ઋષભ પંતને ટેસ્ટ ક્રિકેટમાં વાપસી માટે આપવી પડશે અગ્નિ પરીક્ષા, આ 3 વિકેટકિપરો સાથે થશે ટક્કર
ભારતીય વિકેટકીપર કમ બેટ્સમેન ઋષભ પંત ગંભીર અકસ્માત બાદ ટી-20 અને વન-ડે ઈન્ટરનેશનલમાં

ભારતીય વિકેટકીપર કમ બેટ્સમેન ઋષભ પંત ગંભીર અકસ્માત બાદ ટી-20 અને વન-ડે ઈન્ટરનેશનલમાં વાપસી કરી ચૂક્યો છે. હવે ટેસ્ટ ક્રિકેટમાં વાપસી કરવા જઈ રહ્યો છે. મુખ્ય પસંદગીકાર અજિત અગરકરે પહેલેથી જ જાહેરાત કરી દીધી છે કે પંતને ટેસ્ટ ક્રિકેટમાં લાવવાની તૈયારીઓ ચાલી રહી છે.એટલા માટે જ તેને વન ડેમાં સમાવેશ કરાયો હતો. IPL 2024 અગાઉ તે જીવલેણ કાર અકસ્માતને પગલે સતત 15 મહિના સુધી ક્રિકેટથી દૂર હતો.વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત આવતા મહિને બાંગ્લાદેશ સામે શરૂ થનારી બે મેચની ટેસ્ટ શ્રેણીમાં રમતો જોવા મળી શકે છે.
ઋષભ પંતે છેલ્લે ડિસેમ્બર 2022માં ટેસ્ટ ક્રિકેટ રમ્યો હતો. એ પછી એ જ મહિનાના અંતે કાર અકસ્માત થતા લાંબા સમય સુધી ક્રિકેટથી દૂર રહ્યો. જો કે હવે તે રેડ બોલ ક્રિકેટમાં વાપસી કરી શકે છે. IPL 2024માં તેના મજબૂત પ્રદર્શન અને ફિટનેસ સાબિત કર્યા પછી T20 વર્લ્ડ કપ 2024 માટે પસંદ કરવામાં આવ્યો અને આ પછી તેને શ્રીલંકા સામેની T20 અને વન ડે શ્રેણીમાં તક આપવામાં આવી. મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે કહ્યું કે ઋષભ પંતને ટેસ્ટ ક્રિકેટ માટે તૈયાર કરી રહ્યા છે.
ભારતની આગામી મેચ આવતા મહિને ઘરઆંગણે બાંગ્લાદેશ સામે બે મેચની ટેસ્ટ શ્રેણી છે, જે અગાઉ અગરકર અને તેની સમિતિ દુલીપ ટ્રોફી માટે ખેલાડીઓની જાહેરાત કરવા તૈયાર છે. આ ટુર્નામેન્ટ 5થી 24 સપ્ટેમ્બર વચ્ચે રમાશે. વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા ખેલાડીઓ પણ આગામી 10 ટેસ્ટ મેચોની તૈયારીને મજબૂત કરવા માટે આ ટૂર્નામેન્ટમાં ઉતરી શકે છે. ભારતે ઓક્ટોબરમાં બાંગ્લાદેશ સામે 2 ટેસ્ટ મેચ, ન્યુઝીલેન્ડ સામે 3 અને નવેમ્બર-ડિસેમ્બરમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર 5 ટેસ્ટ મેચ રમવાની છે.
ભારતીય પસંદગીકારો પંતને દુલીપ ટ્રોફીમાં તક આપવા પર વિચાર કરી રહ્યા છે, જેનાથી તેને રેડ-બોલ ફોર્મેટમાં વધુ સારું પ્રદર્શન કરવાની તક મળી શકે. આ પછી કમિટી બાંગ્લાદેશ શ્રેણી માટે ભારતીય ટીમની પસંદગી કરશે. આ ટૂર્નામેન્ટ દ્વારા પંત લાંબા સમય સુધી મેદાન પર ઊભા રહી શકશે અને સાથે જ લાલ બોલની ક્રિકેટમાં પણ સામેલ થઈ શકશે. પંતની ગેરહાજરીમાં કેએસ ભરતને તક આપવામાં આવી હતી, પરંતુ તે નિષ્ફળ રહ્યો હતો.
આ પછી ટીમમાં ઈશાન કિશનને તક અપાઈ પરંતુ નિરાશા હાથ લાગી. દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે તે પ્રથમ પસંદગીનો વિકેટકીપર હતો, પરંતુ માનસિક થાકનું કારણ આપીને તેણે ટીમ છોડી દીધી હતી. આવી સ્થિતિમાં કેએલ રાહુલને વિકેટકીપર બનાવવામાં આવ્યો હતો, જેણે દક્ષિણ આફ્રિકા અને ઈંગ્લેન્ડ સામે ઘરની ધરતી પર શાનદાર પ્રદર્શન કરીને પોતાની જગ્યા બનાવી લીધી.








