IND vs NZ / પ્રથમ ODI પહેલા ટીમ ઈન્ડિયા માટે આવ્યા ખરાબ સમાચાર, આખી સિરીઝમાંથી બહાર થયો રિષભ પંત
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ODI સિરીઝ આજથી એટલે કે 11 જાન્યુઆરીથી શરૂ થઈ રહી છે. તે પહેલા ટીમ ઈન્ડિયા માટે ખરાબ સમાચાર આવ્યા છે, કારણ કે રિષભ પંત ઈજાને કારણે ODI સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. શનિવારે બરોડામાં પ્રેક્ટિસ દરમિયાન તેને કમરના ઉપરના ભાગમાં ઈજા થઈ હતી.
રિષભ પંત સિવાય કેએલ રાહુલ પણ ODI ટીમમાં વિકેટકીપર તરીકે સામેલ છે. BCCIએ હજુ સુધી ઈજાગ્રસ્ત રિષભ પંતના રિપ્લેસમેન્ટની જાહેરાત નથી કરી. એવી અટકળો છે કે ઈશાન કિશન જેને T20 વર્લ્ડ કપ 2026 માટે ટીમ ઈન્ડિયામાં બેકઅપ વિકેટકીપર તરીકે પસંદ કરવામાં આવ્યો છે, તે તેનું સ્થાન લઈ શકે છે. આ સિવાય ધ્રુવ જુરેલ કે સંજુ સેમસનને પણ સ્થાન મળી શકે છે.
રિષભ પંત શનિવારે લાંબા સમય સુધી બેટિંગ પ્રેક્ટિસ કરી રહ્યો હતો. થ્રોડાઉન નિષ્ણાતો તેને બેટિંગ પ્રેક્ટિસ કરાવી રહ્યા હતા, ત્યારે ફ્રંટ ફૂટ પર ડિફેન્સ કરતી વખતે એક બોલ તેની કમરના ઉપરના ભાગમાં વાગ્યો. હેડ કોચ ગૌતમ ગંભીર અને સપોર્ટ સ્ટાફ પંતની સ્થિતિ જોવા માટે મેદાન પર આવ્યા હતા. મેડિકલ ટીમ દ્વારા પ્રારંભિક સારવાર બાદ રિષભ પંત BCA સ્ટેડિયમ છોડીને ચાલ્યો ગયો. આ દરમિયાન ભારતીય ODI અને ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલ લાંબા સમય સુધી ચીફ સિલેક્ટર અજિત અગરકર સાથે વાત કરતો જોવા મળ્યો હતો.
રિષભ પંતે છેલ્લે જુલાઈ 2024માં શ્રીલંકા સામે ODI મેચ રમી હતી. તે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ટીમ ઈન્ડિયાનો ભાગ હતો, પરંતુ તેને એક પણ મેચ રમવાની તક નહતી મળી. તેણે તાજેતરમાં વિજય હજારે ટ્રોફી 2025-26માં દિલ્હીની ટીમનું નેતૃત્વ કર્યું હતું. તેણે ભારતની સ્થાનિક લિસ્ટ A ટુર્નામેન્ટમાં બે અડધી સદી પણ ફટકારી હતી.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ODI બરોડામાં રમાશે. આ મેદાન પ્રથમ વખત મેન્સ આંતરરાષ્ટ્રીય મેચનું આયોજન કરશે. બીજી ODI 14 જાન્યુઆરીએ રાજકોટમાં રમાશે અને છેલ્લી ODI 18 જાન્યુઆરીએ ઈન્દોરમાં રમાશે.

