IPL 2026ની છેલ્લી લીગ મેચમાં રોહિત શર્મા રમી ના શક્યો, ખાતું ખોલાવ્યા વિના શૂન્ય રને આઉટ

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ સામે રમાયેલી આઈપીએલ 2026ની છેલ્લી લીગ મેચમાં રોહિત શર્મા 4 બોલ રમીને ખાતું ખોલાવ્યા વિના શૂન્ય રને આઉટ થયો હતો. ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરે આઈપીએલમાં ચોથી વખત રોહિતને પોતાનો શિકાર બનાવ્યા હતો. આ શૂન્ય સાથે જ રોહિત શર્માના નામે એક શરમજનક રેકોર્ડ નોંધાયો છે. તે આઈપીએલના ઈતિહાસમાં સૌથી વધુ વખત ઝીરો રને આઉટ થનારા બેટ્સમેનોની યાદીમાં ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલ સાથે 19 ડક સાથે સંયુક્ત રીતે પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. આ મામલે તેણે દિનેશ કાર્તિકને પાછળ છોડી દીધો છે.
શરૂઆત શાનદાર, છેલ્લી મેચમાં શૂન્ય
રોહિત શર્મા માટે આઈપીએલ 2026ની આ સિઝન ઉતાર-ચઢાવ વાળી રહી છે. તેણે આ સિઝનની શરૂઆત શાનદાર કરી હતી અને કોલકાતા નાઈટ રાઈડર્સ સામે અડધી સદી ફટકારીને ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જોકે, ત્યારબાદ 12 એપ્રિલે વાનખેડે સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામેની મેચ દરમિયાન તે હેમસ્ટ્રિંગની ઈજાનો ભોગ બન્યો હતો. આ ઈજાના કારણે તેઓ કેટલાક સમય માટે ટીમની બહાર રહ્યો હતો અને વાપસી કર્યા બાદ રમેલી 5 મેચોમાં માત્ર એક જ અડધી સદી ફટકારી શક્યો હતો.
રોહિતના 9 મેચમાં 283 રન
મુંબઈ ઇન્ડિયન્સના પૂર્વ કેપ્ટન રોહિત શર્મા ઈજાના કારણે આ સિઝનમાં કુલ 9 મેચ જ રમી શક્યો હતો. તેણે 35.38ની એવરેજ અને 157.22ના સ્ટ્રાઈક રેટથી 283 રન બનાવ્યા છે, જેમાં બે અડધી સદી સામેલ છે. એકંદરે આ સિઝનમાં 39 વર્ષીય રોહિત શર્માનું પ્રદર્શન અપેક્ષા મુજબનું રહ્યું નથી.
IPLના ઇતિહાસમાં સૌથી વધુ વખત ડક આઉટ થનારા બેટ્સમેન
- રોહિત શર્મા - 19 વખત
- ગ્લેન મેક્સવેલ - 19 વખત
- દિનેશ કાર્તિક - 18 વખત
- સુનિલ નરેન - 18 વખત
- પીયૂષ ચાવલા - 16 વખત
- રાશિદ ખાન - 16 વખત

