Ind vs Pak: ભારત સામે ટી-20 વર્લ્ડ કપનો મુકાબલો રમવા પાકિસ્તાનનો નિર્ણય, કોલંબોમાં બંને ટીમો વચ્ચે થશે ટક્કર

ટી20 વર્લ્ડ કપ 2026ના સૌથી હાઈ પ્રોફાઈલ મેચના વિવાદનો અંત આવી ગયો છે. હવે ભારત પાકિસ્તાનની મેચ નક્કી થયેલા કાર્યક્રમ મુજબ 15 ફેબ્રુઆરીના રોજ કોલંબોમાં રમાશે. રવિવારે લાહોરમાં ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC), પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) વચ્ચે ત્રિપક્ષીય બેઠક યોજાઇ હતી. જેમાં ICCની કૂટનૈતિક જીત થઈ છે. પાકિસ્તાન ભારત સામે રમવા માટે રાજી થઈ ગયું છે. ક્રિકબઝના રિપોર્ટ મુજબ આ વાતની સત્તાવાર ઘોષણા ટૂંક સમયમાં કરવામાં આવશે.
પાકિસ્તાનની મોટા ભાગની માંગ ફગાવી
બીજી તરફ એક રિપોર્ટ મુજબ, પાકિસ્તાને ભારત વિરુદ્ધ મેચ રમવા માટે આઇસીસી સમક્ષ ત્રણ માંગ મૂકી છે. તેની પ્રથમ માંગ એ છે કે, આઇસીસી દ્વારા વાર્ષિક મળતા ફંડમાં વધારો કરવામાં આવે. બીજી માંગ - આઇસીસી ભારત-પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય ક્રિકેટ સીરિઝ રમાડવાનો પ્રયાસ કરે. ત્રીજી માંગ - મેચ બાદ હાથ મિલાવવા જેવી પરંપરાઓનું પાલન કરવામાં આવે. જો કે આ તમામ મોટી ત્રણ માગ ICCએ ફગાવી દીધી છે. ફક્ત બાંગ્લાદેશ પર કોઈ આર્થિક દંડ નહીં થાય તે માગ જ સ્વીકારી છે.
બાંગ્લાદેશને દંડમાંથી મુક્તિ
ICC T20 વર્લ્ડ કપ 2026માં ભારત-પાકિસ્તાન મેચને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ(ICC)એ બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચેની શરતો અંગે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. ICC એ સ્પષ્ટપણે કહ્યું છે કે આ સમગ્ર ઘટના માટે બાંગ્લાદેશને કોઈપણ રીતે દંડ કરવામાં આવશે નહીં અને ICCના આવકનો તેનો હિસ્સો મળતો રહેશે.
ICC ભારતને પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય ક્રિકેટ રમવા માટે કહે
બેઠક દરમિયાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાને એવી પણ માંગણી કરી કે ICC ભારતને પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય ક્રિકેટ રમવા માટે કહે. જોકે, ICCએ આ માંગણીને સ્પષ્ટપણે નકારી કાઢી. ICCએ કહ્યું કે દ્વિપક્ષીય શ્રેણી તેના અધિકારક્ષેત્રમાં આવતી નથી. આ જ કારણ છે કે તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જેવી ICC ટુર્નામેન્ટ દરમિયાન પણ આવા મામલાઓમાં દખલ કરતું નથી.
ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે ત્રિકોણીય શ્રેણી યોજવાનો પણ આ જ પ્રકારનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, પરંતુ તે પણ આ જ કારણોસર નકારી કાઢવામાં આવ્યો હતો.

