NAM vs RSA / નામિબિયાએ સર્જ્યો મોટો અપસેટ, T20 ટ્રાઈ સિરીઝમાં સાઉથ આફ્રિકાને 18 રનથી હરાવ્યું

નામિબિયા, સાઉથ આફ્રિકા અને ઝિમ્બાબ્વે વચ્ચે T20 ટ્રાઈ સિરીઝ રમાઈ રહી છે. ટ્રાઈ સિરીઝની પહેલી મેચ 28 ઓગસ્ટના રોજ નામિબિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ હતી. વિન્ડહોકના નામિબિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી મેચમાં, નામિબિયાએ સાઉથ આફ્રિકાને હરાવીને મોટો અપસેટ સર્જ્યો. યજમાન ટીમે સાઉથ આફ્રિકાને 18 રનથી હરાવ્યું, પોતાના પ્રભાવશાળી પ્રદર્શનથી આખી દુનિયાને આશ્ચર્યચકિત કરી દીધી. સાઉથ આફ્રિકા માટે ડેવાલ્ડ બ્રેવિસે ધમાકેદાર અડધી સદી ફટકારી, પરંતુ તેની ઈનિંગ નિષ્ફળ ગઈ.
નામિબિયાએ 163 રન બનાવ્યા
પહેલા બેટિંગ કરવા ઉતરેલા નામિબિયાએ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 163 રન બનાવ્યા. ઓપનર લોરેન સ્ટીનકેમ્પ અને જાન ફ્રાયલિંકે પ્રથમ વિકેટ માટે 84 રન ઉમેર્યા. લોરેને 29 બોલમાં 41 રન બનાવ્યા, જ્યારે જાન ફ્રાયલિંકે 38 બોલમાં 60 રનની શાનદાર ઈનિંગ રમી.
તેણે 6 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. ત્યારબાદ કેપ્ટન ગેરહાર્ડ ઈરાસ્મસે 17 બોલમાં 19 રન બનાવ્યા. તે ખાસ અસર કરવામાં નિષ્ફળ ગયો. ઓપનિંગ જોડી પછી, નામિબિયાના બેટ્સમેનો પત્તાના ઢગલાની જેમ પડી ગયા. જેન નિકોલ લોફ્ટી-ઇટને 4, જેન ગ્રીને 5 અને એલેક્ઝાન્ડર બુસિંગ-વોલ્શેન્કે 15 બોલમાં 13 રન બનાવ્યા.
સાઉથ આફ્રિકા તરફથી પ્રેનેલન સુબ્રાયને સૌથી વધુ વિકેટ લીધી. તેણે 4 ઓવરમાં 32 રન આપીને 3 વિકેટ લીધી. ડ્યુએન જોહ્ન્સન અને બજોર્ન ફોર્ટુઇને પણ 2-2 વિકેટ લીધી.
સાઉથ આફ્રિકા 18 રનથી હારી ગયું
164 રનનો પીછો કરતા, દક્ષિણ આફ્રિકા 20 ઓવરમાં 9 વિકેટે 145 રન જ બનાવી શક્યું. પ્રોટીઝ માટે ડેવાલ્ડ બ્રેવિસે શાનદાર પ્રદર્શન કર્યું, તેણે 50 બોલમાં 75 રન બનાવ્યા, જેમાં ચાર ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા હતા.
ડેબ્યૂ કરનાર ડુઆન યાનસન 25 રન બનાવી અણનમ રહ્યો. લુઆન-ડ્રે પ્રિટોરિયસે 9, જોર્ડન હાર્મને 7, ટોની ડી જોર્ઝીએ 9, રુબિન હાર્મને 12 અને વિકેટકીપર કોનોર એસ્ટરહુઇઝેને 4 રન બનાવ્યા. નામિબિયા માટે, રુબેન ટ્રમ્પેલમેન અને જેજે સ્મિટે ત્રણ-ત્રણ વિકેટ લીધી.

