રાહુલ દ્રવિડે તેનું T20 વર્લ્ડ કપ બોનસ 5થી ઘટાડીને 2.5 કરોડ રૂપિયા કર્યું, જાણો પૂર્વ કોચે શા માટે લીધો આ નિર્ણય
ભારતીય ટીમના પૂર્વ હેડ કોચ રાહુલ દ્રવિડે પોતાના એક નિર્ણયથી ક્રિકેટ ફેન્સનું દિલ જીતી લીધું છે. દ્રવિડે T20 વર્લ

ભારતીય ટીમના પૂર્વ હેડ કોચ રાહુલ દ્રવિડે પોતાના એક નિર્ણયથી ક્રિકેટ ફેન્સનું દિલ જીતી લીધું છે. દ્રવિડે T20 વર્લ્ડ કપ જીત્યા બાદ BCCI દ્વારા મળેલા 5 કરોડ રૂપિયાના બોનસને ઘટાડીને 2.5 કરોડ રૂપિયા કરવાનો મોટો નિર્ણય લીધો છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ તાજેતરમાં T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીતનાર ભારતીય ટીમ માટે 125 કરોડ રૂપિયાની ઈનામી રકમની જાહેરાત કરી હતી. રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમે સાઉથ આફ્રિકાને સાત રને હરાવીને ટાઈટલ જીત્યું હતું.
BCCIએ જાહેરાત કરી હતી કે ટીમને કુલ 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ આપવામાં આવશે. જેમાં કોચિંગ સ્ટાફ અને સપોર્ટ સ્ટાફનો સમાવેશ થાય છે. ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડને 5 કરોડ રૂપિયા જ્યારે અન્ય કોચને 2.5 કરોડ રૂપિયા મળવાના હતા.
એક અહેવાલ મુજબ, દ્રવિડે BCCIને તેની ઈનામની રકમ 5 કરોડ રૂપિયાથી ઘટાડીને 2.5 કરોડ રૂપિયા કરવાની વિનંતી કરી કારણ કે તે બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ કોચથી વધુ પૈસા મેળવવા માંગતો ન હતો. રાહુલ દ્રવિડ માને છે કે તમામ કોચને સમાન રકમ મળવી જોઈએ.
BCCIના એક સૂત્રએ કહ્યું છે કે, "રાહુલ દ્રવિડ તેના બાકીના સ્ટાફની જેટલું જ બોનસ લેવા માંગે છે. અમે તેમની ભાવનાઓનું સન્માન કરીએ છીએ."
દ્રવિડે બીજી વખત આવું પગલું ભર્યું
જો કે, આ પહેલીવાર નથી જ્યારે રાહુલ દ્રવિડે તમામ કોચ વચ્ચે સમાન રીતે બોનસ વહેંચવાની માંગ કરી હોય. અગાઉ 2018માં જ્યારે ભારતીય ટીમે અંડર-19 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો ત્યારે રાહુલ દ્રવિડ હેડ કોચની ભૂમિકા ભજવી રહ્યો હતો. દ્રવિડને 50 લાખ રૂપિયા મળવાના હતા જ્યારે સપોર્ટ સ્ટાફને 20 લાખ રૂપિયા બોનસ તરીકે આપવાના હતા.
ત્યારે પણ રાહુલ દ્રવિડે બોનસ સ્વીકારવાની ના પાડી દીધી હતી. ત્યારે તેણે તમામ કોચને સમાન બોનસ આપવાની માંગ કરી હતી. ત્યારપછી BCCIએ પોતાનો નિર્ણય બદલ્યો અને દ્રવિડ સહિત તમામ કોચને 25 લાખ રૂપિયાનું બોનસ આપ્યું. ખેલાડીઓને બોનસ તરીકે 30 લાખ રૂપિયા મળ્યા હતા.
દ્રવિડના વખાણ થઈ રહ્યા છે
રાહુલ દ્રવિડ 2024 T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ઉઠાવેલા પગલા માટે ક્રિકેટ જગતમાં તેના ખૂબ વખાણ થઈ રહ્યા છે. તેના રમતના દિવસોની જેમ, દ્રવિડે ફરી એકવાર તેની ટીમને આગળ રાખી અને આ માટે ભૂતપૂર્વ હેડ કોચની ખૂબ પ્રશંસા કરવામાં આવી રહી છે.








