T20 વર્લ્ડ કપ 2024ની પહેલી સુપર ઓવરમાં નામિબિયાએ ઓમાનને હરાવ્યું, આ ખેલાડી બન્યો જીતનો હીરો
T20 વર્લ્ડ કપ 2024ની ત્રીજી મેચ નામિબિયા અને ઓમાન વચ્ચે રમાઈ હતી. મેચનું પરિણામ સુપર ઓવરમાં આવ્

T20 વર્લ્ડ કપ 2024ની ત્રીજી મેચ નામિબિયા અને ઓમાન વચ્ચે રમાઈ હતી. મેચનું પરિણામ સુપર ઓવરમાં આવ્યું હતું. નામિબિયા સુપર ઓવરમાં જીત્યું. સુપર ઓવરમાં પ્રથમ બેટિંગ કરતા નામિબિયાએ 21 રન બનાવ્યા અને ઓમાનને 22 રનનો ટાર્ગેટ આપ્યો. રન ચેઝમાં ઓમાનની ટીમ 1 વિકેટે 10 રન જ બનાવી શકી હતી. નામિબિયા માટે સુપર ઓવરમાં ડેવિડ વીઝે હીરો બન્યો હતો. વીઝેએ પહેલા બેટિંગમાં અને પછી બોલિંગમાં શાનાદાર પ્રદર્શન કર્યું હતું.
મેચમાં પ્રથમ બેટિંગ કરતા ઓમાનની ટીમ 19.4 ઓવરમાં 109 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ત્યારબાદ, લક્ષ્યનો પીછો કરતી વખતે નામિબિયાની શરૂઆત સારી રહી ન હતી અને ટીમ 20 ઓવરમાં 6 વિકેટે 109 રન જ બનાવી શકી હતી, ત્યારબાદ મેચ ટાઈ થઈ હતી અને સુપર ઓવર કરવામાં આવી હતી. નામિબિયાએ સુપર ઓવરમાં જીત મેળવીને T20 વર્લ્ડ કપની શાનદાર શરૂઆત કરી હતી.
નામિબિયાએ 109 રન બનાવ્યા અને મેચ ટાઈ થઈ
110 રનના લક્ષ્યનો પીછો કરતી વખતે નામિબિયાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ટીમે પ્રથમ ઓવરના બીજા જ બોલ પર પ્રથમ વિકેટ ગુમાવી હતી. ટીમને પહેલો ફટકો માઈકલ વાન લિંગેનના રૂપમાં લાગ્યો હતો, જે ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી, નિકોલસ ડેવલિન અને જોન ફ્રાયલિંકે બીજી વિકેટ માટે 42 રન (49 બોલ) ની પાર્ટનરશિપ કરી, જેણે ટીમને સ્થિરતા પ્રદાન કરી. આ પાર્ટનરશિપ 9મી ઓવરના ત્રીજા બોલ પર નિકોલસ ડેવલિન આઉટ થતા તૂટી ગઈ હતી. ડેવલિને 31 બોલમાં 2 ફોર અને 1 સિક્સની મદદથી 24 રન બનાવ્યા હતા.
આ પછી જ્હોન ફ્રાઈલિંક અને ગેરહાર્ડ ઈરાસ્મસે ત્રીજી વિકેટ માટે 31 રન (36 બોલ) જોડ્યા. આ પાર્ટનરશિપ અયાન ખાને કેપ્ટન ગેરહાર્ડની વિકેટ સાથે તોડી હતી. ગેરહાર્ડે 16 બોલમાં 1 ફોરની મદદથી 13 રન બનાવ્યા હતા. આ પછી ટીમે 18મી ઓવરમાં જેજે સ્મિતના રૂપમાં ચોથી વિકેટ ગુમાવી હતી. સ્મિતે માત્ર 1 ફોરની મદદથી 12 બોલમાં 8 રન બનાવ્યા હતા.
આ પછી ટીમે જોન ફ્રાઈલિંકના રૂપમાં પાંચમી વિકેટ ગુમાવી. ફ્રાઈલિંકે 48 બોલમાં 6 ફોરની મદદથી 45 રન બનાવ્યા હતા. ત્યારબાદ જેન ગ્રીન બીજા બોલ પર ખાતું ખોલાવ્યા વગર આઉટ થઈ ગયો હતો ત્યાર બાદ છેલ્લા બોલ પર બે રનની જરૂર હતી અને માત્ર 1 રન બન્યો હતો.
આવો હતો સુપર ઓવરનો રોમાંચ
સુપર ઓવરમાં પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કરતા નામિબિયાએ બોર્ડ પર 21 રન બનાવ્યા. ટીમ માટે ડેવિડ વીઝેએ પ્રથમ બે બોલમાં એક ફોર અને એક સિક્સર ફટકારીને 10 રન બનાવ્યા હતા. ત્યારબાદ ત્રીજા બોલ પર 2 રન અને ચોથા બોલ પર 1 રન લીધો હતો. આ પછી સ્ટ્રાઈક પર આવેલા કેપ્ટન ગેરહાર્ડ ઈરાસ્મસે 2 બોલમાં 2 ચોગ્ગા ફટકારીને ટીમને 21 રનના સ્કોર સુધી પહોંચાડી દીધી.
ત્યારબાદ સુપર ઓવરમાં, ડેવિડ વીઝેએ ઓમાન સામે બોલિંગ કરી, સુપર ઓવરમાં તેણે 1 વિકેટ લીધી અને માત્ર 10 રન ખર્ચ્યા હતા. ઓમાનના નસીમ ખુશીએ વીઝેના પહેલા બોલ પર 2 રન લીધા હતા અને પછીનો બોલ ડોટ હતો. આ પછી નસીમ ત્રીજા બોલ પર બોલ્ડ થયો હતો. ત્યારબાદ બેટિંગ કરવા આવેલા આકિબે આગલા બે બોલ પર 1-1 રન બનાવ્યા અને છેલ્લા બોલ પર સિક્સ ફટકારી, ઓમાન સુપર ઓવરમાં માત્ર 10/1 રન જ બનાવી શક્યું.








