BCCIના પ્રમુખ રોજર બિન્નીએ પદ પરથી આપ્યું રાજીનામું! રાજીવ શુક્લા કાર્યકારી પ્રમુખ

BCCIના પ્રમુખ રોજર બિન્નીએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હોવાનો દાવો એક મીડિયા રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. નવા પ્રમુખની પસંદગી ન થાય ત્યાં સુધી રાજીવ શુક્લા BCCIના કાર્યકારીવડાની જવાબદારી સંભાળશે. જણાવી દઈએ કે, રાજીવ શુક્લા અગાઉ વાઈસ પ્રેસિડેન્ટ રહી ચૂક્યા છે.
અહેવાલ મુજબ, BCCIની સર્વોચ્ચ સમિતિની બેઠક બુધવારે યોજાઈ હતી. રાજીવ શુક્લાએ સર્વોચ્ચ પરિષદની બેઠકની અધ્યક્ષતા કરી હતી. બેઠકનો મુખ્ય એજન્ડા સ્પોન્સરશિપ હતો. ડ્રીમ11 સાથેનો કરાર સમાપ્ત કરીને આગામી અઢી વર્ષ માટે નવો સ્પોન્સરની શોધ અંગે ચર્ચા થઈ હતી.
એશિયા કપ શરુ થવાને બે અઠવાડિયાથી પણ ઓછો સમય હોય ત્યાં સુધીમાં નવા સ્પોન્સરની શોધ મુશ્કેલ છે. અહેવાલમાં સૂત્રને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, 'હવે બે અઠવાડિયા પણ બાકી નથી. અમે પ્રયાસ કરી રહ્યા છીએ પરંતુ નવું ટેન્ડર બહાર પાડવામાં, કાનૂની પ્રક્રિયા અને અન્ય તકનીકી બાબતોનું પાલન કરવામાં સમય લાગી શકે છે.' હાલમાં 2027 ODI વર્લ્ડ કપ માટે સ્પોન્સર લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે.
રાજીવ શુક્લા નવા BCCI પ્રમુખની ચૂંટણી સુધી કાર્યકારી વડા તરીકે રહેશે. રાષ્ટ્રીય રમતગમત વહીવટ કાયદો પસાર થયો હોવા છતાં BCCI ને આગામી મહિને તેની વાર્ષિક સામાન્ય સભા ઉપરાંત ચૂંટણીઓ યોજવી પડશે.
અહેવાલ મુજબ, BCCI ચૂંટણીઓ મુલતવી રાખી શકે નહીં કારણ કે સરકાર દ્વારા બનાવેલા રમતગમત કાયદાને હજુ સુધી સૂચિત કરવામાં આવ્યો નથી. તેને અમલી કરવામાં થોડા મહિના લાગી શકે છે, તેથી BCCI એ ચૂંટણીઓ મુલતવી ન રાખવાનો નિર્ણય લીધો છે.
હાલમાં BCCIનો વહીવટ લોઢા સમિતિની ભલામણો પર સુપ્રીમ કોર્ટના આદેશ પછી બનાવવામાં આવેલા બંધારણ અનુસાર ચાલે છે. જ્યાં સુધી સંસદ દ્વારા પસાર કરાયેલા નવા રમતગમત કાયદાના નિયમો જારી ન થાય ત્યાં સુધી BCCI અને રાજ્ય ક્રિકેટ સંગઠનોએ સમાન બંધારણ અનુસાર જ ચલાવવું પડશે. લોઢા સમિતિની ભલામણો જ લાગુ રહેશે. તે મુજબ અધિકારીઓ 70 વર્ષની ઉંમર પછી પદ સંભાળી શકશે નહીં. નવા કાયદાનો અમલ ચાલુ થયા પછી આ ઉંમર મર્યાદાનો પ્રતિબંધ હટી જશે.

