મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

MS Dhoni Birthday / ટિકિટ કલેક્ટરથી વર્લ્ડ ચેમ્પિયન બનવા સુધીની સફર, ધોની આ કારનામું કરનાર એકમાત્ર કેપ્ટન

મહેન્દ્ર સિંહ ધોની એક એવું નામ છે જે ક્રિકેટની દુનિયાના તમામ કેપ્ટનો કરતા હંમેશા એક કદમ આગળ રહ્યુ

MS Dhoni Birthday / ટિકિટ કલેક્ટરથી વર્લ્ડ ચેમ્પિયન બનવા સુધીની સફર, ધોની આ કારનામું કરનાર એકમાત્ર કેપ્ટન

મહેન્દ્ર સિંહ ધોની એક એવું નામ છે જે ક્રિકેટની દુનિયાના તમામ કેપ્ટનો કરતા હંમેશા એક કદમ આગળ રહ્યું છે. જેણે એકલા હાથે ટીમ ઈન્ડિયાને ઘણી વખત મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી બહાર લાવીને જીત સુધી પહોંચાડી છે. જ્યાં સુધી ધોની ક્રિઝ પર હોય ત્યાં સુધી ભારતીય ફેન્સને જીતની આશા રહેતી હતી. ડેથ ઓવરોમાં તેની વિસ્ફોટક બેટિંગનો કોઈ મુકાબલો નહોતો અને મેદાન પર તેની ચપળતા સ્પષ્ટ દેખાતી હતી. તેની ગણતરી વિશ્વના બેસ્ટ ફિનિશર અને વિકેટકીપર્સમાં થાય છે. ધોની આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યો છે.

ટિકિટ કલેક્ટરની નોકરી છોડીને ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કર્યું

મહેન્દ્ર સિંહ ધોનીનો જન્મ 7 જુલાઈ 1981ના રોજ બિહારમાં થયો હતો. બાળપણમાં તેને ક્રિકેટર બનવામાં રસ નહોતો, તેને ફૂટબોલ પસંદ હતો અને તે ગોલકીપર બનવા માંગતો હતો. પરંતુ શાળાના ક્રિકેટ કોચે તેને ક્રિકેટ રમવાની પ્રેરણા આપી. પછી ધીરે ધીરે તેનો ઝોક ક્રિકેટ તરફ વધતો ગયો. તેણે ક્રિકેટ જગતમાં તે ઉંચાઈઓને સ્પર્શી, જ્યાં પહોંચવું દરેક ખેલાડીનું સપનું હોય છે. તેણે રેલ્વેમાં ટિકિટ કલેક્ટર તરીકે પણ કામ કર્યું હતું. પરંતુ તેણે તે જોબ છોડી દીધી અને ફરીથી ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કર્યું.

ત્રણેય ICC ટ્રોફી જીતનાર એકમાત્ર કેપ્ટન

ICCની ત્રણેય ટ્રોફી મહેન્દ્ર સિંહ ધોનીના તાજમાં રત્નની જેમ ચમકી રહી છે. ચેમ્પિયન્સ ટ્રોફી, ODI વર્લ્ડ કપ અને T20 વર્લ્ડ કપ - ત્રણેય ICC ટ્રોફી જીતનાર ધોની એકમાત્ર કેપ્ટન છે. ધોનીએ 2004માં ભારત તરફથી વનડે ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું. ભલે તે પોતાની પ્રથમ મેચમાં શૂન્ય પર આઉટ થયો હતો, પરંતુ તે તેની બેટિંગ કુશળતાને કારણે ટીમ ઈન્ડિયાનો સુપરસ્ટાર બની ગયો હતો.

વર્ષ 2007માં તે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બન્યો અને ત્યારબાદ તેણે ક્યારેય પાછું વળીને જોયું નથી અને સફળતા પણ તેના પગ ચૂમતી રહી. તેની કેપ્ટનશિપમાં જ ટીમ ઈન્ડિયાએ 28 વર્ષ બાદ ODI વર્લ્ડ કપ જીત્યો હતો. તેણે ફાઈનલ મેચમાં 91 રન બનાવ્યા હતા અને ટ્રોફી જીતવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આજે પણ તેણે ફટકારેલી સિક્સ ક્રિકેટ ચાહકોના મનમાં જીવંત છે.

તે ચપળતાથી વિકેટકીપિંગ કરવા માટે જાણીતો છે. તેણે ઘણા અદભૂત કેચ લીધા છર અને વિકેટની પાછળથી રમત બદલી નાખી છે. તેની સમગ્ર ક્રિકેટ કારકિર્દી દરમિયાન, ધોની હંમેશા તેના શાંત સ્વભાવ માટે જાણીતો હતો. ક્રિકેટના મેદાનમાં તેનાથી સારી રણનીતિ ભાગ્યે જ કોઈ બનાવી શકે. તે બીજાની ગેમ સમજવામાં માહિર હતો. ધોનીની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયા 18 મહિના સુધી ICC ટેસ્ટ રેન્કિંગમાં નંબર-1 પર રહી છે.

વર્ષ 2020માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી

ધોનીએ 15 ઓગસ્ટ 2020ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. પરંતુ આ પછી પણ તેની ફેન ફોલોઈંગમાં કોઈ ઘટાડો નથી થયો. હાલમાં તે IPLમાં રમી રહ્યો છે અને ફેન્સ તેની બેટિંગ જોવા આતુર હોય છે. ધોનીએ IPL 2024 પહેલા જ ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશિપ છોડી દીધી હતી અને તેની જગ્યાએ ઋતુરાજ ગાયકવાડને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. ધોનીની કપ્તાનીમાં CSKની ટીમ પાંચ વખત IPL ટ્રોફી જીતી ચુકી છે. એક ખેલાડી તરીકે ધોની હજુ પણ IPLમાં રમી રહ્યો છે.

ભારત માટે ત્રણેય ફોર્મેટ રમ્યા

મહેન્દ્ર સિંહ ધોનીએ ક્રિકેટ જગતના દરેક મેદાન પર ઝંડા ફરકાવ્યા અને વિરોધી ટીમને હરાવી છે. તેણે ટીમ ઈન્ડિયા માટે ત્રણેય ફોર્મેટમાં ક્રિકેટ રમી છે. તેણે ટીમ ઈન્ડિયા માટે 90 ટેસ્ટ મેચમાં 4876 રન બનાવ્યા છે. આ સિવાય તેણે 350 વનડે મેચમાં 10773 રન બનાવ્યા છે. વનડે ક્રિકેટમાં તેના નામે 10 સદી પણ છે. તેના નામે 98 T20I મેચોમાં 1617 રન છે.

આ સમાચાર શેર કરો