સંદીપ પાટીલે BCCIને કરી ખાસ અપીલ, બ્લડ કેન્સર સામે લડી રહેલા ભારતીય ટીમના પૂર્વ કોચને મદદ કરવા કહ્યું
ભારતીય ટીમના ભૂતપૂર્વ બેટ્સમેન સંદીપ પાટીલે T20 વર્લ્ડ કપ વિજેતા ટીમ માટે 125 કરોડ રૂપિયાની ઈનામી ર

ભારતીય ટીમના ભૂતપૂર્વ બેટ્સમેન સંદીપ પાટીલે T20 વર્લ્ડ કપ વિજેતા ટીમ માટે 125 કરોડ રૂપિયાની ઈનામી રકમની જાહેરાત કરવા બદલ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ની પ્રશંસા કરી છે. પાટીલે બોર્ડને ભૂતપૂર્વ ખેલાડી અને કોચ અંશુમન ગાયકવાડને નાણાકીય સહાય પૂરી પાડવા માટે પણ અપીલ કરી હતી જેઓ ગયા વર્ષથી બ્લડ કેન્સર સામે લડી રહ્યા છે.
ગાયકવાડની લંડનની એક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને પાટીલે તાજેતરમાં જ તેમની મુલાકાત લીધી હતી, જ્યાં ભારતના ભૂતપૂર્વ કોચે તેમને તેમની સારવાર ચાલુ રાખવા માટે નાણાની જરૂરિયાત વિશે જણાવ્યું હતું. પાટિલે ભારતીય ક્રિકેટમાં તેમના યોગદાનને ધ્યાનમાં રાખીને આ મુશ્કેલ સમયમાં ગાયકવાડને ટેકો આપવાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો.
પાટીલે કહ્યું, 'ગાયકવાડે મને કહ્યું કે તેમને તેમની સારવાર ચાલુ રાખવા માટે પૈસાની જરૂર છે. દિલીપ વેંગસરકર અને મેં BCCI ટ્રેઝરર આશિષ શેલાર સાથે વાત કરી. ગાયકવાડને લંડનની હોસ્પિટલમાં જોયા બાદ અમે આશિષ શેલારને ફોન કર્યો હતો. આશિષ શેલારે તરત જ કહ્યું હતું કે, તેઓ અમારી અને અન્ય ભૂતપૂર્વ ક્રિકેટરોની પૈસાની વિનંતી પર ધ્યાન આપશે. કોઈપણ દેશના કોઈપણ ક્રિકેટરને તેના બોર્ડ દ્વારા મદદ કરવી જોઈએ, પરંતુ ગાયકવાડના કેસને પ્રાથમિકતા પર લેવો જોઈએ.'
ગાયકવાડે ભારત માટે 40 ટેસ્ટ અને 15 વનડે રમી હતી
ગાયકવાડની ટેસ્ટ કારકિર્દી 1975થી 1987 સુધી ચાલી હતી અને તેમણે ભારત માટે 40 ટેસ્ટ અને 15 ODI રમી હતી. ત્યારબાદ ગાયકવાડ 1997થી 1999 અને ફરીથી 2000માં ભારતીય ટીમના કોચ બન્યા હતા. જ્યારે અનિલ કુંબલેએ પાકિસ્તાન સામે એક ઈનિંગમાં 10 વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી ત્યારે ગાયકવાડ ભારતીય ટીમના કોચ હતા. ગાયકવાડના નેતૃત્વ હેઠળ, ભારતે ઓસ્ટ્રેલિયા સામેની હોમ સિરીઝ 2-1થી જીતી હતી, જ્યારે ન્યૂઝીલેન્ડ સામેની વનડે સિરીઝ ડ્રો કરી હતી.






