MI Vs CSK: ચેન્નાઈ સુપર કિંગ્સે મુંબઇ ઇન્ડિયન્સને ઘર આંગણે 20 રને હરાવ્યું, MIને આ ભૂલ પડી ભારે
ચેન્નાઈ સુપર કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને ઘરમાં ઘુસીને હરાવ્યું

ચેન્નાઈ સુપર કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને ઘરમાં ઘુસીને હરાવ્યું. દરેકની નજર IPL 2024ના લીગ તબક્કાની આ સૌથી મોટી મેચ પર હતી અને બંને ટીમોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. મુંબઈના પૂર્વ કેપ્ટન રોહિત શર્માએ 11 વર્ષ પછી IPLમાં સદી ફટકારી હતી. રોહિતની આ સદી પણ ટીમને જીતાવી શકી નહી. ચેન્નાઈએ 20 રને મેચ જીતી લીધી હતી.
છેલ્લી ઓવરમાં એમએસ ધોની દ્વારા ફટકારવામાં આવેલા 3 છગ્ગા ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો. ટીમનો સ્કોર 200 રનને પાર પહોંચ્યો હતો, અને અંતે આ જીતનો તફાવત સાબિત થયો હતો. આ સાથે CSKએ આ સિઝનમાં ઘરની બહાર પોતાની પ્રથમ જીત નોંધાવી, જ્યારે મુંબઈને સતત 2 જીત બાદ હારનો સામનો કરવો પડ્યો હતો.
ઋતુરાજ-શિવમ દુબેની વિસ્ફોટક બેટિંગ
ચેન્નાઈ સુપર કિંગ્સે અજિંક્ય રહાણેને ઓપનિંગ માટે મોકલીને બધાને ચોંકાવી દીધા હતા, પરંતુ તે બીજી ઓવરમાં જ આઉટ થઈ ગયો હતો. IPLમાં જોરદાર શરૂઆત કરનાર રચિન રવિન્દ્ર ફરી નિષ્ફળ ગયો હતો. જોકે ત્રીજા નંબરે આવેલા કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે (69) રન ફટકાર્યા હતા. ગાયકવાડે 33 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. શિવમ દુબે સાથે મળીને તેણે 45 બોલમાં 90 રનની ભાગીદારી કરી અને ટીમને મોટા સ્કોર તરફ લઈ ગયા હતા.
ધોનીએ સિક્સરની હેટ્રિક ફટકારી
શિવમ દુબે (અણનમ 66)એ ફરી એકવાર શાનદાર બેટિંગ કરી અને માત્ર 28 બોલમાં અડધી સદી ફટકારી. આ બંનેની ઇનિંગ્સ છતાં CSK માટે 200 રન બનાવવું મુશ્કેલ સાબિત થઈ રહ્યું હતું,પરંતુ છેલ્લી ઓવરમાં બેટિંગ કરવા આવેલા એમએસ ધોનીએ સ્ટેડીયમનો માહોલ અને સ્કોર બોર્ડ બંને બદલી નાખ્યા. ધોનીએ 20મી ઓવરમાં હાર્દિક પંડ્યાની બોલિગમાં સળંગ ત્રણ છગ્ગા ફટકારીને ટીમનો સ્કોર 206 રન સુધી પહોંચાડી દીધો હતો, ધોનીએ માત્ર 4 બોલમાં 20 રન બનાવ્યા હતા.
આ 4 ઓવર મુંબઈ પર ભારે પડી
રોહિતે ફટાફટ આ સિઝનની તેની પ્રથમ અડધી સદી 30 બોલમાં ફટકારી હતી. તિલક (31)એ પણ કેટલાક સારા શોટ રમ્યા અને ટીમને 100 રનથી આગળ લઈ ગયા. બંને વચ્ચે ત્રીજી વિકેટ માટે 60 રનની ભાગીદારી થઈ હતી. ફરી એકવાર પથિરાની ઓવર આવીઅને મેચ પલ્ટાઈ ગઈ.
14મી ઓવરમાં તિલકને આઉટ કર્યો. આ તે સમય હતો જ્યારે મેચ મુંબઈના હાથમાંથી સરકી ગઈ હતી. CSKએના બોલર્સોએ 24 બોલમાં માત્ર 17 રન જ ખર્ચ્યા, 13મી અને 16મી ઓવરની વચ્ચે બે વિકેટ લીધી હતી. હાર્દિક પંડ્યા, ટીમ ડેવિડ અને રોમારિયો શેફર્ડ કંઈ કરી શક્યા ન હતા. અંતે રોહિત શર્માએ 20મી ઓવરમાં 61 બોલમાં IPLની બીજી સદી ફટકારી હતી પરંતુ તે જીતવા માટે પૂરતું ન હતું અને ટીમ માત્ર 186 રન બનાવી શકી હતી.








