IND vs NZ / 'દિલ તોડવા પડે તો...', ન્યુઝીલેન્ડના કેપ્ટને ટીમ ઈન્ડિયાને આપી વોર્નિંગ; યાદ આવી ગયો પેટ કમિન્સ

ભારત અને ન્યુઝીલેન્ડ 8 માર્ચ, રવિવારના રોજ ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026ની ફાઇઈનલમાં ટકરાશે. ન્યુઝીલેન્ડના કેપ્ટન મિશેચેલ સેન્ટનરે ટાઈટલ મુકાબલા અંગે એક મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઈનલ પહેલા સેન્ટનરે કહ્યું કે ટ્રોફી જીતવા માટે કેટલાક ભારતીય ફેન્સના દિલ તોડવા પડે તો પણ તેને કોઈ વાંધો નથી.
કિવી કેપ્ટન મિચેલ સેન્ટનરનું આ નિવેદન કંઈક અંશે ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સના નિવેદનની યાદ અપાવે છે. કમિન્સે ODI વર્લ્ડ કપ 2023ની ફાઈનલ પહેલા કહ્યું હતું કે તે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એકતરફી ભીડને શાંત કરવા માંગે છે. તે મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવીને વર્લ્ડ કપ જીત્યો હતો.
ફાઈનલ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં, મિચેલ સેન્ટનરે જણાવ્યું હતું કે ભલેતેની ટીમને આ મેચમાં ફેવરિટ ન માનવામાં આવી રહી હોય, પરંતુ જો ખેલાડીઓ નાની નાની બાબતોને યોગ્ય રીતે અમલમાં મૂકે, તો ન્યુઝીલેન્ડ ટ્રોફી જીતી શકે છે. તેણે કહ્યું, "અમે જાણીએ છીએ કે અમે કદાચ ફેવરિટ નથી, પરંતુ તેનાથી અમને કોઈ ફરક નથી પડતો. જો અમે નાની નાની બાબતો યોગ્ય રીતે કરીશું અને એક ટીમ તરીકે સારું પ્રદર્શન કરીશું, તો અમેટ્રોફી જીતવાની સ્થિતિમાં આવી શકીએ છીએ. ભલે તેના માટે કેટલાક દિલ તોડવા પડે તો પણ કોઈ સમસ્યા નથી."
ભારત પર વધુ દબાણ હશે: સેન્ટનર
મિચેલ સેન્ટનર માને છે કે ભારત ફાઈનલમાં વધુ દબાણ હેઠળ હશે કારણ કે તે તેના ઘરઆંગણે વર્લ્ડ કપ જીતવા માંગશે. તેણે કહ્યું કે T20 ક્રિકેટમાં, નાની ક્ષણો ઘણીવાર મેચનું પરિણામ નક્કી કરે છે અને તેની ટીમ તેના પર ધ્યાન કેન્દ્રિત કરશે. ન્યુઝીલેન્ડ સેમીફાઈનલમાં શાનદાર ફોર્મમાં જોવા મળ્યું હતું, તે સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન અજેય રહેલા સાઉથ આફ્રિકાને હરાવીને ફાઈનલમાં પહોંચ્યું છે. હવે કિવી ટીમ એ જ આત્મવિશ્વાસ સાથે ભારતને સરપ્રાઈઝ કરવા માંગશે.
મિચેલ સેન્ટનરે એમ પણ કહ્યું કે ભારતના બેટ્સમેનો ઉત્તમ ફોર્મમાં છે, પરંતુ ભારતીય બોલર્સ સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે 250થી વધુના સ્કોરને ડિફેન્ડ કરવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા. તેથી તેનું માનવું છે કે બંને ટીમો ફાઈનલમાં પોતપોતાની શક્તિ પ્રમાણે રમશે અને જે ટીમ લાંબા સમય સુધી સારું પ્રદર્શન કરશે તે ટ્રોફી જીતશે.
T20 વર્લ્ડ કપ માટે બંને ટીમો
ભારત: સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી, શિવમ દુબે, ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ (વાઈસ-કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, અર્શદીપ સિંહ, રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર, તિલક વર્મા, મોહમ્મદ સિરાજ અને કુલદીપ યાદવ.
ન્યુઝીલેન્ડ: મિચેલ સેન્ટનર (કેપ્ટન), ફિન એલન, માર્ક ચેપમેન, ડેવોન કોનવે, જેકબ ડફી, લોકી ફર્ગ્યુસન, મેટ હેનરી, કાઈલ જેમીસન, ડેરિલ મિચેલ, જીમી નીશમ, ગ્લેન ફિલિપ્સ, રચિન રવિન્દ્ર, ટિમ સેઈફર્ટ (વિકેટકીપર) અને ઈશ સોઢી.

