શું મોહમ્મદ સિરાજ ખરેખર ઈજાગ્રસ્ત છે? કેપ્ટન ગિલે ફાસ્ટ બોલરના ફોર્મ અને ઈજા અંગે કર્યો મોટો ખુલાસો

ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે શ્રીલંકા સામે તાજેતરમાં પૂર્ણ થયેલી ટેસ્ટ સિરીઝમાં સારું પ્રદર્શન નહતું કર્યું. તેની ગતિમાં ઘટાડો થયો હતો અને તે પોતાની લય શોધવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો. સિરાજ ઘણીવાર સિરીઝ દરમિયાન ટૂંકા રન-અપ સાથે બોલિંગ કરતો જોવા મળતો હતો. તે બીજી મેચની પહેલી ઈનિંગમાં કેચ ઝડપવાનો પ્રયાસ કરતી વખતે પડી ગયો હતો, જેના કારણે તેની ઈજા અંગે પ્રશ્નો ઉભા થયા હતા. આ દરમિયાન, ટીમ ઈન્ડિયાના કેપ્ટન શુભમન ગિલે સિરાજના ફોર્મ અને ઈજા અંગે એક મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.
સિરાજ ઈજાગ્રસ્ત નથી - શુભમન ગિલ
ભારતીય કેપ્ટન શુભમન ગિલે સ્પષ્ટપણે કહ્યું હતું કે, સૌ પ્રથમ, સિરાજ ઈજાગ્રસ્ત નથી. તે ગોલમાં રમાયેલી પહેલી મેચમાં થોડો બીમાર હતો. તેણે છેલ્લે જૂનમાં અફઘાનિસ્તાન સામે રમ્યો હતો, એટલે કે તે લગભગ બે મહિનાના વિરામ પછી મેદાનમાં પાછો ફર્યો છે. જ્યારે કોઈ ખેલાડી આટલી લાંબી ગેરહાજરીમાંથી પાછો ફરે છે, ત્યારે તેને તેની લય અને ફોર્મ પાછું મેળવવામાં થોડો સમય લાગે છે.
ભારતીય કેપ્ટને વધુમાં જણાવ્યું હતું કે, પહેલી મેચમાં પણ ટીમને લાગ્યું કે સિરાજની બોલિંગમાં પહેલાની ગતિનો અભાવ હતો. પરંતુ જ્યારે તમે સતત રમતા રહો છો, ત્યારે તમે ધીમે ધીમે તમારી લય અને ફોર્મ પાછું મેળવો છો. તેથી, તેની ઈજા વિશે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. જ્યારે સિરાજ પોતાની લય શોધવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો, ત્યારે સાથી ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાએ બોલિંગને સારી રીતે સંભાળી હતી. ગિલે પ્રસિદ્ધ કૃષ્ણાના ઉત્તમ પ્રદર્શનની પણ ખુલીને પ્રશંસા કરી હતી.
શુભમન ગિલે પ્રસિદ્ધ કૃષ્ણની પ્રશંસા કરી
શુભમન ગિલે કહ્યું, "મને લાગે છે કે તે અમારા શ્રેષ્ઠ બોલર્સમાંનો એક છે. જ્યારે વસ્તુઓ અમારા મતે નથી ચાલી રહી, ખાસ કરીને આ સિઝનમાં, તે એક વિશ્વસનીય બોલર રહ્યો છે. તેણે તકો ઉભી કરી છે અને હું કેપ્ટન તરીકે તે જ ઈચ્છું છું. જ્યારે વિકેટની ગેરંટી ન હોય, ત્યારે અમને એવા બોલરની જરૂર હોય છે જેના પર વિશ્વાસ કરી શકાય. તેણે તે શાનદાર રીતે કર્યું." મેચ વિશે વાત કરીએ તો, પાંચમા દિવસે, યજમાન ટીમે દિવસભર શાનદાર બેટિંગ કરી અને સોનલ દિનુષાની 133 રનની શાનદાર અણનમ ઈનિંગને કારણે મેચ ડ્રો કરી.

