એપલ વોચની ચેતવણી/ મેદાનમાં માહીની એન્ટ્રીથી કાનના પડદા ફાટી જાય તેવો શોર, ડરી ગઈ ડીકૉકની પત્ની
ભારતીય ક્રિકેટ ટીમ તથા IPL ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીની લોકપ્રિયતા અલગ લેવલ પર છે. ચાહ

ભારતીય ક્રિકેટ ટીમ તથા IPL ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીની લોકપ્રિયતા અલગ લેવલ પર છે. ચાહકો તેને ખૂબ જ પ્રેમ કરે છે. માહીને મેદાન પર જોવો એ એક લ્હાવો છે. એની એન્ટ્રી થતાની સાથે જ મેદાન પર હાજર મેદની કલશોર મચાવી દે છે. આ વખતે પણ ફરી એક વખત ક્રિકેટ લવર્સને મહેન્દ્ર સિંહ ધોનીની આ વિસ્ફોટક બેટિંગ લખનઉ સુપર જાયન્ટ્સ સામે જોવા મળી હતી. માહી લખનઉના એકાના સ્ટેડિયમમાં મેદાન પર એન્ટ્રી કરે છે ત્યારે ચાહકોએ ખૂબ જ શોર મચાવીને સ્વાગત કર્યું હતું. મેદાન પરનો કલશોર એટલો બધો હતો કે... ન પૂછો વાત. તેના પર LSGના સ્ટાર ખેલાડી ક્વિન્ટન ડીકૉકની પત્નીએ એક ઈન્સ્ટા સ્ટોરી શેર કરી છે. જે હાલમાં ખૂબ જ વાયરલ થઈ રહી છે.
લખનઉ સામેની મેચમાં મહેન્દ્ર સિંહ ધોની બેટિંગ કરવા માટે ડ્રેસિંગ રૂમમાંથી બહાર મેદાન પર આવતા જ આખું સ્ટેડિયમ તેના નામના નાદથી ગૂંજી ઉઠ્યું હતું. સમગ્ર સ્ટેડિયમ જાણે કે પીળી જર્સીથી રંગાયેલું હોય તેવો માહોલ હતો. સ્ટેડિયમમાં એન્ટ્રી સમયે એટલો શોર- ઘોંઘાટ-ધોનીના નામનો અવાજ હતો કે સ્માર્ટ વોચ પર એલર્ટ મેસેજ પણ આવવા લાગ્યા.
ક્વિન્ટન ડીકૉકની પત્ની સાસાએ પણ પોતાના સ્માર્ટ વોચ પર આવેલા એલર્ટનો ફોટો શેર કર્યો છે. આ એલર્ટ મેસેજમાં લખ્યું હતું કે, સ્ટેડિયમમાં એટલો વધારે અવાજ હતો કે, જો કોઈ અહીં સતત 10 મિનિટ સુધી રહે તો તે બહેરો થઈ શકે છે. એલર્ટ મેસેજમાં 95 ડેસિબલ અવાજ માપવામાં આવ્યો હતો જેને ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે.
સાસાને આ એલર્ટ મેસેજ ગ્રાઉન્ડ પર ધોનીની એન્ટ્રી દરમિયાન મળ્યો હતો. આ મેચમાં એમએસ ધોનીએ 9 બોલમાં 28 રનની શાનદાર ઈનિંગ રમી હતી. જેમાં તેણે 3 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા.






