'દુલીપ ટ્રોફી માટે ફિટ છું, તો એશિયા કપ માટે કેમ નહીં', ટીમમાં સ્થાન ન મળતા છલકાયું મોહમ્મદ શમીનું દર્દ

ભારતીય ટીમના અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ એશિયા કપ 2025 ટીમમાં સ્થાન ન મળવા પર મોટું નિવેદન આપ્યું છે. ભારતે આ ટુર્નામેન્ટ માટે પાંચ બોલરોની પસંદગી કરી છે, જેમાંથી ત્રણ ફાસ્ટ બોલરોનું નેતૃત્વ જસપ્રીત બુમરાહ કરશે, પરંતુ શમીને મેઈન ટીમ અને રિઝર્વ ખેલાડીઓની લિસ્ટમાંથી પણ બહાર રાખવામાં આવ્યો હતો. શમી એશિયા કપ ટીમમાંથી બહાર થયા બાદ એવું માનવામાં આવતું હતું કે તે ફિટનેસને કારણે બહાર છે.
પરંતુ હવે શમીએ સ્પષ્ટ કર્યું છે કે તે સંપૂર્ણપણે ફિટ છે અને દુલીપ ટ્રોફી રમવા માટે તૈયાર છે. આ દરમિયાન, તેણે BCCI સિલેક્ટર્સ વિશે પણ વાત કરી હતી.
મોહમ્મદ શમીનું દર્દ છલકાયું
ભારતીય બોલર મોહમ્મદ શમીએ એશિયા કપ 2025 ટીમમાં સ્થાન ન મળવા પર પોતાનું મૌન તોડ્યું. ટીમ ઈન્ડિયાએ આ વખતે પાંચ સ્પેશિયાલિસ્ટ બોલરોની પસંદગી કરી છે, જેમાં જસપ્રીત બુમરાહના નેતૃત્વમાં ત્રણ ફાસ્ટ બોલરોનો સમાવેશ થાય છે. પરંતુ શમીને ન તો મેઈન ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો અને ન તો રિઝર્વ ખેલાડીઓમાં સાથે સ્થાન મળ્યું હતું.
તમને જણાવી દઈએ કે શમીએ આ વર્ષે ઈંગ્લેન્ડ સામેની ઘરેલુ T20 સિરીઝમાં દરમિયાન ત્રણ વર્ષ પછી આ ફોર્મેટમાં વાપસી કરી હતી. રાજકોટમાં કમબેક મેચમાં તેને કોઈ સફળતા નહતી મળી, પરંતુ મુંબઈમાં રમાયેલી મેચમાં તેણે ત્રણ વિકેટ લીધી હતી.
IPL 2025માં સનરાઇઝર્સ હૈદરાબાદ માટે શમીનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. તેણે 9 મેચમાં ફક્ત 6 વિકેટ લીધી હતી અને તેનો ઈકોનોમી રેટ 11.23 હતો. આ દરમિયાન, તેને કેટલીક મેચોમાં પણ બહાર બેસવું પડ્યું હતું. આ પછી, તેને ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ અને પછી એશિયા કપ ટીમમાંથી પણ અવગણવામાં આવ્યો હતો.
ઘણા લોકો માનતા હતા કે આ નિર્ણય ફિટનેસને કારણે લેવામાં આવ્યો હતો, પરંતુ શમીએ સ્પષ્ટ કર્યું કે તે દુલીપ ટ્રોફી રમવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. તેણે કહ્યું, "પસંદ ન થવા બદલ હું કોઈને દોષ નથી આપતો. જો હું ટીમ માટે યોગ્ય હોઉં તો મને પસંદ કરો, જો નહીં તો કોઈ સમસ્યા નથી. ટીમ ઈન્ડિયા માટે યોગ્ય નિર્ણય લેવાની જવાબદારી સિલેક્ટર્સની છે. મને મારી ક્ષમતા પર વિશ્વાસ છે કે જ્યારે પણ મને તક મળશે ત્યારે હું મારું શ્રેષ્ઠ આપીશ. હું સખત મહેનત કરી રહ્યો છું."
જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું તે એશિયા કપ રમવા માટે ઉપલબ્ધ છે, ત્યારે શમીએ જવાબ આપ્યો, "જો હું દુલીપ ટ્રોફી રમી શકું છું, તો હું T20 કેમ ન રમી શકું?"
મોહમ્મદ શમીની વાપસી પર નજર
શમી હવે દુલીપ ટ્રોફીમાં સારું પ્રદર્શન કરીને ટીમ ઈન્ડિયામાં પાછા ફરવાની આશા રાખશે. વેસ્ટ ઈન્ડિઝ સામેની હોમ ટેસ્ટ સિરીઝ તેના માટે મહત્ત્વપૂર્ણ હોઈ શકે છે. તેણે એમ પણ કહ્યું કે તેણે ટુર્નામેન્ટ પહેલા બેંગલુરુમાં યોજાયેલી બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરી છે.

