મુંબઈ ઈન્ડિયન્સ બીજી વખત બન્યું WPLનું ચેમ્પિયન, MI એ 12મી ટ્રોફી પર કર્યો કબજો, આ રહ્યું ટાઈટલનું લિસ્ટ
WPL 2025ની ફાઈનલમાં દિલ્હી કેપિટલ્સ સામે જીતીને મુંબઈ ઈન્ડિયન્સ બીજી વખત ચેમ્પિયન બનવામાં સફળ રહ્યું

WPL 2025ની ફાઈનલમાં દિલ્હી કેપિટલ્સ સામે જીતીને મુંબઈ ઈન્ડિયન્સ બીજી વખત ચેમ્પિયન બનવામાં સફળ રહ્યું હતું. મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સ સામે 8 રને મેચ જીતી હતી. મુંબઈ ઈન્ડિયન્સ WPLમાં સૌથી વધુ 2 ટાઈટલ જીતનાર ટીમ બની ગઈ છે. પ્રથમ બેટિંગ કરતા મુંબઈની ટીમે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 149 રન બનાવ્યા હતા. જવાબમાં, દિલ્હીની ટીમ 9 વિકેટ ગુમાવીને 20 ઓવરમાં ફક્ત 141 રન જ બનાવી શકી હતી. મુંબઈ ઈન્ડિયન્સની જીતમાં કેપ્ટન હરમનપ્રીત કૌર અને ઓલરાઉન્ડર નેટ સાયવર-બ્રન્ટે મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. હરમનપ્રીતે 66 રનની શાનદાર ઈનિંગ રમી જ્યારે નેટ સાયવર-બ્રન્ટે બેટથી ૩૦ રન બનાવ્યા અને 3 વિકેટ પણ લીધી હતી. અમેલિયા કેરે 2 વિકેટ લીધી હતી.
MIના કેબિનેટમાં વધુ એક ટ્રોફી ઉમેરાઈ
મુંબઈ ઈન્ડિયન્સ 2023માં પ્રથમ વખત WPL ચેમ્પિયન બન્યું હતું. ત્યારે WPLની પહેલી સીઝન રમાઈ હતી. જ્યારે, ગયા વર્ષે RCB એ ટાઈટલ જીત્યું હતું. મુંબઈ ઈન્ડિયન્સ બીજી વખત WPL ચેમ્પિયન બન્યા પછી, MIના ટ્રોફી કેબિનેટમાં વધુ એક મોટું ટાઈટલ ઉમેરાયું છે. હવે MIના ખાતામાં 12મી ટ્રોફી ઉમેરાઈ ગઈ છે.
MI ફ્રેન્ચાઈઝીની ટીમો હવે સમગ્ર વિશ્વમાં ભાગ લે છે. આ રીતે, થોડા જ વર્ષોમાં, MI વિશ્વની સૌથી સફળ T20 ફ્રેન્ચાઈઝીઓમાંની એક બની ગઈ છે. 5 IPL ટાઈટલ જીતવા ઉપરાંત, MI એ બે વાર ચેમ્પિયન્સ લીગ T20 ટાઈટલ પણ જીત્યું છે અને હવે 3 વર્ષમાં 2 WPL ટાઈટલ જીત્યા છે. આ ઉપરાંત, MI ન્યૂયોર્ક અમેરિકાની મેજર લીગ ક્રિકેટ એટલે કે MLCમાં એક વખત ચેમ્પિયન બની ચૂક્યું છે. MI ફ્રેન્ચાઈઝી ટીમોએ પણ એક-એક વખત ILT20 અને SA20 ટાઈટલ પણ જીત્યા છે. આ રીતે, MI પાસે હવે કુલ 12 ટ્રોફી છે.
MIના ટ્રોફી કેબિનેટમાં આટલા ટાઈટલ ઉમેરાયા
- IPL - 2013, 2015, 2017, 2019 અને 2020 (મુંબઈ ઈન્ડિયન્સ)
- CLT20 - 2011, 2013
- MLC - 2023 (MI ન્યૂયોર્ક)
- ILT20 - 2024 (MI અમીરાત)
- SA20 - 2025 (MI કેપ ટાઉન)
- WPL - 2023 અને 2025 (મુંબઈ ઈન્ડિયન્સ વિમેન્સ)






