VIDEO: પીવી સિંધુએ રચ્યો ઇતિહાસ... ફાઈનલમાં અકાને યામાગુચીને હરાવીને જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બની
ભારતીય બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ જાપાન ઓપન સુપર 750 ટુર્નામેન્ટમાં મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો છે. રવિવાર, 19 જુલાઈના રોજ રમાયેલી ટાઈટલ મેચમાં પીવી સિંધુએ જાપાનની અકાને યામાગુચીને સીધી ગેમમાં 21-17, 21-17થી હરાવી હતી. આ ટાઈટલ મેચ 50 મિનિટ ચાલી હતી.
પીવી સિંધુ જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બેડમિન્ટન ખેલાડી છે. અગાઉ, આ ટુર્નામેન્ટની કોઈપણ કેટેગરીમાં કોઈ ભારતીય ખેલાડીએ ટાઈટલ નહતું જીત્યું. હવે પહેલીવાર, કોઈ ભારતીય ખેલાડીએ ફાઈનલમાં પહોંચીને ટાઈટલ પર કબજો કર્યો. સિંધુએ માત્ર ઈતિહાસ જ નથી રચ્યો, પરંતુ ભારતીય બેડમિન્ટન માટે એક નવો અધ્યાય પણ લખ્યો છે.
19 મહિનાના દુષ્કાળનો અંત
આ જીત પીવી સિંધુ માટે પણ ખાસ છે કારણ કે તેણે 19 મહિના પછી BWF વર્લ્ડ ટૂર પર ટાઈટલ જીત્યું છે. આ પહેલા તેનું છેલ્લું ટાઈટલ ડિસેમ્બર 2024માં સૈયદ મોદી ઈન્ટરનેશનલ ખાતે આવ્યું હતું. લાંબા સમયથી ફિટનેસ અને ફોર્મ સાથે સંઘર્ષ કરી રહેલી સિંધુએ આ જીત સાથે મજબૂત વાપસીનો સંકેત આપ્યો છે.
પીવી સિંધુએ તેના કારકિર્દીમાં પ્રથમ વખત BWF સુપર 750 સિરીઝ ટાઈટલ જીત્યું છે. 2019માં વર્લ્ડ ચેમ્પિયન બન્યા પછી તે તેનું પહેલું મોટું આંતરરાષ્ટ્રીય ટાઈટલ પણ છે. 31 વર્ષીય સિંધુ અને અકાને યામાગુચી વચ્ચે આ 30મી મુલાકાત હતી. આ સમયગાળા દરમિયાન સિંધુએ 16 મેચ જીતી હતી અને યામાગુચીએ 14 મેચ જીતી હતી.
આ વર્ષે મલેશિયામાં તેમનો અગાઉનો મુકાબલો અધૂરો રહ્યો હતો જ્યારે અકાને યામાગુચી પહેલી ગેમ હાર્યા બાદ ઈજાને કારણે મેચમાંથી ખસી ગઈ હતી. જોકે, જાપાની ખેલાડીએ અગાઉની 10 મેચોમાંથી સાત મેચ જીતી હતી. જાપાન ઓપન ફાઈનલમાં આ વિજય પીવી સિંધુ માટે માત્ર ટાઇટલ જ નહીં, પણ તેના સૌથી મોટા હરીફ પર એક શક્તિશાળી વળતો હુમલો પણ સાબિત થયો.
પીવી સિંધુએ સેમીફાઈનલમાં ઓલિમ્પિક ચેમ્પિયન ચેન યુફેઈને 21-19, 15-10થી હરાવી હતી. ચીની ખેલાડી યુફેઈ, હેમસ્ટ્રિંગની ઈજાને કારણે મેચ પૂર્ણ નહતી કરી શકી. સિંધુ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ઉત્તમ ફોર્મમાં હતી અને ફાઈનલમાં પણ તેણે ટાઈટલ જીતવા માટે પોતાનો આત્મવિશ્વાસ જાળવી રાખ્યો હતો.

