'તમે તમારી જાતને રમત સાથે…', ચેતેશ્વર પૂજારાની નિવૃત્તિ પર પીએમ મોદીએ લખ્યો પત્ર, જાણો શું કહ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં નિવૃત્તિ લેનારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટર ચેતેશ્વર પૂજારાને પત્ર લખ્યો છે, જેમાં તેમને તેના જીવનની બીજી ઈનિંગ માટે શુભકામનાઓ પાઠવી છે. ચેતેશ્વર પૂજારાએ 24 ઓગસ્ટના રોજ ભારતીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. ચેતેશ્વર પૂજારાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને પીએમ મોદીનો આભાર માન્યો હતો. પીએમ મોદીએ ચેતેશ્વર પૂજારાની રમતની પ્રશંસા કરી છે અને તેને એક શાનદાર ક્રિકેટર ગણાવ્યો છે.
પીએમ મોદીએ ચેતેશ્વર પૂજારાને પત્ર લખ્યો
પીએમ મોદીએ ચેતેશ્વર પૂજારાને તેની શાનદાર ક્રિકેટ કારકિર્દી માટે અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી છે. પીએમ મોદીએ લખ્યું, "મને ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાના તમારા નિર્ણય વિશે ખબર પડી. જાહેરાત પછી, ફેન્સ અને ક્રિકેટ જગત તરફથી તમારી સિદ્ધિઓની પ્રશંસાનો માહોલ છવાઈ ગયો છે. હું એક અદ્ભુત ક્રિકેટ કારકિર્દી માટે મારા હૃદયપૂર્વક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું."
પીએમ મોદીએ આગળ લખ્યું, 'ટૂંકા ફોર્મેટના ક્રિકેટના પ્રભુત્વવાળા યુગમાં, તમે રમતના લાંબા ફોર્મેટની સુંદરતાની યાદ અપાવતા હતા. તમારા સ્વભાવ અને ખૂબ જ એકાગ્રતા સાથે લાંબા સમય સુધી બેટિંગ કરવાની ક્ષમતાએ તમને ભારતીય બેટિંગ ઓર્ડરનો આધારસ્તંભ બનાવ્યા. તમારી ઉત્કૃષ્ટ ક્રિકેટ કારકિર્દી નોંધપાત્ર કૌશલ્ય અને સંકલ્પની ક્ષણોથી ભરેલી છે, ખાસ કરીને વિદેશમાં પડકારજનક પરિસ્થિતિઓમાં. ઉદાહરણ તરીકે, ચાફેન્સ હંમેશા ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ જેવા પ્રસંગોને યાદ રાખશે, જ્યારે તમે ઓસ્ટ્રેલિયાની ધરતી પર ભારતની પ્રથમ ઐતિહાસિક સિરીઝ જીતનો પાયો નાખ્યો હતો! સૌથી શક્તિશાળી બોલિંગ એટેકમાંથી એક સામે ઉભા રહીને, તમે બતાવ્યું કે ટીમની જવાબદારી લેવાનો અર્થ શું છે."
પીએમ મોદીએ કહ્યું, "મને ખાતરી છે કે તમારા પિતા, જે પોતે એક ક્રિકેટર અને તમારા મેન્ટર છે, તેમને તમારા પર ગર્વ છે. પૂજા અને અદિતિ તમારી સાથે વધુ સમય વિતાવવા માટે ખુશ હશે. મેદાનની બહાર, એક કોમેન્ટેટર તરીકે તમારું વિશ્લેષણ ક્રિકેટ પ્રેમીઓ માટે ખૂબ મહત્ત્વનું છે. મને વિશ્વાસ છે કે તમે તમારી જાતને રમત સાથે જોડાયેલી રહેશો અને ઉભરતા ક્રિકેટરોને પ્રેરણા આપશો. તમારી આગળની સફર માટે શુભેચ્છાઓ."

