શું મોહમ્મદ શમીને મળવાની છે ગુડ ન્યૂઝ? સામે આવેલી એક તસવીરથી મળ્યો મોટો સંકેત

મોહમ્મદ શમી લગભગ એક વર્ષથી ભારતીય ટીમથી દૂર છે. તે છેલ્લે 2025માં ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત માટે રમ્યો હતો. તે લગભગ એક વર્ષથી ભારતીય ટીમમાંથી બહાર છે. જોકે, તે હાલમાં બંગાળ માટે ઘરેલુ ક્રિકેટ રમી રહ્યો છે, જ્યાં આ ફાસ્ટ બોલરે ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. જોકે, શમીને હવે ગુડ ન્યૂઝ મળી શકે છે. સામે આવેલી એક તસવીરથી મોટો સંકેત મળી રહ્યો છે.
શમી માટે સારા સમાચાર આવી શકે છે
આંધ્રપ્રદેશ અને બંગાળ વચ્ચે રણજી ટ્રોફી ક્વાર્ટર ફાઈનલ મેચ રમાઈ રહી છે. મેચના ત્રીજા દિવસે ભારતીય ટીમનો સિલેક્ટર અને ભૂતપૂર્વ ફાસ્ટ બોલર આરપી સિંહ પણ પહોંચ્યો હતો. ત્રીજા દિવસની રમત પછી આરપી સિંહ અને મોહમ્મદ શમી વચ્ચે લાંબી વાતચીત થઈ હતી. જેની તસવીર સામે આવી છે, જેનાથી સંકેત મળી રહ્યો છે કે શમીની ભારતીય ટીમમાં વાપસી થઈ શકે છે.
મોહમ્મદ શમીએ અડધી સદી ફટકારી
મોહમ્મદ શમીએ આ મેચમાં બેટથી શાનદાર પ્રદર્શન કર્યું. તેણે 33 બોલમાં 53 રન બનાવ્યા હતા. આ ઈનિંગ દરમિયાન તેણે 7 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. આ પહેલા શમીએ સર્વિસીસ સામેની મેચમાં 5 વિકેટ લીધી હતી. વધુમાં, શમીએ વિજય હજારે ટ્રોફીમાં બંગાળ માટે ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું. તે ઘરેલુ ટુર્નામેન્ટમાં સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે.
આંધ્ર 270 રનથી પાછળ
આંધ્રપ્રદેશે પ્રથમ ઈનિંગમાં 88.4 ઓવરમાં 295 રન બનાવ્યા હતા, જેના જવાબમાં બંગાળે 629 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. બંગાળ તરફથી સુદીપ કુમારે 299 રનની ઈનિંગ રમી હતી. જ્યારે બીજી ઈનિંગમાં આંધ્રપ્રદેશે ત્રીજા દિવસની રમતના અંત સુધીમાં 24 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 64 રન બનાવ્યા છે. ટીમ હાલમાં મેચમાં 270 રનથી પાછળ છે.

