VIDEO: ક્રિકેટના મેદાન બાદ હવે ટીવીમાં ચમકવા માટે તૈયાર છે રોહિત શર્મા, રિલીઝ થયું હિટમેનના નવ શોનું ટીઝર
રોહિત શર્માનો અંદાજ હંમેશા નિરાલો રહ્યો છે, પછી તે મેદાન પરની બેટિંગ હોય કે રમુજી ઇન્ટરવ્યુ. હવે રોહિત ટીવી પર પોતાનો એક નવો રિયાલિટી શો લઈને આવી રહ્યો છે. હાલમાં જ આ શોનો એક મજેદાર ટીઝર વીડિયો જાહેર કરવામાં આવ્યો છે. ખાનગી ચેનલે આ શોને અત્યાર સુધીનો સૌથી મોટો એન્ટરટેઈનમેન્ટ ડેબ્યુ ગણાવ્યો છે. જોકે, આ શો કયા વિષય પર હશે તેની સ્પષ્ટતા હજુ નથી કરવામાં આવી, પરંતુ રોહિતને હોસ્ટ તરીકે જોવા માટે ફેન્સ આતુર છે.
'કોઈ ગાર્ડન મે નહીં ઘૂમેગા' ડાયલોગથી રોહિત પરેશાન!
શોના ટીઝરમાં જોવા મળે છે કે રોહિત જ્યાં પણ જાય છે ત્યાં ફેન્સ તેને મળે છે અને તેની ફેમસ લાઈન 'કોઈ ગાર્ડન મે નહીં ઘૂમેગા' બોલવાની ડિમાન્ડ કરે છે. વારંવાર એક જ ડિમાન્ડ સાંભળીને રોહિત એટલો કંટાળી જાય છે કે તે ફોન કરીને પોતાના ઘરની છત પર બની રહેલા ગાર્ડનનું કામ પણ અટકાવી દે છે. અંતમાં તે હસતા હસતા વિચારે છે કે જો તેની આ એક લાઈન આટલી વાયરલ થઈ શકે છે, તો જ્યારે આખો શો ટીવી પર આવશે ત્યારે શું થશે?
ટીવી પર ક્રિકેટર્સનો દબદબો
રોહિત શર્મા પહેલા પણ ઘણા સ્ટાર ક્રિકેટરો ટીવી હોસ્ટ તરીકે સફળ રહ્યા છે. પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી બંગાળી ક્વિઝ શો 'દાદાગીરી અનલિમિટેડ' માટે જાણીતો છે. આ ઉપરાંત હરભજન સિંહ, નવજોત સિંહ સિદ્ધુ, વસીમ અકરમ અને શ્રીસંત જેવા ખેલાડીઓ પણ ટીવી પર પોતાની ઓળખ બનાવી ચૂક્યા છે. હવે ક્રિકેટના સુપરસ્ટાર ગણાતા રોહિત શર્માના શોને જનતા કેટલો પ્રેમ આપે છે તે જોવું રસપ્રદ રહેશે.
રોહિત શર્માનું વર્તમાન ક્રિકેટ કરિયર
રોહિત શર્માએ ટેસ્ટ અને T20I ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે અને હાલમાં તે માત્ર ODI ક્રિકેટમાં સક્રિય છે. અત્યારે તે IPL 2026માં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમી રહ્યો છે, જ્યાં આ સિઝનમાં પણ તેમની બેટિંગનો દબદબો યથાવત જોવા મળી રહ્યો છે.

