મેલબર્નમાં ખેલાડીઓએ નહીં પણ ફેન્સે તોડ્યો 87 વર્ષ જૂનો રેકોર્ડ, 5મા દિવસે થયું નવું કારનામું

મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બોક્સિંગ ડે ટેસ્ટ મેચ ખૂબ જ રોમાંચક સ્થિતિમાં પહોંચી ગઈ છે, ત્યારે રમતના 5મા દિવસે ખેલાડીઓ નહીં પરંતુ સ્ટેડિયમમાં મેચ જોવા આવેલા ફેન્સે 87 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો. આ મેચમાં યજમાન ઓસ્ટ્રેલિયાએ ટીમ ઈન્ડિયાને ચોથી ઈનિંગમાં જીતવા માટે 340 રનનો ટાર્ગેટ આપ્યો છે. ઓસ્ટ્રેલિયામાં ફેન્સ બોક્સિંગ ડે ટેસ્ટ મેચ જોવા માટે આતુરતાથી રાહ જોવે છે અને ઓસ્ટ્રેલિયામાં મોટી સંખ્યામાં ઉમટેલા ભારતીય ફેન્સ પણ આ મેચ જોવા માટે સ્ટેડિયમમાં આવે છે.
આ પણ વાંચો: ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં દક્ષિણ આફ્રિકા થયું ક્વોલિફાય, પાકિસ્તાનને 2 વિકેટથી હરાવ્યું
ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ મેચમાં 1937નો રેકોર્ડ તૂટી ગયો
આ વખતે બોક્સિંગ ડે ટેસ્ટ મેચ જોવા માટે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કુલ પાંચ દિવસની રમતમાં દર્શકોની સંખ્યા 350,700થી વધુ હતી. અત્યાર સુધી આ મેદાન પર એટલા દર્શકો ક્યારેય નથી આવ્યા જેટલા આ મેચ જોવા આવ્યા છે. આ પહેલા વર્ષ 1937માં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે આ મેદાન પર રમાયેલી મેચમાં કુલ 350,534 દર્શકો પાંચ દિવસની રમતમાં પહોંચ્યા હતા. ઓસ્ટ્રેલિયામાં અત્યાર સુધી કોઈપણ ટેસ્ટ મેચ જોવા આવેલા ફેન્સની આ સૌથી વધુ સંખ્યા છે. આ મેચ જોવા માટે પાંચેય દિવસે આવેલા ફેન્સની સંખ્યા પર નજર કરીએ તો પહેલા દિવસે 87,242 ફેન્સ આવ્યા હતા, બીજા દિવસે 85,147 ફેન્સ આવ્યા હતા, ત્રીજા દિવસે 83,073 અને ચોથા દિવસે 43,867 ફેન્સ આવ્યા હતા. પાંચમા દિવસે આ મેચ માટે સ્ટેડિયમમાં 51,371થી વધુ ફેન્સ હાજર હતા.

જ્યારે પણ ભારતીય ટીમ વિશ્વના કોઈપણ મેદાન પર મેચ રમે છે ત્યારે સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં ફેન્સ જોવા મળે છે. આવું જ કંઈક અગાઉ પણ MCG મેદાન પર જોવા મળ્યું હતું, જ્યારે વર્ષ 2022માં અહીં T20 વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાન સામે મેચ રમી હતી, જેમાં કુલ 90,293 ફેન્સ સ્ટેડિયમમાં મેચ જોવા આવ્યા હતા. આ સિવાય આ જ ટૂર્નામેન્ટમાં ઝિમ્બાબ્વે સામેની મેચમાં 82,507 ફેન્સ મેચ જોવા માટે MCG ગ્રાઉન્ડ પર આવ્યા હતા.

