હાથ મિલાવવાનો ઈનકાર, ફોટોશૂટ ડ્રામા, સ્લેજિંગ... જાણો એશિયા કપ 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચેના 7 મોટા વિવાદો

એશિયા કપ 2025ની ફાઈનલ આજે દુબઈમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે, પરંતુ મેદાન પર બેટ અને બોલ કરતાં વધુ હેડલાઇન્સ વિવાદોએ બનાવી છે. ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલાં જ વાતાવરણ ગરમ થઈ ગયું હતું. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ઘણા નિર્દોષ લોકોના જીવ ગયા, જેનો બદલો ભારતે ઓપરેશન સિંદૂરથી લીધો હતો. ટુર્નામેન્ટની શરૂઆતથી, ઘણી ઘટનાઓ બની છે જેણે આ ટુર્નામેન્ટને યાદગાર અને વિવાદાસ્પદ બનાવી છે. ચાલો એશિયા કપ 2025ને લગતા 7 મોટા વિવાદો પર એક નજર કરીએ જેની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે.
ટુર્નામેન્ટ શેડ્યૂલ પર રાજકારણ
પહલગામ આતંકવાદી હુમલા અને ભારતીય સેનાના ઓપરેશન સિંદૂર પછી એશિયા કપને લગતી અનિશ્ચિતતા વધી ગઈ હતી. ભારતના બહાર થઈ જવાના અહેવાલોએ ટુર્નામેન્ટને જોખમમાં મૂકી દીધી હતી. લાંબી રાહ જોયા પછી, શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું, અને સ્પષ્ટ કરવામાં આવ્યું કે ભારત ફક્ત બહુરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં જ પાકિસ્તાનનો સામનો કરશે.
હાથ મિલાવવાનો ઈનકાર
ગ્રુપ સ્ટેજમાં ભારતે પાકિસ્તાનને 7 વિકેટથી હરાવ્યું, પરંતુ વાસ્તવિક હેડલાઈન્સ ત્યારે બની જ્યારે કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ સમયે અને આખી ટીમે મેચ પછી હાથ મિલાવવાનો ઈનકાર હતો. મેચ રેફરીને આ વાતની અગાઉથી જાણ કરવામાં આવી હતી, પરંતુ આ પગલાથી પાકિસ્તાન ગુસ્સે થયું. વધુમાં, જીત પછી, ભારતીય કેપ્ટને પહેલગામ હુમલાના પીડિતોને જીત સમર્પિત કરી, જેને પાકિસ્તાન રાજકીય રીતે જોઈને સૂર્યા વિરુદ્ધ ICCમાં ફરિયાદ કરી હતી.
PCBની ધમકી અને રેફરીનો વિવાદ
આ ઘટના બાદ, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ ICC સામે મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટને એશિયા કપમાંથી દૂર કરવાની માંગ કરી. તેણે ધમકી પણ આપી હતી કે જો કાર્યવાહી નહીં કરવામાં આવે, તો પાકિસ્તાન આગળ કોઈ મેચ નહીં રમે. જોકે, ICC એ આ માંગ ફગાવી દીધી હતી.
પ્રેસ કોન્ફરન્સનો બહિષ્કાર
ભારતીય ખેલાડીઓના વર્તનથી નાખુશ, પાકિસ્તાને UAE સામેની મેચ પહેલાની પ્રેસ કોન્ફરન્સનો બહિષ્કાર કર્યો હતો. મેચ રેફરીને હટાવવાની માંગણીના વિરોધમાં PCB એ આ કાર્યવાહી કરી હતી. આ સિવાય ટીમ મેચ માટે સ્ટેડિયમમાં પણ મોડી પહોંચી હતી.
વીડિયો વિવાદ
ભારત સામે હાર્યા બાદ, પાકિસ્તાન આગામી મેચ પહેલા મેચ રેફરીને મળ્યું અને ગુપ્ત રીતે તેનો એક વીડિયો રેકોર્ડ કરીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો. આ વીડિયો એવી રીતે રજૂ કરવામાં આવ્યો હતો કે જાણે રેફરીએ ભારત સામેની મેચમાં હાથ ન મિલાવવાની ઘટના માટે માફી માંગી હોય, પરંતુ ICC એ તેને નિયમોનું ઉલ્લંઘન ગણાવ્યું હતું.
સ્લેજિંગ અને આપતિજનક ઈશારા
સુપર-4 મેચમાં, પાકિસ્તાનના હારિસ રઉફ અને શાહીન આફ્રિદીની ભારતીય ઓપનર્સ સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. સાહિબજાદા ફરહાને તેની અડધી સદી પછી 'ગન સેલિબ્રેશન' કર્યું હતું, જ્યારે રઉફે ભારતીય દર્શકોને '6-0' ઈશારો કર્યો, જે પાકિસ્તાનના જૂના પ્રોપેગેંડા સાથે જોડાયેલો હતો. આ પછીICC એ રઉફને તેની મેચ ફીના 30 ટકા દંડ ફટકાર્યો હતો.
ફાઈનલ પહેલા ફોટોશૂટ ડ્રામા
ફાઈનલ પહેલા બંને ટીમના કેપ્ટનો માટે ટ્રોફી સાથે ફોટો સેશન કરાવવાનું ટ્રેડિશન છે, પરંતુ સૂર્યકુમાર યાદવે પાકિસ્તાનના કેપ્ટન સલમાન આગા સાથે પોઝ આપવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો. આ નિર્ણયને રાજકીય સંદેશ તરીકે જોવામાં આવી રહ્યો છે.
ફાઈનલમાં પણ વિવાદ પર નજર રહેશે
આજે (28 સપ્ટેમ્બર) દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રાત્રે 8:00 વાગ્યે ટાઈટલ જંગ શરૂ થશે, ત્યારે ફેન્સનું ધ્યાન ફક્ત મેદાન પરની જંગ પર જ નહીં પરંતુ પોસ્ટ મેચ પ્રેઝન્ટેશન અને સંભવિત વિવાદો પર પણ કેન્દ્રિત હશે.

