'બુમરાહ વિશે કંઈ ન લખું તો જ સારું', ભારત T20 ચેમ્પિયન બન્યા બાદ વાયરલ થઈ એમએસ ધોનીની પોસ્ટ

ટીમ ઈન્ડિયાએ ઈતિહાસ રચ્યો છે. ફાઈનલમાં ન્યુઝીલેન્ડને હરાવીને ભારતીય ટીમે ત્રીજી વખત T20 વર્લ્ડ કપ જીત્યો છે. ટીમ ઈન્ડિયાની ઐતિહાસિક જીત બાદ અભિનંદનનો વરસાદ થઈ રહ્યો છે, પરંતુ એક મેસેજ સામે આવ્યો છે જેણે ફેન્સને ઉત્સાહિત કર્યા છે. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોની, જે મોટાભાગે સોશિયલ મીડિયાથી દૂર રહે છે, તેણે ટીમ ઈન્ડિયાને ખાસ અંદાજમાં અભિનંદન આપ્યા છે. તેનો મેસેજ હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ધોની સોશિયલ મીડિયા પર ભાગ્યે જ એક્ટિવ હોય છે અને તેણે લગભગ બે વર્ષ પછી ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. ભારત T20 વર્લ્ડ કપ ચેમ્પિયન બનતા તેણે ટીમ ઈન્ડિયા અને સપોર્ટ સ્ટાફની પ્રશંસા કરી છે.
ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બની
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલમાં ભારતે ન્યુઝીલેન્ડને એકતરફી રીતે હરાવીને ઈતિહાસ રચ્યો છે. પહેલા બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 255 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જેના જવાબમાં ન્યુઝીલેન્ડ માત્ર 159 રનમાં ઓલઆઉટ થઈ ગયું અને ભારતે 96 રનથી મેચ જીતીને ત્રીજો T20 વર્લ્ડ કપ ખિતાબ પોતાના નામે કર્યો.
ટીમ ઈન્ડિયાની પ્રભાવશાળી જીત બાદ ધોનીએ ઇન્સ્ટાગ્રામ પર એક ભાવનાત્મક પોસ્ટ લખી, જેમાં ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફની પ્રશંસા કરી. તેણે લખ્યું, "અમદાવાદમાં ઈતિહાસ રચાયો છે. ટીમ, સપોર્ટ સ્ટાફ અને વિશ્વભરમાં ભારતીય ક્રિકેટ ટીમના તમામ ફેન્સને ખૂબ ખૂબ અભિનંદન. તમને બધાને રમતા જોઈને આનંદ થયો. કોચ સાહેબ તમારા ચહેરા પર સ્માઈલ સારી લાગેછે. સ્માઈલ સાથે ઇન્ટેન્સિટી એક કિલર કોમ્બો છે. શાબાશ. બુમરાહ વિશે કંઈ ન લખું તો જ સારું છે. ચેમ્પિયન બોલર."
ફેન્સ ખૂબ કમેન્ટ કરી રહ્યા છે
પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની આ પોસ્ટ સામે આવતા જ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગઈ અને ફેન્સ તેમના મનપસંદ કેપ્ટનની પોસ્ટ પર લાઈક્સ, કમેન્ટ અને શેરનો વરસાદ કરી રહ્યા છે. ધોનીની કેપ્ટનશિપ હેઠળ ટીમ ઈન્ડિયા 2007માં પહેલીવાર T20 ચેમ્પિયન બની હતી. આ પછી 2024માં ટીમ ઈન્ડિયા રોહિત શર્માની કેપ્ટનશિપ હેઠળ બીજી વખત ચેમ્પિયન બની હતી.

