IND vs AUS / રોહિત શર્માએ એડિલેડમાં અડધી સદી ફટકારતા બનાવ્યા આ રેકોર્ડ્સ, સૌરવ ગાંગુલીથી આગળ નીકળ્યો

ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્માએ એડિલેડમાં રમાઈ રહેલી બીજી ODIમાં ઈતિહાસ રચ્યો છે. બીજી મેચમાં, રોહિત ઓસ્ટ્રેલિયામાં 1,000 ODI રન બનાવનાર પહેલો ભારતીય બેટ્સમેન બન્યો. 38 વર્ષીય રાઈટી બેટ્સમેનને આ સિદ્ધિ હાંસલ કરવા માટે ફક્ત બે રનની જરૂર હતી, જે તેણે ઈનિંગની ત્રીજા ઓવરના પાંચમા બોલ પર મિશેલ સ્ટાર્કની બોલિંગ પર ચોગ્ગો ફટકારીને પ્રાપ્ત કરી. પોતાની અડધી સદી સાથે, તેણે સૌરવ ગાંગુલીને પાછળ છોડી દીધો છે.
રોહિત શર્માએ સૌરવ ગાંગુલીને પાછળ છોડ્યો
ભારતીય ટીમનો ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્મા પર્થમાં માત્ર આઠ રનમાં સસ્તામાં આઉટ થઈ ગયો હતો, પરંતુ હિટમેને એડિલેડ ઓવલમાં શાનદાર વાપસી કરતા અડધી સદી ફટકારી. તે 97 બોલમાં 73 રન બનાવીને આઉટ થયો. આ છતાં, રોહિતે એક મહત્ત્વપૂર્ણ રેકોર્ડ હાંસલ કર્યો છે. રોહિત શર્મા હવે ODI ક્રિકેટમાં ઓપનિંગ બેટ્સમેન તરીકે સૌથી વધુ રન બનાવનારાઓની યાદીમાં પાંચમા સ્થાને પહોંચી ગયો છે. આ સિવાય તે સૌરવ ગાંગુલીને પાછળ છોડીને ODIમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેનની યાદીમાં ત્રીજા ક્રમે પહોંચી ગયો છે.
ODIમાં સૌથી વધુ રન બનાવનારા ભારતીય બેટ્સમેન
- સચિન તેંડુલકર - 463 મેચ - 18,426 રન
- વિરાટ કોહલી - 304 મેચ - 14,181 રન
- રોહિત શર્મા - 275 મેચ - 11,249 રન
- સૌરવ ગાંગુલી - 308 મેચ - 11,221 રન
- રાહુલ દ્રવિડ - 340 મેચ - 10,768 રન
પોતાની અડધી સદીની ઈનિંગમાં, રોહિત શર્મા એ SENA (સાઉથ આફ્રિકા, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા) દેશોમાં સૌથી વધુ છગ્ગા મારવાનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે. રોહિત શર્મા હવે SENA દેશોમાં 150 છગ્ગા મારી ચૂક્યો છે. રોહિત શર્મા આ સિદ્ધિ મેળવનાર એશિયાનો પ્રથમ બેટ્સમેન બન્યો છે.
SENA દેશોમાં રોહિત શર્માના છગ્ગા
- ઓસ્ટ્રેલિયામાં 55 છગ્ગા
- ઈંગ્લેન્ડમાં 48 છગ્ગા
- ન્યુઝીલેન્ડમાં 31 છગ્ગા
- સાઉથ આફ્રિકામાં 16 છગ્ગા
ઓસ્ટ્રેલિયામાં ODIમાં સૌથી વધુ રન બનાવનારા ભારતીય બેટ્સમેન
રોહિત શર્મા આ યાદીમાં સૌથી આગળ છે. રોહિતે અત્યાર સુધી 21 મેચોમાં 55.77ની એવરેજથી 1026 રન બનાવ્યા છે, જેમાં 4 સદી અને 3 અડધી સદીનો સમાવેશ થાય છે. તેનો હાઈએસ્ટ સ્કોર 171 છે, અને તેણે 76 ચોગ્ગા અને 29 છગ્ગા ફટકાર્યા છે. વિરાટ કોહલી અત્યાર સુધી 20 મેચોમાં 802 રન સાથે બીજા ક્રમે છે, જેમાં 3 સદી અને 4 અડધી સદીનો સમાવેશ થાય છે. સચિન તેંડુલકર 25 મેચોમાં 740 રન સાથે ત્રીજા ક્રમે છે. એમએસ ધોની 21 મેચોમાં 684 રન સાથે ચોથા ક્રમે છે.

