Paralympic 2024 / ભારતના ખાતામાં વધુ એક ગોલ્ડ, નીતેશ કુમારે પેરા બેડમિન્ટનની ફાઈનલ જીતી
નીતેશ કુમારે પેરાલિમ્પિક 2024માં ગોલ્ડ મેડલ જીત્યો છે. તેણે બેડમિન્ટનની મેન્સ સિંગલ SL3 કેટેગરીમાં ગ્રેટ બ્

નીતેશ કુમારે પેરાલિમ્પિક 2024માં ગોલ્ડ મેડલ જીત્યો છે. તેણે બેડમિન્ટનની મેન્સ સિંગલ SL3 કેટેગરીમાં ગ્રેટ બ્રિટનના ડેનિયલ બેથેલને 21-14, 18-21, 23-21થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. પેરિસ પેરાલિમ્પિક 2024માં ગોલ્ડ મેડલ જીતનારો તે બીજો એથ્લેટ બન્યો છે. એકંદરે, 2024 પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતનો આ નવમો મેડલ છે.
નીતેશ પહેલીવાર પેરાલિમ્પિક ગેમ્સમાં ભાગ લઈ રહ્યો હતો અને તેણે પહેલા જ પ્રયાસમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. હવે તે પેરાલિમ્પિકની બેડમિન્ટન ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનારો માત્ર ત્રીજો ભારતીય એથ્લેટ બની ગયો છે. તેના પહેલા પ્રમોદ ભગત અને કૃષ્ણા નાગરે ટોક્યો પેરાલિમ્પિકમાં મેન્સ સિંગલ ઈવેન્ટમાં ગોલ્ડ જીત્યો હતો.
ભારતના ખાતામાં નવમો મેડલ
પેરિસ પેરાલિમ્પિકમાં ભારતે અત્યાર સુધીમાં કુલ 9 મેડલ જીત્યા છે. વર્તમાન ગેમ્સમાં નીતેશ કુમાર બેડમિન્ટનમાં મેડલ જીતનાર પ્રથમ એથ્લેટ બન્યો છે. ભારતે શૂટિંગમાં અત્યાર સુધીમાં 4 મેડલ જીત્યા છે. અવની લેખારાએ ગોલ્ડ, મનીષ નરવાલે સિલ્વર, મોના અગ્રવાલ અને રૂબિના ફ્રાન્સિસે બ્રોન્ઝ મેડલ પર નિશાન સાધ્યું છે. એથ્લેટિક્સમાં પણ દેશને 4 મેડલ મળ્યા છે. નિષાદ કુમારે હાઈ જમ્પમાં સિલ્વર, યોગેશ કથુનિયાએ ડિસ્કસ થ્રોમાં સિલ્વર જીત્યો છે, જ્યારે પ્રીતિ પાલે મહિલાઓની 100 મીટર અને 200 મીટર રેસમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે.






