VIDEO: 'હવે આવતા વર્ષ માટે...', દિલ્હી કેપિટલ્સ પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર થતા નિરાશ થયો કેપ્ટન અક્ષર પટેલ
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 માં દિલ્હી કેપિટલ્સ (DC) ની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે તેના ઘરેલુ મેદાન પર 8 વિકેટે મળેલી હાર સાથે દિલ્હીની પ્લેઓફમાં પહોંચવાની આશા હવે લગભગ સમાપ્ત થઈ ગઈ છે. આ મેચમાં દિલ્હીની ટીમ માત્ર 142 રન બનાવી શકી હતી, જેને KKRએ માત્ર 14.2 ઓવરમાં જ હાંસલ કરી લીધો હતો.
બેટિંગ અને બોલિંગ બંનેમાં દિલ્હી ફ્લોપ
મેચ બાદ નિરાશ કેપ્ટન અક્ષર પટેલે સ્વીકાર્યું હતું કે ટીમ બંને વિભાગમાં નિષ્ફળ રહી છે. તેણે જણાવ્યું કે 142 રનનો સ્કોર આ પિચ પર પૂરતો નહતો. ખાસ કરીને બે-ત્રણ ઓવરના ગાળામાં 5 વિકેટ ગુમાવી દેવાથી મેચનો મોમેન્ટમ બદલાઈ ગયો હતો. અક્ષરે સ્પિન બોલર્સની પણ ટીકા કરતા કહ્યું કે પરિસ્થિતિ મુજબ બોલિંગ નથી થઈ શકી.
ફિન એલનની તોફાની સદી
કોલકાતા નાઈટ રાઈડર્સની જીતનો હીરો ફિન એલન રહ્યો હતો, જેણે અણનમ 100 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી. તેને કેમેરોન ગ્રીન (33 રન) નો સાથ મળ્યો હતો. KKRના કેપ્ટન અજિંક્ય રહાણેએ એલનની પ્રશંસા કરતા કહ્યું કે શરૂઆતની મેચોમાં સંઘર્ષ કર્યા બાદ તેની મહેનત રંગ લાવી છે. આ જીત સાથે KKR 10 મેચમાં 9 પોઈન્ટ સાથે પ્લેઓફની રેસમાં જળવાઈ રહ્યું છે, જ્યારે DC 11 મેચમાં માત્ર 8 પોઈન્ટ સાથે આઠમા ક્રમે છે.
ભવિષ્યની રણનીતિ અને ફેરફારો
પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર થતા જ અક્ષર પટેલે હવે આગામી સિઝન પર ધ્યાન કેન્દ્રિત કરવાના સંકેત આપ્યા છે. તેણે જણાવ્યું કે હવે ટીમ બેન્ચ પર બેઠેલા ખેલાડીઓને તક આપશે અને આવતા વર્ષ માટે નવી રણનીતિ ઘડશે.

