VIDEO: KKRને મળ્યો મુસ્તફિઝુર રહેમાનનો રિપ્લેસમેન્ટ, PSL છોડીને શાહરૂખ ખાનની ટીમ માટે રમશે આ બોલર
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની આગામી સિઝન 28 માર્ચથી શરૂ થઈ રહી છે. IPL 2026ની શરૂઆત પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ મુસ્તફિઝુર રહેમાનનો રિપ્લેસમેન્ટ શોધી કાઢ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના નિર્દેશ પર શાહરૂખ ખાનની સહ-માલિકીની કોલકાતા નાઈટ રાઇડર્સ દ્વારા મુસ્તફિઝુર રહેમાનને ટીમમાંથી રિલીઝ કરવામાં આવ્યો હતો. આ નિર્ણયથી ઘણો હોબાળો થયો હતો અને બાંગ્લાદેશની ટીમે ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં ભાગ નહતો લીધો.
કોલકાતા નાઈટ રાઈડર્સે મુસ્તફિઝુર રહેમાનના રિપ્લેસમેન્ટ તરીકે ઝિમ્બાબ્વેના ફાસ્ટ બોલર બ્લેસિંગ મુઝરબાનીને સાઈન કર્યો છે. 6 ફૂટ 8 ઈંચનો આ લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર T20 ફોર્મેટમાં ઝિમ્બાબ્વેના સૌથી ખતરનાક બોલર્સમાંનો એક માનવામાં આવે છે. 29 વર્ષીય મુઝારબાની તેની ગતિ, વધારાના ઉછાળા અને મહત્ત્વપૂર્ણ ક્ષણોમાં વિકેટ લેવાની ક્ષમતા માટે જાણીતો છે.
મુઝરબાનીના પ્રવેશથી KKRનો પેસ એટેક વધુ મજબૂત બન્યો છે અને IPL પહેલા ટીમ માટે સારા સમાચાર છે. મુઝરબાની ગઈ IPL સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ટીમનો ભાગ હતો. તેને RCB દ્વારા લુંગી ન્ગીડીના સ્થાને અંતિમ કેટલીક મેચો માટે સાઈન કરવામાં આવ્યો હતો. બ્લેસિંગ મુઝરબાનીનો T20I ક્રિકેટમાં રેકોર્ડ પ્રભાવશાળી છે. તેણે 89 T20I મેચોમાં 21.34ની એવરેજથી 106 વિકેટ લીધી છે.
મુઝરબાનીએ PSL છોડી
મુઝારબાની તેની ઊંચાઈ અને વધારાના ઉછાળા માટે જાણીતો છે. આ ગુણો ભારતીય પિચ પર પણ બેટ્સમેનોને મુશ્કેલીમાં મૂકી શકે છે. મુઝરબાનીને અગાઉ પાકિસ્તાન સુપર લીગ (PSL) 2026માં રમવા માટે ઈસ્લામાબાદ યુનાઈટેડ દ્વારા સાઈન કરવામાં આવ્યો હતો. તે ઈજાગ્રસ્ત શમર જોસેફના સ્થાને ટીમમાં જોડાયો હતો અને તેને લગભગ 1.1 કરોડ પાકિસ્તાની રૂપિયામાં સાઈન કરવામાં આવ્યો હતો.
જોકે, IPL 2026 માટે પસંદગી પામ્યા બાદ બ્લેસિંગ મુઝરબાનીએ PSLમાંથી નામ પાછું ખેંચી લીધું છે. આવું પહેલીવાર નથી બન્યું. ગઈ સિઝનમાં સાઉથ આફ્રિકાના ઓલરાઉન્ડર કોર્બિન બોશે IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) માંથી રમવા માટે પેશાવર ઝાલ્મી છોડી દીધી હતી.
બ્લેસિંગ મુઝરબાની તાજેતરમાં પૂર્ણ થયેલા ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં પણ ઉત્તમ ફોર્મમાં હતો. તે ટુર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલર્સની યાદીમાં ચોથા સ્થાને રહ્યો હતો, તેણે છ મેચમાં 13 વિકેટ લીધી હતી. તેનો સૌથી નોંધપાત્ર સ્પેલ ઓસ્ટ્રેલિયા સામે 4/17 હતો, જેણે ઝિમ્બાબ્વેને સુપર-8 રાઉન્ડ માટે ક્વોલિફાય કરવામાં મદદ કરી હતી.

