મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

રણજી ટ્રોફીમાં રમવા માટે તૈયાર છે રોહિત અને વિરાટ, નોંધી લો ટૂર્નામેન્ટનો સમય અને સ્ટ્રીમીંગ પ્લેટફોર્મ

રણજી ટ્રોફી 2024-25 સિઝન બે ભાગમાં આયોજિત થઈ રહી છે. પહેલો રાઉન્ડ 11 ઓક્ટોબર, 2024થી 16 નવેમ્બર, 2024 દરમિયાન

રણજી ટ્રોફીમાં રમવા માટે તૈયાર છે રોહિત અને વિરાટ, નોંધી લો ટૂર્નામેન્ટનો સમય અને સ્ટ્રીમીંગ પ્લેટફોર્મ

રણજી ટ્રોફી 2024-25 સિઝન બે ભાગમાં આયોજિત થઈ રહી છે. પહેલો રાઉન્ડ 11 ઓક્ટોબર, 2024થી 16 નવેમ્બર, 2024 દરમિયાન રમાયો હતો અને હવે બીજો રાઉન્ડ 23 જાન્યુઆરીથી 2 માર્ચ દરમિયાન યોજાશે. બીજા રાઉન્ડમાં, લીગ મેચો 23 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી અને પછી 30 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી સુધી રમાશે. આ પછી ક્વાર્ટર ફાઈનલ રાઉન્ડ શરૂ થશે. તમને જણાવી દઈએ કે, ઓસ્ટ્રેલિયામાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ગુમાવ્યા બાદ, BCCI એ તેના તમામ કરારબદ્ધ ક્રિકેટરો માટે જો તેમને ફિટનેસ સંબંધિત કોઈ સમસ્યા ન હોય તો ઘરેલુ ક્રિકેટ રમવું ફરજિયાત બનાવ્યું છે. આવી સ્થિતિમાં, સ્ટાર ખેલાડીઓને પણ રણજી ટ્રોફી રમવી પડી રહી છે.

આ પણ વાંચો: IPL 2025ની 7 ટીમના કેપ્ટન નક્કી થયા, આ 3 ટીમ કોને સોપશે કમાન

રણજીમાં રમશે સ્ટાર ખેલાડી

સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી 2012 પછી રણજી ટ્રોફીમાં પોતાની પહેલી મેચ રમવા માટે તૈયાર છે. તે 30 જાન્યુઆરીથી શરૂ થનારી દિલ્હીની રેલ્વે સામેની મેચ માટે ઉપલબ્ધ છે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા પણ 10 વર્ષ પછી મુંબઈ માટે રણજી ટ્રોફીમાં ભાગ લેતો જોવા મળશે. રોહિત શર્મા અજિંક્ય રહાણેની કેપ્ટનશિપમાં જમ્મુ અને કાશ્મીર સામે રમશે. ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પણ રાજકોટમાં સૌરાષ્ટ્ર ટીમના પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો હતો અને 23 જાન્યુઆરીથી દિલ્હી સામે શરૂ થનારી રણજી ટ્રોફી મેચમાં રમવા માટે તૈયાર છે. જાડેજા છેલ્લે જાન્યુઆરી 2023માં સૌરાષ્ટ્ર માટે રમ્યો હતો.

ગિલ અને પંત પણ ભાગ લેશે

શુભમન ગિલ પંજાબ માટે અને રિષભ પંત દિલ્હી માટે રણજી મેચ રમશે. રિષભ પંતે 23 જાન્યુઆરીથી રાજકોટમાં સૌરાષ્ટ્ર સામે શરૂ થનારી દિલ્હીની આગામી રણજી ટ્રોફી મેચ માટે પોતાને ઉપલબ્ધ કરાવ્યો છે. પંતે છેલ્લે 2017-18 સિઝનમાં રણજી ટ્રોફીમાં દિલ્હીનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તે જ સમયે, શુભમન ગિલ 23 જાન્યુઆરીથી શરૂ થનારી રણજી ટ્રોફીના આગામી રાઉન્ડમાં કર્ણાટક સામે પંજાબ તરફથી રમશે.

રણજી ટ્રોફી 2024-25 સિઝનનું ફોર્મેટ શું છે?

રણજી ટ્રોફી 2024-25માં 38 ટીમોને પાંચ ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ચાર એલિટ ગ્રુપ (A, B, C અને D) છે, જેમાં દરેક ગ્રુપમાં 8 ટીમો છે. જ્યારે, બાકીની 6 ટીમોને અલગ પ્લેટ ગ્રુપમાં રાખવામાં આવી છે.

રણજી ટ્રોફી 2024-25ના બધા ગ્રુપ

  • એલીટ A: મુંબઈ, બરોડા, સર્વિસીસ, જમ્મુ અને કાશ્મીર, ત્રિપુરા, મહારાષ્ટ્ર, ઓડિશા, મેઘાલય.
  • એલીટ B: વિદર્ભ, આંધ્રપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, ઉત્તરાખંડ, પોંડિચેરી, હિમાચલ પ્રદેશ, હૈદરાબાદ.
  • એલીટ C: મધ્યપ્રદેશ, કર્ણાટક, હરિયાણા, બંગાળ, કેરળ, ઉત્તર પ્રદેશ, પંજાબ, બિહાર.
  • એલીટ D: તમિલનાડુ, સૌરાષ્ટ્ર, રેલ્વે, દિલ્હી, ઝારખંડ, છત્તીસગઢ, આસામ, ચંદીગઢ.
  • પ્લેટ: ગોવા, મણિપુર, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ.

રણજી ટ્રોફી 2024-25ની મેચ ક્યારે અને ક્યાં જોઈ શકો છો?

રણજી ટ્રોફી 2024-25ની મેચ સવારે 9:30 વાગ્યે શરૂ થશે. આ મેચનું લાઈવ ટેલિકાસ્ટ ટીવી પર સ્પોર્ટ્સ 18 ટીવી નેટવર્ક પર SD અને HD બંને ચેનલો પર ઉપલબ્ધ થશે. જ્યારે લાઈવ સ્ટ્રીમ JioCinema એપ અને વેબસાઈટ પર ઉપલબ્ધ થશે.

આ સમાચાર શેર કરો