન ગિલે આ ining દરમિયાન કેપ્ટન તરીકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 1000 રન પણ પૂર્ણ કર્યા. તે આ માઈલસ્ટોન સુધી પહોંચનાર 12મો ભારતીય કેપ્ટન બન્યો છે. વિરાટ કોહલી આ યાદીમાં પહેલા નંબર પર છે, તેણે કેપ્ટન તરીકે 12,883 રન બનાવ્યા છે. શુભમન ગિલને ત્યાં સુધી પહોંચવા માટે લાંબી મજલ કાપવાની છે.

