રવિચંદ્રન અશ્વિને CSK પર મોટો લગાવ્યો આરોપ, કહ્યું- આ ખેલાડીને આપવામાં આવ્યા હતા કોન્ટ્રાક્ટ કરતાં વધુ પૈસા

ભારતના અનુભવી ક્રિકેટર રવિચંદ્રન અશ્વિને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ફ્રેન્ચાઈઝી પર મોટા આરોપ લગાવ્યા છે. પોતાની યુટ્યુબ ચેનલ પર અશ્વિને દાવો કર્યો છે કે CSK એ ડેવલ્ડ બ્રેવિસને સાઈન કરવા માટે ગુપ્ત રીતે ટ્રાન્ઝેક્શન કર્યું હતું. બ્રેવિસ એ જ ખેલાડી છે જેને CSKની ટીમે IPL 2025માં ગુર્જપનીત સિંહના રિપ્લેસમેન્ટ તરીકે સાઈન કર્યો હતો. CSK એ ત્યારે સાઉથ આફ્રિકાના યુવા ખેલાડી બ્રેવિસને 2.2 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
રવિચંદ્રન અશ્વિને જણાવ્યું કે ઘણી ફ્રેન્ચાઈઝીઓ બ્રેવિસને તેમની ટીમમાં સામેલ કરવા માંગતી હતી. પરંતુ બ્રેવિસના એજન્ટો સાથે ઘણી વાતચીત બાદ, CSK એ તેને વધુ પૈસા આપીને ટીમમાં સામેલ કર્યો. અશ્વિને એમ પણ કહ્યું કે બ્રેવિસ જેવા ખેલાડીઓ જાણે છે કે તેમને ઓક્શનમાં બેઝ પ્રાઈસ કરતાં વધુ પૈસા મળશે, તેથી તેમની પાસે તેમની ઈચ્છા મુજબ પૈસા માંગવાની શક્તિ છે.
અશ્વિનનો ખુલાસો
રવિચંદ્રન અશ્વિને કહ્યું, "હું તમને બ્રેવિસ વિશે કંઈક કહી દઉં. તેણે છેલ્લી IPL સિઝનમાં CSK સાથે ખૂબ સારો સમય વિતાવ્યો હતો અને ઘણી ટીમો તેનામાં રસ દાખવી રહી હતી. ઘણી ટીમોએ તેને ઊંચી કિંમતને કારણે સામેલ નહતો કર્યો. રિપ્લેસમેન્ટ તરીકે તેને બેઝ પ્રાઈસ ચૂકવવી જોઈતી હતી, પરંતુ તમે એજન્ટોના સંપર્કમાં આવો છો અને ખેલાડી કહે છે કે જો તેને વધુ પૈસા મળશે, તો તે ટીમમાં જોડાશે."
અશ્વિને આગળ કહ્યું, "આવું એટલા માટે થાય છે કારણ કે ખેલાડી જાણે છે કે જો તેને આગામી સિઝનમાં રિલીઝ કરવામાં આવશે, તો તેને ઓક્શનમાં ઘણા પૈસા મળશે. બ્રેવિસનો ખ્યાલ હતો કે કાં તો તેને વધુ પૈસા મળવા જોઈએ, અથવા તે આગામી સિઝનમાં ઓક્શનમાં પોતાનું નામ નોંધાવશે. CSK વધુ પૈસા ચૂકવવા તૈયાર હોવાથી, તે ટીમમાં જોડાયો."
ડેવાલ્ડ બ્રેવિસે ગઈ સિઝનમાં ફક્ત 6 મેચ રમી હતી, જેમાં તેણે 37.50ની સારી એવરેજથી 225 રન બનાવ્યા હતા. તેણે 6 મેચમાં 2 અડધી સદી પણ ફટકારી હતી.

