IND vs ENG / રવિન્દ્ર જાડેજા પાસે છે રેકોર્ડ બુકમાં નામ નોંધાવાની તક, આ મામલે બની શકે છે વિશ્વનો માત્ર ચોથો ખેલાડી

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચમી ટેસ્ટ મેચ આજથી (31 જુલાઈ) લંડનના કેનિંગ્ટન ઓવલ ખાતે રમાશે. ઈંગ્લેન્ડ હાલમાં 5 મેચની ટેસ્ટ સિરીઝમાં 2-1થી આગળ છે. હવે પાંચમી ટેસ્ટમાં, ભારત પાસે સિરીઝમાં હાર ટાળવાની છેલ્લી તક હશે. આ મેચમાં, બધાની નજર ફરી એકવાર ભારતીય બેટ્સમેન પર રહેશે, જેમણે સિરીઝમાં અત્યાર સુધી ઉત્તમ પ્રદર્શન કર્યું છે.
મિડલ ઓર્ડરમાં, ફેન્સને રવિન્દ્ર જાડેજા પાસેથી ઘણી અપેક્ષાઓ હશે, જેમણે માન્ચેસ્ટર ટેસ્ટમાં શાનદાર સદી ફટકારી અને મેચ ડ્રો કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેણે ચોથી ટેસ્ટમાં બોલથી પણ કમાલ કરી અને ઈંગ્લેન્ડની પ્રથમ ઈનિંગ દરમિયાન 4 બેટ્સમેનોને પવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. હવે જાડેજા પાસે પાંચમી ટેસ્ટ મેચમાં પણ બોલ અને બેટથી કમાલ કરવાની તક હશે. હવે એ જોવું રસપ્રદ રહેશે કે જાડેજા છેલ્લી ટેસ્ટમાં પોતાનું શાનદાર પ્રદર્શન ચાલુ રાખી શકશે કે નહીં.
રવિન્દ્ર જાડેજા વર્તમાન સિરીઝમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓમાં ચોથા ક્રમે છે. 4 ટેસ્ટમાં, તેણે 113.50ની એવરેજથી 454 રન બનાવ્યા છે. જો જાડેજા છેલ્લી ટેસ્ટમાં બંને ઈનિંગ્સમાં કુલ 176 રન બનાવે છે, તો તે એક નવો ઈતિહાસ રચશે.
ઈતિહાસ રચવાના ઉંબરે જાડેજા
રવિન્દ્ર જાડેજાએ ટેસ્ટ ક્રિકેટમાં 84 ટેસ્ટની 126 ઈનિંગ્સમાં 37.86ની સરેરાશથી 3824 રન બનાવ્યા છે. કેનિંગ્ટન ઓવલમાં 176 રન બનાવતાની સાથે જ તે ટેસ્ટ ક્રિકેટમાં 4000 રન પૂર્ણ કરશે. આ રીતે, તે ક્રિકેટના સૌથી જૂના ફોર્મેટમાં 4000 રન બનાવવા અને 300 વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરનાર વિશ્વનો માત્ર ચોથો ખેલાડી બનશે. ટેસ્ટમાં તેના નામે 330 વિકેટ પણ છે. તમને જાણીને નવાઈ લાગશે કે અત્યાર સુધી ફક્ત 3 ખેલાડીઓએ ટેસ્ટમાં 4000+ રન બનાવવા અને 300+ વિકેટ લેવાનો રેકોર્ડ બનાવ્યો છે, જેમાં ભારતના કપિલ દેવ, ઈંગ્લેન્ડના ઈયાન બોથમ અને ન્યુઝીલેન્ડના ડેનિયલ વેટોરીનો સમાવેશ થાય છે. ફેન્સ ટૂંક સમયમાં આ ખાસ ક્લબમાં જાડેજાની એન્ટ્રી જોઈ શકે છે.
ટેસ્ટ ક્રિકેટ ઈતિહાસમાં 4000+ રન અને 300+ વિકેટ ધરાવતા ખેલાડીઓ
- કપિલ દેવ - 5248 રન અને 434 વિકેટ
- ઈયાન બોથમ - 5200 રન અને 383 વિકેટ
- ડેનિયલ વેટોરી - 4531 રન અને 362 વિકેટ

