T20 World Cup 2026 / ભારતીય ટીમે તોડ્યો ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાનો વર્લ્ડ રેકોર્ડ, આ મામલે બની નંબર-1

ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ 2026ની શાનદાર શરૂઆત કરી છે. પહેલી જ મેચમાં સૂર્યકુમાર યાદવની કેપ્ટનશિપમાં ભારતીય ક્રિકેટ ટીમે USAને હરાવીને પોતાની સફર જીત સાથે શરૂ કરી. આ જીત સાથે ભારતીય ટીમે એક વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ટીમે 2024ના વર્લ્ડ કપથી અત્યાર સુધી આ ટુર્નામેન્ટમાં એક પણ મેચ નથી હારી.
T20 વર્લ્ડ કપ 2024માં બધી મેચ જીતી, આ વર્ષે પણ જીત સાથે શરૂઆત
ભારતીય ટીમે 2024માં રોહિત શર્માની કેપ્ટનશિપમાં T20 વર્લ્ડ કપ જીત્યો હતો. તે વર્ષે ભારતીય ટીમ શરૂઆતથી અંત સુધી એક પણ મેચ નહતી હારીતું. ફાઈનલમાં સાઉથ આફ્રિકાને હરાવીને ભારતે ટાઈટલ જીત્યું હતું. ભારતે કુલ આઠ મેચ રમી અને બધી જીતી. સૂર્યકુમાર યાદવે હવે આ સિલસિલો ચાલુ રાખ્યો છે. ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ 2026ની પોતાની પહેલી મેચમાં USAને 29 રનથી હરાવ્યું હતું.
ભારતીય ટીમે T20 વર્લ્ડ કપમાં સતત નવ મેચ જીતીને ઈતિહાસ રચ્યો
ટીમ ઈન્ડિયાએ હવે T20 વર્લ્ડ કપમાં સતત 9 મેચ જીતી છે. આ એક રેકોર્ડ છે. આ અગાઉ ઓસ્ટ્રેલિયાએ 2022 અને 2024માં T20 વર્લ્ડ કપમાં સતત 8 મેચ જીતી હતી. જ્યારે સાઉથ આફ્રિકા પણ 2024ના T20 વર્લ્ડ કપમાં ફાઈનલ સુધી બધી મેચ જીતવામાં સફળ રહ્યું હતું, પરંતુ ફાઈનલમાં હારી ગયું હતું. ટીમ ઈન્ડિયા હવે T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં સતત સૌથી વધુ જીત મેળવનારી ટીમ બની ગઈ છે.
ભારતીય ટીમ આ સિલસિલાને આગળ વધારી શકે છે
ભારતીય ટીમ પાસે આ સતત 9 જીતને 10માં બદલીને એવી પ્રથમ ટીમ બનવાની તક છે, જેણે T20 વર્લ્ડ કપમાં ડબલ ડિજિટમાં સતત મેચ જીતી હોય. ભારતનો આગામી મુકાબલો ગુરુવાર, 12 ફેબ્રુઆરીએ નામિબિયા સામે છે. આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. ભારતીય ટીમ માટે સતત 10 જીત હાંસલ કરવી મુશ્કેલ કામ નથી. આ જીતનો સિલસિલો કેટલો સમય ચાલુ રહે છે, શું બીજી ટીમ તેની બરાબરી કરી શકશે કે શું આ રેકોર્ડ આવનારા વર્ષો સુધી યથાવત રહેશે તે જોવાનું બાકી છે.

